ઉત્તરાયણમાં ઘવાયેલા પક્ષીઓ તેમજ ઈજાગ્રસ્ત નાગરિકો માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પલાઈન સેવાનો પ્રારંભ

ઉત્તરાયણમાં ઘવાયેલા પક્ષીઓ તેમજ ઈજાગ્રસ્ત નાગરિકો માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પલાઈન સેવાનો પ્રારંભ
વર્ષ ૨૦૨૧થી શરૂ થયેલા ‘કેચ ધ રેન’ અભિયાન અંતર્ગત છેલ્લા ચાર મહિનામાં જળસંચય મંત્રીશ્રી સી.આર.પાટીલના માર્ગદર્શનમાં દેશમાં ત્રણ લાખથી વધુ વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ સ્થાપિત કરાયાઃ પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલ
નવી સિવિલ દ્વારા પક્ષીઓના રક્ષણ-સારવારની સાથોસાથ જળસંચય અભિયાનને જોડવામાં આવ્યું: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલ દ્વારા નર્સિંગના ૧૧૦૦ વિદ્યાર્થીઓને પાણી બચાવના સ્લોગનવાળા પતંગોનું વિતરણ
એક વિદ્યાર્થી ૧૦૦ પરિવારોને પાણી બચાવવાની સમજણ આપશે: નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા
ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી અબોલ પક્ષીઓ તેમજ વાહનચાલકો ઘાયલ થતા હોય છે. નિર્દોષ પક્ષીઓના રક્ષણ અને બચાવ માટે છેલ્લા ૧૭ વર્ષથી નર્સિંગ એસોશિએશન અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ-ગોપીપુરા દ્વારા હેલ્પલાઈન સેવા સાથે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પ યોજવામાં આવે છે. પક્ષીઓ માટે જીવદયા અને તબીબોની ટીમ તેમજ ઈજાગ્રસ્ત દર્દીની સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત રહે છે, ત્યારે આ વર્ષે પણ દોરીથી ઘવાયેલા પક્ષીઓ તેમજ ઈજાગ્રસ્ત નાગરિકો માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પલાઈન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત હેલ્પલાઈન સેવા માટે ૯૮૨૫૩-૦૪૭૬૬, ૯૮૨૫૫-૦૪૭૬૬,૮૩૨૦૫-૯૫૪૩૯,૯૯૭૯૦-૮૭૦૫૩, ૮૪૬૦૬૭૦૬૪૪ ઉપર કોલ કરીને ઈજાગ્રસ્ત પક્ષીઓ કે નાગરિકોની સારવાર માટે કોલ કરી શકાશે.
આ પ્રસંગે પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેનશ્રી પરેશ પટેલે જણાવ્યું હતું કે, નિર્દોષ અને અબોલ પક્ષીઓનું રક્ષણ કરવું એ આપણી સૌની નૈતિક ફરજ છે. રાજ્યમાં વર્ષ ૨૦૧૭થી ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી પક્ષીઓને થતા ઘાવમાંથી બચાવવા માટે અને તેમનાં સારવાર માટે દસ દિવસીય ‘કરૂણા અભિયાન’ યોજાય છે. નવી સિવિલ નર્સિંગ એસોસિએશન દ્વારા સતત ૧૭ વર્ષથી હેલ્પલાઇન સેવા આપવામાં આવી રહી છે, જેની સરાહના કરતા તેમણે સુરતવાસીઓને આ જીવદયા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પર્વ સાથે જળસંચય અને ‘પાણી બચાઓ’ અભિયાન પણ પ્રગતિ પર છે. વર્ષ ૨૦૨૧થી શરૂ થયેલા ‘કેચ ધ રેન’ અભિયાન અંતર્ગત, છેલ્લા ચાર મહિનામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલના માર્ગદર્શનમાં દેશમાં ૩ લાખથી વધુ વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ સ્થાપિત કરાયા છે. આ પહેલ દ્વારા વરસાદી બહાર વહેતું પાણી ભૂગર્ભમાં સંગ્રહિત થશે, જેના પરિણામે પાણીના સ્તર ઉંચા આવશે અને ભવિષ્યમાં પાણીની સમસ્યાઓ દૂર કરવા મદદરૂપ થશે
આ અવસરે નર્સિંગ કાઉન્સિલના શ્રી ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૧૭ વર્ષથી પક્ષીઓ પ્રત્યે સંવેદનશીલતાથી કાર્યરત આ હેલ્પલાઇન સેવાનું સમગ્ર આયોજન કરીએ છીએ. ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓ તેમજ ઈજાગ્રસ્ત દર્દીઓની સેવા કરવામાં આવે છે. આ વર્ષે હેલ્પલાઇન સાથે પાણી બચાવ અભિયાન પણ જોડવામાં આવ્યું છે. સરકારના ‘કેચ ધ રેન’ અભિયાનને સફળ બનાવવા માટે આજે નર્સિંગના ૧૧૦૦ વિદ્યાર્થીઓને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલ દ્વારા મોકલવામાં આવેલ જળસંચય અને ‘પાણી બચાઓ’ના સ્લોગનવાળા પતંગોનું વિતરણ કરાયું છે. સાથે જ, એક વિદ્યાર્થી દ્વારા ૧૦૦ પરિવારોને પાણી બચાવવાની સમજણ આપવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે. તહેવાર સાથે જળસંચય અભિયાન શરૂ કરીને જળ સંરક્ષણની પ્રેરણાત્મક પહેલ હાથ ધરવામાં આવી છે.
નોંધનીય છે કે, નવી સિવિલમાં છેલ્લા ૧૦ વર્ષથી ઘાયલ પક્ષીઓ-નાગરિકો માટે હેલ્પલાઈન સેવાનો શુભારંભ હેની રમેશચંદ્ર સંઘવી કરાવે છે.
આ પ્રસંગે પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેનશ્રી પરેશ પટેલ, ફેકલ્ટી ડીન અને સિન્ડિકેટ સભ્યશ્રી ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ, અધિક તબીબી અધિક્ષક ડો.ધારિત્રી પરમાર, સહસ્ત્રફણા ટ્રસ્ટના લહેરૂભાઈ ચાવાલા, આર.એમ.ઓ.ડો.કેતન નાયક, હેની રમેશચંદ્ર સંઘવી, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી ઈકબાલ કડીવાલા, કિજલ નિમિતભાઇ શેઠ, નર્સિંગ કોલેજના આચાર્ય ડો. ઇન્દ્રાવતી રાવ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સિમંતીની ગાવડે, લોકલ એસો.ના પ્રમુખ અશ્વિન પંડ્યા, નર્સિંગ એસો.ના સંજય પરમાર, બિપીન મેકવાન, વિભોર ચુગ, જગદીશ બુહા, વિરેન પટેલ સહિત નર્સિંગ એસો.ની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
-000-