ગુજરાત

સુરતના અડાજણ રિવરફ્રન્ટ ખાતે મેયર દક્ષેશભાઈ માવાણીના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો

સુરતના અડાજણ રિવરફ્રન્ટ ખાતે મેયર દક્ષેશભાઈ માવાણીના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો

દેશ-વિદેશના ૭૦ પતંગબાજોએ અવનવા રંગબેરંગી પતંગો ચગાવીને સુરતીઓના દિલ જીતી લીધા

ટચુકડા, વિરાટકાય અને અવનવા રંગો-આકૃતિઓના વિવિધ પતંગોથી આકાશ રંગબેરંગી* બન્યુ

પતંગ માનવીને કેટલી ઉંચાઈએ ઉડવું એ શીખવે છે: મેયર દક્ષેશભાઈ માવાણી

આપણી પ્રાચીન પરંપરા અને લોકસંસ્કૃતિને જીવતા રાખતા ઉત્સવો ‘વિવિધતામાં એકતા’ની પ્રતીતિ કરાવે છે: સાંસદ મુકેશભાઈ દલાલ

વિદેશના ૩૫ પતંગબાજો, ભારતના ચાર રાજ્યોના ૧૧ અને ગુજરાતના ૨૪ પતંગબાજો જોડાયા

સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિ., સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીના અધ્યક્ષસ્થાને ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૫’ યોજાયો હતો. જેમાં ૧૨ દેશોના ૩૫ અને ભારતના ચાર રાજ્યોના ૧૧ પતંગબાજો તેમજ ગુજરાતના ૨૪ મળી કુલ ૭૦ પતંગબાજોએ અવનવા પતંગો ચગાવીને આકાશને રંગબેરંગી બનાવ્યું હતું. દેશ-વિદેશના પતંગબાજોએ ભાતીગળ પતંગો વડે કલા-કૌશલ્યથી ભરપૂર પતંગબાજી કરીને સુરતીઓને મોહી લીધા હતા. નિપુણ પતંગબાજોએ ટચુકડા, વિરાટકાય અને અવનવા રંગો-આકૃતિઓના પતંગો ઉડાડીને પ્રેક્ષક સમુદાયને રોમાંચિત કર્યો હતો.

આ પ્રસંગે મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીએ પતંગોત્સવને ખરા અર્થમાં આંતરરાષ્ટ્રીય ઉત્સવ બનાવીને ગુજરાતે ભારતીય પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખી છે એમ જણાવી જીવનમાં હાર-જીત અને ખેલદિલીના ગુણોને વિકસાવતા આ પર્વમાં સહભાગી થવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, પતંગ માનવીને કેટલી ઉંચાઈએ ઉડવું એ શીખવે છે. પગ પાસે પડેલા પતંગને કોઈ કાપતું નથી, પરંતુ ઉડતા પતંગને સૌ કાપવા ઈચ્છે છે, એ જ રીતે સફળતા, ઉંચાઈ, માનસન્માન ખૂબ સંઘર્ષ પછી મળે છે એમ જણાવીને વિદેશી પતંગબાજોને આવકાર્યા હતા.

આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલે સુરતવાસીઓને મકરસંક્રાતિની શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, સરકારના ઉત્સવો, મેળાઓના આયોજનના કારણે દેશ-વિદેશના ટુરિસ્ટો મોટી સંખ્યામાં ગુજરાતના પ્રવાસન વૈભવને માણવા પધારે છે. દક્ષિણ ભારતમાં પોંગલના રૂપમાં અને ઉત્તર ભારતમાં દર વર્ષે મકરસંક્રાતિના એક દિવસ પહેલા લોહરીનો તહેવાર ઉજવાય છે. આ પર્વે પશ્ચિમ બંગાળમાં ગંગાસાગર મેળો યોજાય છે. આમ, મકરસંક્રાતિ પર્વ દેશને વિવિધતા વચ્ચે એકતાના સૂત્રમાં બાંધે છે.

પતંગ પ્રગતિ અને ઊંચી ઉડાનનું પ્રતિક છે એમ જણાવી સાંસદશ્રીએ કહ્યું કે, જનભાગીદારીથી ઉજવાતા આ પ્રકારના પરંપરાગત તહેવારો સમાજને હકારાત્મક ઊર્જા પૂરી પાડે છે. આપણી પ્રાચીન પરંપરા અને લોકસંસ્કૃતિને જીવતા રાખતા ઉત્સવો ‘વિવિધતામાં એકતા’ની પ્રતીતિ કરાવે છે.

જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ પતંગ મહોત્સવની રૂપરેખા આપી સુરતવાસીઓને મકરસંક્રાતિની શુભકામનાઓ પાઠવી હતી.

પતંગ મહોત્સવમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બ્રાઝિલ, બલ્ગેરીયા, કંબોડીયા, ચિલી, ઈસ્ટોનિયા, જર્મની, જાપાન, યુક્રેન જેવા ૧૨ દેશો અને ભારતના દિલ્હી, બિહાર, કર્ણાટક અને કેરળ, ગુજરાતના મળી અંદાજિત કુલ ૭૦ પતંગબાજોએ પતંગોના અનોખા કરતબો દેખાડ્યા હતા. પતંગબાજોનું કાર્યકમ સ્થળે ઢોલશરણાઈ વડે પરંપરાગત અને ભવ્ય સ્વાગત કરાયું હતું. તેઓએ ગરબે ઘુમીને ગુજરાતની અસ્મિતાનું સન્માન કર્યું હતું.

આ પ્રસંગે ડે.મેયરશ્રી નરેન્દ્ર પાટીલ, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, શાસક પક્ષના નેતા શશી ત્રિપાઠી, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ સોનલ દેસાઈ, મનપા દંડક ધર્મેશભાઈ વાણીયાવાલા, વિવિધ સમિતિઓના ચેરમેન સર્વશ્રી મનીષાબેન આહીર, કેયુરભાઈ ચપટવાલા, પ્રવાસન વિભાગના એક્ઝીક્યુટીવ તુલસીબેન હાંસોટી તથા કોર્પોરેટરો, મહાનગરપાલિકા-જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પતંગપ્રેમીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button