મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની નાળના મુવાડા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચુંટણી યોજવામાં આવી

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની નાળના મુવાડા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચુંટણી યોજવામાં આવી
EVM મોબાઈલ પદ્ધતિથી અનોખી રીતે શિક્ષક ચિરાગકુમાર પંચાલના આયોજન હેઠળ શાનદાર રીતે બાળસંસદની ચુંટણી
લોકશાહીના મુલ્યોને બાળકોમાં સિંચિત કરવા અને નાગરિક તરીકેના હક અને ફરજ પ્રત્યે સભાનતા કેળવે તે હેતુથી અને નેતૃત્વના ગુણોનો વિકાસ કરવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા પંચાયત જિલ્લા શિક્ષણ સમિતિ મહીસાગર સંચાલિત લુણાવાડા તાલુકાના ઝારા ક્લસ્ટરની નાળના મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષક અને લુણાવાડા તાલુકાના મધવાસ ગામના વતની એવા ચિરાગકુમાર કનૈયાલાલ પંચાલના શાનદાર આયોજનપણા અને માર્ગદર્શન હેઠળ તારીખ ૯ જુલાઈ ૨૦૨૫ ને બુધવારના રોજ બાળ સંસદની ચુંટણી યોજાઈ હતી.શાળાના વિદ્યાર્થીઓમાં પોતાના પ્રતિનિધિઓને ચુંટવા માટે અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો અને સક્રિયપણે ભાગ લીધો હતો.વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહ સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.બાળ સંસદની ચુંટણી સફળતાપુર્વક સંપન્ન થઈ હતી.આ પ્રકિયાથી વિદ્યાર્થીઓને લોકશાહી પ્રણાલી, મતદાનનું મહત્વ અને પોતાના અધિકારો અને ફરજ વિશેનું પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થયું.આ બાળસંસદની ચુંટણી માટે જાહેરનામું, ટેકેદારો સાથે ફોર્મ ભરવાની, ફોર્મ પાછા ખેંચવાની, ફોર્મ ચકાસણીની તારીખો નક્કી કરવામાં આવી હતી.ચુંટણી અધિકારી, પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, મહિલા પોલિંગ ઓફિસર, એજન્ટોની નિમણુંક કરવામાં આવી હતી.EVM મોબાઈલ પદ્ધતિથી અદ્યતન રીતે બાળસંસદની ચુંટણી યોજાઈ હતી.જેમાં તમામ ઉમેદવાર વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ સેટ કરવામાં આવ્યા હતા.કુલ ૮ વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી.જેમાં ધોરણ ૫ માં અભ્યાસ કરતા માછી કાર્તિકુમાર મહેશભાઈને સૌથી વધુ ૧૯ મત મળ્યા હતા જેઓ મહામંત્રી તરીકે તથા ધોરણ ૫ માં અભ્યાસ કરતા માછી દેવ્યાંશીબેન મુકેશભાઈ ઉપમહામંત્રી તરીકે ચુંટાઈ આવ્યા હતા તથા અન્ય ઉમેદવાર વિદ્યાર્થીઓને અલગ અલગ વિભાગના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.મંત્રીમંડળના તમામ મંત્રીઓની શપથવિધિ યોજવામાં આવી હતી.વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.શાળાના તમામ વિદ્યાર્થીઓમાં બાળસંસદની ચુંટણીને લઈને ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.