IIIT સુરત દ્વારા ‘યુવા સંગમ- ૩’ કાર્યક્રમ અન્વયે સુરતના મહેમાન બનેલા બિહારના ૪ ફેકલ્ટી અને ૪૨ યુવા પ્રતિનિધિઓ સુરતના પ્રૌદ્યોગિકી અને પર્યટન સ્થળોની મુલાકાતથી થયા પ્રભાવિત

સુરત:મંગળવાર: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના નેજા હેઠળ IIIT- સુરત અને IIM- બિહારના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘યુવા સંગમ- ૩’ કાર્યક્રમ અન્વયે સુરતના મહેમાન બનેલા બિહારના ૪ ફેકલ્ટી અને ૪૨ યુવા પ્રતિનિધિઓ મળી ૪૬ અતિથિઓએ બે દિવસની સુરતની સંસ્કૃતિ, પર્યટન, પ્રૌદ્યોગિકી, પરસ્પર સંપર્ક થકી નવીન અનુભવની ઝાંખી કરી હતી. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના વિચાર હેઠળ આયોજિત ‘યુવા સંગમ’નો મુખ્ય ઉદ્દેશ વિભિન્ન સંસ્કૃતિ અને પરંપરાના આદાન-પ્રદાન દ્વારા લોક જોડાણને મજબૂત કરી દેશભરના યુવાનોમાં જાગૃતિ ઊભી કરવાનો છે.
યુવા સંગમ-ત્રીજા તબક્કાની ઉજવણી અંતર્ગત બે દિવસીય મુલાકાત દરમિયાન બોધગયાથી સુરત ખાતે આવેલ અતિથિઓએ સુરતના ચોક બજાર સ્થિત તાપી નદીના તટે આવેલા ઐતિહાસિક કિલ્લો, ટેકનોલોજી, વ્યવહારિક અને ઔદ્યોગિક કલાઓ અને પ્રયુક્ત વિજ્ઞાનો સંબંધિત અભ્યાસ માટે સુરત મહાનગરપાલિકા સંચાલિત ICCC સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમજ ગુજરાતના હાર્દ સમાન ગણાતી સુમુલ ડેરીની કાર્ય પધ્ધિતિનું નિરીક્ષણ કર્યું હતું. સુરતમાં ૧૯૪૦થી વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવા વેપાર મેળો, બિઝનેસ નેટવર્કિંગ ઈવેન્ટ્સ, ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અને બિઝનેસ નીતિઓ માટે સેવા આપતી સુરત SGCCI – ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની મુલાકાત લીધી હતી. ડાયમંડ નગરી સુરતના હિરાના વારસાથી અવગત થવા તેમજ કલાત્મકતાનો અભ્યાસ સાથે ડાયમંડ ક્ષેત્રની ટેક્નોલોજીનો અભ્યાસ કરવા કતારગામ વસ્તાદેવડી સ્થિત SRK ડાયમંડ ફેક્ટરી અને STPL ઈન્ડસ્ટ્રીની મુલાકાત લીધી હતી.
ગુજરાતના આર્થિક વિકાસ સાથે સંકળાયેલ અને કેન્દ્ર ગણાતું સુરત એપીએમસ – સરદાર માર્કેટની મુલાકાત વેળાએ બિહારના પ્રતિનિધિઓ સ્વાંદ, રંગ અને સંસ્કૃતિના સાક્ષી બન્યા હતા. સિલ્ક સિટી તરીકે જગવિખ્યાત સુરતની સમૃદ્ધ ટેક્સટાઈલ સંસ્કૃતિને વિરાસત કરતી લૂમ્સથી લઈને પ્રિન્ટ સુધીની સર્જનાત્મક તેમજ તકનીકી પ્રક્રિયાનું લક્ષ્મીપતિ ઈન્ડસ્ટ્રીની મુલાકાત નિહાળી હતી. અરબી સમુદ્રના કિનારે સ્થિત કાળી અને રાખોડી રેતીથી જાણીતા ડુમસ બીચના કિનારે નયનરમ્ય સાંજની સુખદ પળો માણી હતી.
આ પ્રસંગે EBSBના કન્સલ્ટન્ટશ્રી સુરેન્દ્ર નાયક, નોડલ ઓફિસર શ્રદ્ધા પટેલ, રાહુલ પટેલ, ડો. વિજય રાદડીયા, ડો. પ્રદિપ રોય, બિહારથી ફેકલ્ટી કો-ઓર્ડીનેટર સર્વે દિવ્યા શર્મા, ડો. રચના વિશ્વકર્મા, ડો. વિશાલ વાનખેડે તેમજ પ્રો.રવિશ સહિત IIIT સુરતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.