ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટીમવર્કનું મહત્વ સંગીતની જુગલબંધી સાથે સમજાવતું ‘સાથી હાથ બઢાના’ સેશન યોજાયું

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટીમવર્કનું મહત્વ સંગીતની જુગલબંધી સાથે સમજાવતું ‘સાથી હાથ બઢાના’ સેશન યોજાયું
ટીમ એટલે T-Together, E-Everyone, A-Achieves, M-More : કોર્પોરેટ ટ્રેઈનર રૂપલ શાહ
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુરુવાર, તા. રર ફેબ્રુઆરી ર૦ર૪ના રોજ સાંજે ૦પઃ૩૦ કલાકે સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘મેલોડીઝ મોટીવેશન સેશન્સ’ અંતર્ગત ‘સાથી હાથ બઢાના’ વિશે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોર્પોરેટ ટ્રેઇનર રૂપલ શાહે ટીમવર્કનું મહત્વ સંગીતની જુગલબંધી સાથે રજૂ કર્યું હતું.
કોર્પોરેટ ટ્રેઈનર રૂપલ શાહે જણાવ્યું હતું કે, ‘સંગીત એક રિફ્રેશર, ઉર્જા, મૂડ ચેન્જર અને થેરાપી છે. સંગીતનું પોતાનું એક આગવું મહત્વ છે. સંગીતની જેમ જ ટીમમાં કામ કરતી વખતે આ તમામ બાબતો અનુભવી શકાય છે. તેમણે ટીમવર્કનું મહત્વ વિશે બોલીવુડનું પ્રખ્યાત ગીત ‘સાથી હાથ બઢાના’થી સેશનની શરૂઆત કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘ટીમવર્કમાં એક અલગ જ મજા અને ઉત્સાહ હોય છે. કોઈ એક વ્યક્તિ કેટલું કામ કરી શકે છે. કોઈ એક વ્યક્તિ ઈચ્છે તો પણ દરિયામાં રસ્તો ન બનાવી શકાય પણ જો એક વ્યક્તિને અનેક લોકોનો સાથ મળી જાય તો દરેક કાર્ય શક્ય બની શકે છે. એ સમયે એક નવા દોરની શરૂઆત થાય છે. દિલીપ કુમાર અને વૈજયંતીમાલાનું ‘સાથી હાથ બઢાના’ ગીતમાં દર્શાવેલા દૃશ્યો આપણે વાસ્તવિક થતાં જોઈ શકીએ છીએ.’
કોઈ પણ પ્રોજેક્ટ માટે પ્રોડક્ટીવિટી વધારવી હોય તો ટીમવર્કનું હોવું જરૂરી છે. એવું કહેવાય કે, સફળતા જોઈતી હોય તો એકલા ચાલો કંઈ વાંધો નથી પણ જો સફળતા પર ટકી રહેવું હોય તો ટીમને સાથે લઈને ચાલવું પડશે. ટીમની વાત આવે તો લોકોના સમુહ સાથે કાર્ય કરવું પડે, ત્યારે ટીમ (Team)નો અર્થ T-Together, E-Everyone, A-Achieves, M-More નો અનુભવ થાય છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે ટીમમાં દરેક વ્યક્તિ જુદી-જુદી પ્રતિભા ધરાવતા હોવાથી ધ્યેય હાંસલ કરવામાં સરળતા રહે છે અને ટીમના સભ્યો આજના સમયમાં રૂબરૂ મળે કે નહીં મળે પણ વર્ચ્યુઅલી પોતાની કામની નોંધ આપતા હોય છે. તેમણે ટીમવર્કને દર્શાવતા બોલિવુડના ગીતો ‘બાર બાર હા બોલો યાર હા, અપની જીત હો’, ‘કંધો સે મિલતે હૈ કંધે..’, જેવા બોલીવુડના પ્રખ્યાત ગીતો રજૂ કર્યા હતા.
ચેમ્બર ઓફ કોમર્સના ગ્રૃપ ચેરમેન મૃણાલ શુક્લએ સ્વાગત પ્રવચન કર્યું હતું. અંતે ચેમ્બરની SGCCI એજ્યુકેશન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના ચેરમેન મહેશ પમનાનીએ આભાર વિધી કરી હતી.