પંચાયત વેરા વસુલાત ઝુંબેશના દિવસોમાં સુરત જિલ્લાની ગ્રામ પંચાયતો દ્વારા રૂ. ૨.૮૪ કરોડની વેરા વસુલાત

પંચાયત વેરા વસુલાત ઝુંબેશના દિવસોમાં સુરત જિલ્લાની ગ્રામ પંચાયતો દ્વારા રૂ. ૨.૮૪ કરોડની વેરા વસુલાત
સુરત જિલ્લા પંચાયત દ્વારા પંચાયત વેરા વસુલાતના ખાસ ઝુંબેશના ભાગરુપે હકારાત્મક અભિગમ દાખવી ૨૨-૨૩ ફેબ્રુઆરીએ ખાસ ઝુંબેશ યોજાઈ હતી. એ દિવસે શનિ, રવિવારની જાહેર રજામાં પણ ગ્રામ પંચાયત કચેરી ચાલુ રાખી વેરા વસુલાતની કામગીરી કરાઈ હતી. આ ઝુંબેશના દિવસોનો ગ્રામજનોનો ઉત્સાહભર્યો પ્રતિભાવ મળ્યો જેના થકી સુરત જિલ્લામાં ૨ દિવસ દરમ્યાન કુલ રૂ.૨.૮૪ કરોડની વસુલાત કરવામાં આવી હતી. ઝુંબેશનાં બે જ દિવસમાં ઓલપાડ તાલુકાએ રૂ.૫૭.૫૪ લાખ, કામરેજે રૂ.૫૦.૯૪ લાખ તથા માંગરોળએ રૂ.૪૪.૯૬ લાખ અને બારડોલી તાલુકાએ રૂ.૪૪.૦૦ લાખની પંચાયત વેરા વસુલાત કરી છે. ઝુંબેશના બે દિવસની ગ્રામ પંચાયતસ્તરે બારડોલી તાલુકાની તેન ગ્રામ પંચાયતે રૂ.૧૨.૬૬ લાખ, માંગરોળની પીપોદરા ગ્રામ પંચાયતે રૂ.૧૦.૩૬ લાખ, ઓલપાડની સાયણ ગ્રામ પંચાયતે રૂ.૧૦.૨૦ લાખ અને કામરેજ તાલુકાના નવાગામ ગ્રામ પંચાયતે રૂ.૮.૫૧ લાખની પંચાયત વેરા વસુલાત કરી છે.
ઝુંબેશ દિવસ દરમ્યાન વિવિધ ગ્રામ પંચાયત ખાતે મોડી રાત સુધી વેરા વસુલાતની કામગીરી શરૂ રખાઈ હતી. બારડોલી તાલુકાના તેન ગામ તથા ઓલપાડના સાયણ અને ઓલપાડ ગામોમાં સફાઈ ટેમ્પો તેમજ ઈ-રીક્ષાથી પંચાયત વેરો ભરવા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા અને રાત્રિ વેરા વસુલાત કેમ્પ કરીને વસુલાતની ઝુંબેશની કામગીરી કરવામાં આવી હતી. પંચાયત વેર વસુલાતની આ ઝુંબેશ ૩૧ માર્ચ સુધી ચાલુ રખાશે, વેરા વસુલાત અંગેની સમીક્ષા જિલ્લા કક્ષાએથી કરવામાં આવે છે. દરેક તાલુકામાં વેરા વસુલાતની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે જિલ્લા કક્ષાએથી વર્ગ-૧ / ૨ કક્ષાના નોડલ અધિકારીને નિયુકત કર્યા છે જેઓ સમયાંતરે ગ્રામ્ય કક્ષાની મુલાકાત લઇ વસુલાત અંગેની સમીક્ષા કરશે. વેરા વસુલાત અંગે તલાટીની કામગીરીની પણ જિલ્લા કક્ષાએથી સમીક્ષા કરવામાં આવી રહી છે.
આમ, પંચાયત વેરા વસુલાત ઝુંબેશ ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી ચાલુ રહેશે અને મહત્તમ વેરા વસુલાત થાય તે માટે વહીવટી તંત્ર પ્રયત્નશીલ રહેશે એમ જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું છે.