ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદ વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ ૨૦૨૪નું ગિફ્ટ સિટીમાં ઉદ્ઘાટન કરશે

ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદ વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ ૨૦૨૪નું ગિફ્ટ સિટીમાં ઉદ્ઘાટન કરશે
અમદાવાદ, ૧ જૂન ‘ ૨૪: ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન (AICF) અને ફેડરેશન ઇન્ટરનેશનલ ડેસ ઇચેક્સ (FIDE) ની આગેવાની હેઠળ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન (GSCA) ગુજરાતના ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ક્લબ ખાતે પ્રતિષ્ઠિત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ ૨૦૨૪નું આયોજન કરવા માટે તૈયાર છે. પ્રથમ વખત ગુજરાત ગર્વથી વિશ્વ ચેસ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યું છે. ૪૬ દેશોના પ્રતિનિધિત્વ અને ૨૨૦ કુશળ ખેલાડીઓ સાથે, વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપના ખિતાબનો દાવો કરવા માટે મંચ તૈયાર છે.
પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા અને પાંચ વખતના ભૂતપૂર્વ વિશ્વ ચેસ ચેમ્પિયન, ગ્રાન્ડ માસ્ટર અને FIDEના નાયબ પ્રમુખ શ્રી વિશ્વનાથન આનંદ આવતીકાલે ૨ જી જૂન, ૨૪ના રોજ ગાંધીનગરના ગિફ્ટ સિટી ક્લબમાં વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેમણે ભારતને વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ ૨૦૨૪ની યજમાની કરવાની ખુશી વ્યક્ત કરી હતી અને પ્રશંસા કરતાં કહ્યું હતું કે, “વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ ૨૦૨૪નો ભાગ બનવું એ ખૂબ જ સન્માનની વાત છે. આ ઇવેન્ટ ચેસની દુનિયામાં વધતી પ્રતિભા અને આ બૌદ્ધિક રમતને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. હું અહીં યુવા ખેલાડીઓના આવા વૈવિધ્યસભર જૂથને જોઈને રોમાંચિત છું અને કેટલીક રોમાંચક મેચોની રાહ જોઈ રહ્યો છું.”
આ વર્ષે, ચેમ્પિયનશિપે ૩૮ ફેડરેશનના ૨૨૮ સહભાગીઓને આકર્ષ્યા છે, જે આ સ્પર્ધાની વધતી લોકપ્રિયતા અને વૈશ્વિક પહોંચ પર પ્રકાશ પાડે છે. ઓપન કેટેગરીમાં ૪૦ દેશોના ૧૨૬ સહભાગીઓ છે, જ્યારે મહિલા કેટેગરીમાં ૨૮ ફેડરેશનમાંથી ૧૦૨ એન્ટ્રીઓ છે. આ ચેમ્પિયનશિપ તેના ઉચ્ચ સ્તરની સ્પર્ધા માટે નોંધપાત્ર છે, જેમાં ૧૩ ગ્રાન્ડમાસ્ટર્સ, ૨૮ ઇન્ટરનેશનલ માસ્ટર્સ (મેલ અને ફીમેલ), ૨ ફીમેલ ગ્રાન્ડમાસ્ટર્સ અને ૧૦ ઇન્ટરનેશનલ ફીમેલ માસ્ટર્સ ભાગ લે છે.
ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન (AICF) ના સેક્રેટરી અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન (GSCA) ના પ્રમુખ શ્રી દેવ પટેલ આ કાર્યક્રમનું આયોજન કરવા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતોઃ “ગુજરાતમાં વિશ્વ યુવા ચેસ ચેમ્પિયનશિપ ૨૦૨૪ નું આયોજન કરવાની તક મળવાથી અમે સન્માનિત છીએ. આ ટુર્નામેન્ટ માત્ર વિશ્વભરના યુવા ચેસ ખેલાડીઓની અવિશ્વસનીય પ્રતિભાને જ પ્રકાશિત કરતી નથી, પરંતુ બૌદ્ધિક વિકાસ અને વ્યૂહાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવા માટે ચેસના વધતા મહત્વને પણ રેખાંકિત કરે છે. અમે તમામ સહભાગીઓ માટે એક અસાધારણ અનુભવ પ્રદાન કરવા અને ગુજરાતની જીવંત સંસ્કૃતિ અને આતિથ્યનું પ્રદર્શન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”
અમેરિકાનું પ્રતિનિધિત્વ કરતા અત્યાર સુધીના સૌથી યુવાન ગ્રાન્ડ માસ્ટર અભિમન્યુ મિશ્રા આ સ્પર્ધા માં ભાગ લઈ રહ્યા છે, જેમાં GM પ્રણવ આનંદ અને મહિલા ખેલાડી IM દિવ્યા દેશમુખ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
ચીફ આર્બિટર એશોટ વર્દાપેટ્યન જે વિશ્વનાથન આનંદ અને મેગ્નસ કાર્લસન વચ્ચેની ઐતિહાસિક ૨૦૧૩ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ મેચ ના મુખ્ય આર્બિટર રહ્યા હતા, તે આ ટૂર્નામેન્ટની દેખરેખ રાખશે, વાજબી રમત અને સંગઠનના ઉચ્ચતમ ધોરણોને સુનિશ્ચિત કરશે.
ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનું આયોજન વૈશ્વિક ચેસ હબ તરીકે ભારતની પ્રતિષ્ઠાને મજબૂત કરે છે. આ ઇવેન્ટ ચેસ ખેલાડીઓની નવી પેઢીને પ્રેરણા આપશે અને વિશ્વભરમાં રમતની વધતી લોકપ્રિયતામાં ફાળો આપશે તેવી અપેક્ષા છે. આ ચેમ્પિયનશિપ યુવા ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવા માટે માત્ર એક મંચ પ્રદાન કરતી નથી પરંતુ વિવિધ દેશોના સહભાગીઓ વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન અને સૌહાર્દને પણ પ્રોત્સાહન આપે છે.
ગિફ્ટ સિટી, તેના અત્યાધુનિક સુવિધાઓ માટે જાણીતું છે, તે આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે એક આદર્શ સ્થળ છે. ખેલાડીઓ અને મુલાકાતીઓ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને શોધવાની તકો સાથે સુવ્યવસ્થિત અને સરળતાથી આયોજિત ટુર્નામેન્ટ ની અપેક્ષા રાખી સકે છે.