સ્પોર્ટ્સ

અનોખા સાહસનો સંગમ એટલે સમુદ્ર હોડી સ્પર્ધા

અનોખા સાહસનો સંગમ એટલે સમુદ્ર હોડી સ્પર્ધા
સઢવાળી હોડીઓ વચ્ચે હરિફાઈ જામશે
તા.૧૬મી ફેબ્રુ.-રવિવારે હજીરા પોર્ટ રો-રો ફેરી પાસેથી મગદલ્લા પોર્ટ સુધીની ૨૧ કિમીની ૪૪મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા યોજાશે


સદ્દગત પૂ. મોટાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ૧૯૭૦-૭૧માં પ્રથમવાર દીવથી જાફરાબાદ વચ્ચે સમુદ્ર હોડી સ્પર્ધા યોજાઈ હતી
રાજ્યના યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર આયોજિત હરિઓમ આશ્રમ-નડિયાદ પ્રેરિત અને સુરત જિલ્લા વહીવટી તંત્ર સંચાલિત ૪૪મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા તા.૧૬મીએ રવિવારે હજીરા પોર્ટ રો-રો ફેરી પાસેથી શરૂ કરી મગદલ્લા પોર્ટ (૨૧ કિ.મી.) સુધી યોજાશે. સ્પર્ધાનો માર્ગ હજીરાથી ગણપતિ વિસર્જન ઓવારા સુધી રહેશે. માત્ર સઢવાળી હોડીઓ વચ્ચે હરિફાઈ જામશે. જેનો લ્હાવો સુરતવાસીઓને માણવા મળશે.
સદ્દગત પૂ. મોટાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ૧૯૭૦-૭૧માં પ્રથમવાર દીવથી જાફરાબાદ વચ્ચે સમુદ્ર હોડી સ્પર્ધા યોજાઈ હતી. ગરવી ગુજરાતના સાગરખેડૂઓના ખમીરને પ્રગટાવતી ૪૪મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા ઘણા વર્ષો બાદ સુરતના આંગણે યોજાવા જઈ રહી છે. આ સ્પર્ધા સઢવાળી હોડીઓ વચ્ચે યોજાશે. રાજ્યના વિવિધ સાંગરકાંઠાના નાવિક, ટંડેલ, ખારવા, ખલાસી, માછી સમાજના ભાઈઓ આ સ્પર્ધામાં ઉત્સાહ અને ઉમંગથી ભાગ લે છે.
આદિકાળથી માનવીને કુદરત સાથે અત્યંત નિકટનો નાતો રહ્યો છે. એટલે જ તે હંમેશા કુદરતમાંથી પ્રેરણા મેળવતો રહ્યો છે અને જાણે કુદરતને આંબવા સતત પુરૂષાર્થી બનતો રહ્યો છે. પક્ષીને ઉડતાં જોઈને મનુષ્યને પણ હવામાં તરવાની-ઉડવાની પ્રેરણા મળી અને તેમાંથી જ હવાઈ જહાજોની શોધનો પુરૂષાર્થ પ્રગટયો. તેમાંથી અનેકવિધ અને ચિત્ર-વિચિત્ર હવાઈ જહાજોનું સંશોધન થયું તથા જમ્બો જેટ જેવા વિશાળકાય વિમાનોનું નિર્માણ થયું. પાણીમાં તરતાં પ્રાણીઓને જોઈ માનવીને એ માધ્યમને મહાત કરવાના પણ મનોરથ જાગ્યા. જોજનનું અંતર કાપતાં વહાણો, સ્ટીમરો અને સબમરીનો શોધાઈ અને સમુદ્રને નાથી શકાયો. એટલે જ નિરંતર કુદરતનાં સાંનિધ્યમાં જીવતા અને સતત સક્રિય તેમજ પરિશ્રમી રહેતા નાવિક ખલાસીનાં જીવન પ્રેરક દ્રષ્ટાંત બની રહ્યાં છે.
પૂ.મોટાએ સાગરખેડૂ રહેલું ખમીર ઉજાગર થાય અને સમાજમાં આવા સાહસિકો પ્રત્યેની ગુણભાવના પ્રગટે, તેમના પુરૂષાર્થની નોંધ લેવાય તે માટે હોડી સ્પર્ધા યોજવાની પરંપરાની શરૂઆત કરી હતી. પૂ.મોટા કહેતા કે, સાગરખેડૂઓ તોફાન સામે, વાવાઝાડા સામે, વંટોળ સામે સામી છાતીએ લડવામાં માહેર હોય છે. તેમના જીવનમાંથી નાગરિકોએ આ પ્રતિકાર શક્તિને બોધપાઠ સ્વરૂપે શીખવા જેવી છે. સતત આગળ વધતા રહેવું, અનેક ઝંઝાવાતો સામે ઝઝૂમવાના નાવિકોના જીવનમંત્રને અપનાવવા જેવો છે. સાગરખેડૂઓને નિરક્ષરતા છતાં તેમના જીવનમાં ભારોભાર વણાયેલી ઉદાત્ત સાહસ ભાવના તથા પુરૂષાર્થ પરાયણતાને બિરદાવી શકાય તથા વર્તમાન જીવનરીતિમાં સાહસસેવાના નવા મૂલ્યો સ્થાપી શકાય એ જ હોડી સ્પર્ધાનો મૂળભૂત ઉદ્દેશ છે.
પૂ. મોટા આવી સાહસિક પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોમાં સાહસ, ધૈર્ય, તિતિક્ષા ત્યાગ અને દેશદાઝ પ્રગટે તે જેવા ખૂબ ઉત્સુક હતા. પૂ. મોટાની પ્રેરણાથી રાજ્ય યુવક બોર્ડના ઉપક્રમે આ બંને સાહસઉત્સવનું નિયમિત આયોજન થઈ રહ્યું છે.
આપણા ઈતિહાસના પાનાઓ પર આ૫ણા વહાણવટીઓ, માલમોના શૌર્ય અને સમર્પણની અનેક રસભરી ગાથાઓ આલેખાયેલી છે. ભારતીય સંસ્કૃતિના દેશવિદેશમાં પ્રચાર-પ્રસાર માટે આપણા સાગરખેડૂઓનું પ્રદાન ખરેખર અનન્ય છે, જેની સાબિતી ઈતિહાસના પાનાઓમાં અંકિત થયેલી છે. ભારતીય સંસ્કૃતિને છેક દૂરસુદૂરના જાવા, સુમાત્રા, બાલી, ફિજી, માડાગાસ્કર ટાપુઓ સુધી ફેલાવી ‘વિશાળ ભારત’નું સર્જન કરવામાં આ સાગરખેડૂઓએ સંસ્કૃતિના વાહક તરીકે અનન્ય સેવાઓ આપી છે. આમ, પ્રાચીન કાળથી આપણા સાગરખેડૂઓની એક ભવ્ય પરંપરા અકબંધ રહી છે.
રાજ્ય યુવક બોર્ડના ઉપક્રમે યોજાતા આ સાહસ ઉત્સવને માણતા હોઈએ ત્યારે આ૫ણને ભવ્ય ભૂતકાળની ઝાંખી થયા વિના રહેતી નથી. આ સાહસિક ઉત્સવ થકી યુવાનોમાં સાહસની ચિનગારી પ્રગટાવી શકાય છે. સાગરની ગહનતા અને તેની વિશિષ્ટ ૫રિસ્થિતિ પ્રવૃત્તિમય જીવન, સહકાર્ય, સમતા અને પ્રભુનિષ્ઠા જેવા ગુણો પ્રગટાવવામાં પણ મદદરૂપ બને છે.
ગુજરાતના સમગ્ર સાગરકિનારાના આ૫ણા કુશળ અને નવલેહિયા સાગરખેડૂઓ આ સ્પર્ધામાં ઉત્સાહ, હર્ષોલ્લાસ અને જોમજુસ્સો પ્રદર્શિત કરી શકે તે માટે રાજ્યના જુદા-જુદા વિસ્તારમાં આ સ્પર્ધા યોજવામાં આવે છે. છેલ્લી નૌકા સ્પર્ધા બેટ દ્વારકામાં યોજવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button