
સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને માંડવી રિવરફ્રન્ટ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાઈ
સુરત: મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે માંડવી રિવરફ્રન્ટ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઉજ્જૈનના યોગ વિદ્વાન શ્રી અરૂણ ઋષિના સાનિધ્યમાં આયોજિત યોગ શિબિરમાં સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ યોગાસન કરી યોગસાધકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે સાંસદશ્રીએ જણાવ્યું કે, योग: कर्मसु कौशलम् – કર્મમાં કુશળતા એ જ યોગ છે. સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિ દ્વારા યોગના માધ્યમથી એક અણમોલ ભેટ મળી છે. શારીરિક, માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે યોગસાધના, યોગાભ્યાસ અસરકારક અને લોકપ્રિય બન્યા છે એમ જણાવી મહાશિવરાત્રીની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સુરત જિલ્લાના કોર્ડીનેટર નવનીતભાઇ શેલડિયા, માંડવી નગર પાલિકાના પ્રમુખ નિમેષભાઈ શાહ, માંડવી નાગરિક સહકારી બેંકના ચેરમેન પારુલબેન સાંગઠીયા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ માંડવી તાલુકાના કોર્ડીનેટર અંજલિબેન વાંકડા, નગર સંગઠનના પ્રમુખ નીતિનભાઈ શુકલ, સુરત જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રવીણભાઈ અટોદરિયા સહિત અગ્રણીઓ અને યોગકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.