ઉ.બુ. કન્યા વિદ્યાલય વાત્સલ્યધામ – મઢી, જિ. સુરતમાં ‘પરીક્ષા – એક ઉત્સવ’ સેમિનાર યોજાયો

ઉ.બુ. કન્યા વિદ્યાલય વાત્સલ્યધામ – મઢી, જિ. સુરતમાં ‘પરીક્ષા – એક ઉત્સવ’ સેમિનાર યોજાયો
બોર્ડની પરીક્ષા જીવનની અંતિમ પરીક્ષા નથી. બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ ન મેળવી શકનારે જીવનની પરીક્ષામાં જ્વલંત સિદ્ધિઓ મેળવી હોય એવાં અનેક ઉદાહરણો આપણી સમક્ષ છે. – રાજેશ ધામેલિયા*
વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને આત્મગૌરવ ખીલે તે ખૂબ જરૂરી છે. આ વિચારને કેન્દ્રમાં રાખીને માતુ શ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કેશુભાઈ ગોટી દ્વારા વૈચારિક ક્રાંતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત ઉ.બુ. કન્યા વિદ્યાલય વાત્સલ્યધામ – મઢી, જિ. સુરતમાં ‘પરીક્ષા – એક ઉત્સવ’ સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો પ્રારંભ સમૂહ પ્રાર્થના દ્વારા કરવામાં આવ્યો. કન્યા આશ્રમ – મઢી ટ્રસ્ટના પ્રમુખ શ્રી સુરેશભાઈ આર. ચૌધરીએ શબ્દપુષ્પ તેમજ પુષ્પગુચ્છથી મહેમાનોનું સ્વાગત કર્યું અને પ્રાસંગિક ઉદ્બોધનમાં ‘માતુ શ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી હતી. માનવતાની મહેક ટ્રસ્ટના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ મોરડિયાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં વ્યસનમુક્ત અને આનંદમય જીવન જીવવા માટેનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે મુખ્ય વક્તા શ્રી રાજેશકુમાર ધામેલિયાએ સંવાદરૂપે વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, “પરીક્ષાની તૈયારી પહેલાં પરીક્ષાનો ડર દૂર કરવો ખૂબ જરૂરી છે. બોર્ડની પરીક્ષા જીવનની અંતિમ પરીક્ષા નથી. બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ ન મેળવી શકનારે જીવનની પરીક્ષામાં જ્વલંત સિદ્ધિઓ મેળવી હોય એવાં અનેક ઉદાહરણો આપણી સમક્ષ છે.
પરીક્ષામાં સારી ટકાવારી મેળવવા આયોજનપૂર્વક અને વૈજ્ઞાનિક તારણોને નજર સમક્ષ રાખીને મહેનત કરવાની જરૂર છે. પૂરતી ઊંઘ, પૌષ્ટિક ખોરાક, પ્રફુલ્લિત મન, આત્મવિશ્વાસ વગેરે સફળતા માટેના પૂરક ઘટકો છે. એકધારું કલાકો સુધી વાચન કરવાને બદલે 40 મિનિટ વાચન પછી મિત્રો સાથે પ્રશ્નોત્તરી કરવી જોઈએ. આમ કરવાથી મન પ્રફુલ્લિત રહેશે. પરીક્ષાની તૈયારી દરમિયાન યાદ ન રહેવાના અનેક કારણો હોય છે : પરીક્ષાનો ડર, વિષયવસ્તુની અસ્પષ્ટતા, અપૂરતી ઊંઘ, માનસિક થાક વગેરે… જે મુદ્દાઓ યોગ્ય રીતે ન સમજાયા હોય તે મિત્રો કે શિક્ષક સાથે ચર્ચા કરીને સારી રીતે સમજવાથી ઉત્તમ પરિણામ મેળવી શકાય. વધારે પડતા ઉજાગરા કરવાને બદલે અત્યારથી જ વ્યવસ્થિત આયોજન કરવામાં આવે તો ઘણું લાભદાયી નીવડે. વિદ્યાદાન સૌથી મોટું દાન છે. પ્રથમ સત્રની પરીક્ષામાં 1 થી 10 ક્રમ મેળવનાર દીકરીઓ અન્ય દીકરીઓને દરરોજ અડધો કલાક જુદા – જુદા વિષયો શીખવે તો તમામ દીકરીઓ માટે લાભદાયી નીવડે. વિદ્યા એવું ધન છે, જે જેમ જેમ વહેંચીએ તેમ તેમ વધે છે.”
આ સેમિનારમાં કર્મયોગી પરિવારના શ્રી લક્ષ્મણભાઈ મોરડિયા, શ્રી અશોકભાઈ અણઘણ, શ્રીમતી હેતલબહેન ધામેલિયા, શ્રી ભાવેશભાઈ સાવલિયા તેમજ સંસ્થાના પ્રમુખ શ્રી રમેશભાઈ આર. ચૌધરી, મંત્રી શ્રી રમેશભાઈ પી. ચૌધરી, પુષ્પાબહેન, દીપાબહેન, વિદ્યાર્થિનીઓ વગેર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.