સુરત જિલ્લા પ્રભારી સચિવ રાજીવ ટોપનોના અધ્યક્ષસ્થાને સુરત શહેર-જિલ્લાના બ્રિજો, જાહેર ઈમારતો, શાળા-કોલેજો, આંગણવાડી સહિતના મકાનોની સ્થિતિ વિશે સમીક્ષા બેઠક મળી હતી.

સુરત જિલ્લા પ્રભારી સચિવ રાજીવ ટોપનોના અધ્યક્ષસ્થાને સુરત શહેર-જિલ્લાના બ્રિજો, જાહેર ઈમારતો, શાળા-કોલેજો, આંગણવાડી સહિતના મકાનોની સ્થિતિ વિશે સમીક્ષા બેઠક મળી હતી.
કોઈ પણ બ્રિજ કે ઈમારતોના નિર્માણ સમયે ડિઝાઈનીંગ મુજબ બાંધકામનું ઈફેકટીવ મોનિટરીંગ થાય તે જરૂરીઃ જિલ્લા પ્રભારી સચિવ
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આદેશાનુસાર સુરત જિલ્લા પ્રભારી સચિવ અને મુખ્ય રાજય વેરા કમિશનર શ્રી રાજીવ ટોપનોના અધ્યક્ષ સ્થાને સુરત શહેર-જિલ્લામાં આવેલા બ્રિજો સહિત જાહેર સેવાઓની ઈમારતો, શાળા-કોલેજો, આંગણવાડી સહિતના મકાનોની વર્તમાન સ્થિતિ, ક્ષમતા વિશે સમીક્ષા બેઠક યોજાઈ હતી. પ્રભારી સચિવશ્રીએ શહેર-જિલ્લામાં આવેલા બ્રીજો, સરકારી ઈમારતોની સ્થિતિ વિશે વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી સવિસ્તાર માહિતી મેળવી હતી.
જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં પ્રભારી સચિવે કહ્યું કે, કોઈ પણ બ્રિજ કે ઈમારતોના નિર્માણ સમયે ડિઝાઈનીંગ મુજબ બાંધકામનું ઈફેકટીવ મોનિટરીંગ થાય તે જરૂરી છે. કન્સ્ટ્રકશન મોનિટરીંગ તેમજ બ્રિજના નિયત થયેલા આઈ.આર.સી. કોડ પ્રમાણે ચકાસણી કરવા જણાવ્યું હતું. રેલ્વે તથા હાઈવેના બ્રીજોમાં સરફેસ ડિઝાઈનીંગ પ્રમાણે સુપરવિઝન થાય તે માટે અધિકારીઓને સુચના આપી હતી. રેલ્વે સ્ટેશન પર આવેલા ફુટ ઓવરબ્રિજનું સધન ચેકિંગ હાથ ધરવા તેમજ જરૂર જણાય તો જે તે બ્રિજનું થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન કરવા પણ જણાવ્યું હતું.
બેઠકમાં પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા સુરત મહાનગરપાલિકાએ અધિકારીઓએ પાલિકા હસ્તકના ૧૨૧ બ્રિજોના હેલ્થ કાર્ડ રીપોર્ટ બનાવવામાં આવ્યા હોવાની વિગતો આપી હતી. તે સાથે બ્રીજ રીહેબિટેશન સ્કીમ હેઠળ સમયાંતરે રીપેરીંગ થતા હોવાનો અને હાલ કોઈ બ્રીજ જર્જરીત ન હોવાનું તેમણે કહ્યું હતું.
જિલ્લાકક્ષાએ માર્ગ અને મકાન વિભાગ-૧-૨ હસ્તકના બ્રિજો, જિલ્લા પંચાયત, સુરત નહેર વિભાગ હસ્તકના બ્રિજો, કાકરાપાર-જમણાકાંઠા નહેર, ઉકાઈ ડાબા કાંઠા, તાપી પાળા વિભાગ હસ્તકના બ્રિજોની ચકાસણી પુર્ણ કરવામાં આવી હોવાની વિગતો અધિકારીઓએ આપી હતી. નેશનલ હાઈવે નં.૪૮ હસ્તકના ચાર તથા નેશનલ હાઈવે નં.૫૩ના ૨૫ બ્રિજો, ગુજરાત મેટ્રોના સાત, ડી.એ.સી.સી.એલ હસ્તકના ૩૬ તથા ગજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ૧૮, સુડા હસ્તકના સાત, રેલ્વે વિભાગ હસ્તકના ૪૫ બ્રિજોની ચકાસણી કરવામાં આવી હોવાની વિગતો જે તે અધિકારીઓએ આપી હતી.
સરકાર હસ્તકની કચેરીઓના વીર નર્મદ યુનિવર્સિટીની કોલેજોના બિલ્ડીંગો, શહેર-જિલ્લાની સરકારી શાળાઓ, આંગણવાડી કેન્દ્રો હસ્તકના મકાનો, માર્ગ અને મકાન હસ્તકના ભવનો, સ્મિમેર-સિવિલ હોસ્પિટલ તથા જિલ્લા આરોગ્ય વિભાગ હસ્તકના મકાનોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર શ્રી વિજય રબારીએ કર્યુ હતું.
બેઠકમાં મ્યુ. કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, પ્રાદેશિક નગરપાલિકા કમિશનર સંજય વસાવા, નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોયસર, નાયબ પોલીસ કમિશનર શ્રીમતી હેતલબેન પટેલ, ડે.મ્યુ. કમિશનરો, પ્રાંત અધિકારીઓ, માર્ગ અને મકાન, રેલ્વે સહિત જિલ્લાના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.