શું તમને ખબર છે. ડેન્ગ્યુના મચ્છરોને તમે તમારા ઘરમાં જ પાળી રહયા છો ?

Navsari News: ચોમાસા દરમ્યાન ચોમાસા દરમિયાન બિમારીઓનું પ્રમાણ વધી જાય છે. આ પરિસ્થિતિમાં રોગચાળા અટકાયત અને નિયંત્રણ માટે નવસારી Navsari જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા નાગરિકોને રોગચાળાથી બચાવવા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતું એક જાગૃત નાગરિક તરીકે અમુક સાવચેતીઓ રાખવાથી નાની મોટી બિમારીઓથી સરળતાથી બચી શકાય છે. જેમ કે ડેન્ગ્યુ.
ડેન્ગ્યુનો તાવ એ એક પીડાદાયક અને મચ્છરજન્ય રોગ છે. મચ્છરની વિશેષ પ્રજાતિ એડીસ પ્રજાતિઓને કારણે ફેલાય છે. આ મચ્છરો મેલેરિયાના વાઇરસનું વહન કરે છે જે મનુષ્યમાં મચ્છરજન્ય બીમારીનું કારણ બને છે. ઘણી વાર લોકોને ખબર પણ નથી પડતી કે આ તાવ ચેપજન્ય અને ગંભીર છે. ડેન્ગ્યુના લક્ષણોમાં સતત તાવ, સાંધા તથા માંસ-પેશીઓમાં દુખાવો, ચામડી ઉપર ચકામા, થાક લાગવો અને ગભરામણ થવી તેને લોકો સામાન્ય ગણી કાઢે છે જે લાંબા ગાળે હાનિકારક બની શકે છે. જેથી નવસારી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઘરે ઘરે સર્વે કરી લોકોને સમજ આપી મચ્છર ઉત્પતિના સ્થાનો શોધી પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે.
ડેન્ગ્યુ અટકાવવા માટેના ઉપાયો
ઘરની આસપાસ ખાનગી/ કોમન પ્લોટમાં પાણીના ભરાવાને દૂર કરવુ, પાણીની ટાંકી તથા સંગ્રહ કરવાના વાસણો જેવા કે, કેરબા, માટલા, ડોલ, હોજ જેવી જગ્યાએ આ મચ્છરો ઉત્પન્ન થાય છે. જેથી આવા પાણી સંગ્રહના સાધનો ખુલ્લા ન રાખી હવા ચુસ્ત ઢાંકવુ અથવા કપડાથી બાંધી દેવુ, પશુ પક્ષીઓ માટે સંગ્રહેલા પાણીને દર ત્રીજા દિવસે એક વાસણમાંથી બીજા વાસણમાં ગાળી ઉત્પન્ન થયેલા પોરાઓનો નાશ કરવો અને મચ્છરના ઈંડાના નાશ માટે વાસણના તળિયા ખૂબ ઘસીને સાફ કરવા અને પાણીના મોટા હોજ અને ટાંકામાં પોરા ભક્ષક માછલી આરોગ્ય કેન્દ્રમાંથી લાવીને નાંખવી હિતાવહ છે.
ડેન્ગ્યુને કેમ ગંભીર ગણવામાં આવે છે ?
માદા ચેપી મચ્છર કરડવાથી આ રોગ થાય છે. જે લોહીમાં સફેદ કણને ખાઈ છે. માનવ શરીરમાં સફેદ કણ કુલ ૪૦૦૦ થી ૧૧૦૦૦ હોય છે. જો આ કણ ઘટીને ૧૫૦૦ થઈ જાય તો માનવ શરીરની ચામડીમાંથી લોહી આવે છે અને માનવી મૃત્યુ પણ પામે છે. જેથી નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ રોગથી બચવા માટે લોકોને જાગૃત કરી પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે.
જેના માટે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને વાહક નિયંત્રણની કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવી છે..
બોક્ષ-1
આરોગ્ય વિભાગની કુલ-૭૦૪ ટીમ દ્વારા ઘરે ઘરે જઇ પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. જાન્યુ ૨૪ થી જુન ૨૪ દરમ્યાન પોઝીટીવ આવેલ ઘરની આજુ બાજુના ૮૭૪ ઘરો સર્વે કરવામાં આવ્યા હતા. જેમાં ૧૧ ઘર તથા ૨૧ પાત્રો પોઝીટીવ મળી આવ્યા હતા. જે તમામ પોઝેટીવ પાત્રોનો સ્થળ ઉપર જ નાશ કરી દેવામાં આવ્યો હતો. ૩૯૫ ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી અને ૫૭૩ પાત્રોમાં ટેમીફોસની કામગીરી કરવામાં આવી હતી. પાણી ભરાય રહેલ સ્થળો ઉપર ડાઇફલુબેન્ઝુરોનનો છંટકાવ કરવામાં આવ્યો છે. આ ટીમમાં આશા, સ્ટાફ નર્સ, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, મલ્ટીપર્પસ હેલ્થ વર્કર જેટલા સભ્યો છે.
અત્રે નોંધનિય છે કે,નવસારી જિલ્લામાં જાન્યુઆરી-૨૦૨૪ થી જુન ૨૦૨૪ દરમિયાન ડેન્ગ્યુના કુલ-૦૪ કેસો નોંધાયા છે. નવસારી જિલ્લા ખાતે છેલ્લા પાંચ વર્ષમાં ડેન્ગ્યુના ૧૫૪ કેસો પોઝીટીવ નોંધાયેલા છે. જે તમામ વિસ્તારમાં દર માસે પ્રા.આ.કેંદ્ર/અર્બનની ટીમ દ્વારા સર્વે આયોજન ગોઠવી સઘન હાઉસ ટુ હાઉસ સર્વે કામગીરી હાથ ધરવામાં આવે છે.
બોક્ષ-2
નવસારી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.રાજેન્દ્ર રંગુનવાળા મારફત મળેલ માહિતી અનુસાર ઇન્ટ્રા તથા પેરા ડોમેસ્ટીક સર્વે કામગીરી અંતર્ગત એંન્ટીલાર્વલ કામગીરી હેઠળ હાઉસ ટુ હાઉસ સર્વે દરમ્યાન પીવા લાયક સિવાયના પાણીમાં ટેમીફોસની કામગીરી, ઓઇલ/ઓઇલ બોલ નાખવાની કામગીરી, બાયોલોજીકલ ગપ્પીફીશ નાખવાની કામગીરી, સોર્સ રિડકશનની કામગીરી, ફોકલ સ્પ્રે કામગીરી, ડાઇફલુબેન્ઝુરોન છંટકાવની કામગીરી, પ્રા.આ.કેંદ્ર ટીમ દ્વારા ફોગીંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે નગરપાલીકા દ્વારા પણ આરોગ્યલક્ષી કામગીરી અંતર્ગત વિવિધ સ્થળોએ ફોગીંગની કામગીરી અને એમ.એલ.ઓ. છંટકાવની કામગીરી હાથ ધરાઇ છે.
આ સિવાય તકેદારીના ભાગરૂપે શિબિર આયોજન, પત્રિકા વિતરણ, પોરા નિદર્શન અને પોરાભક્ષક માછલી નિદર્શન જેવા માધ્યમો થકી આ રોગનો ફેલાવો અટકાવવાની ઘનિષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે.
ગરીબો અને મધ્યમવર્ગીય પરિવારોઓની ચિંતા દુર કરીને આરોગ્ય સુખાકારીમાં વધારો કરવાનું ગુજરાત સરકારનું લક્ષ્ય છે ત્યારે નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નવસારી જિલ્લાની જાહેરજનતા પાણીજન્ય તેમજ વાહકજન્ય રોગચાળાથી બચી રહે તે માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. આવા સમયે ફક્ત આરોગ્ય વિભાગની કામગીરી ઉપર આધાર ન રાખતા એક જાગૃત નાગરિક તરીકે સ્વચ્છતા જાળવી આરોગ્ય પ્રત્યે રાખેલી તકેદારીથી અનેક બિમારીઓથી બચી શકાય છે.