કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના કૃષિ-મંત્રી શ્રી કૈલાશ ચૌધરીએ ગણપત યુનિવર્સિટીની લીધી એક અભ્યાસ-મુલાકાત
કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના કૃષિ-મંત્રી શ્રી કૈલાશ ચૌધરીએ ગણપત યુનિવર્સિટીની લીધી એક અભ્યાસ-મુલાકાત
યુનિ.ના કૃષિ-વિજ્ઞાન કેન્દ્ર, એગ્રિકલ્ચર ફેકલ્ટીનાં વિદ્યાર્થીઓના રિસર્ચ પ્રોજેક્ટ્સ, 360 ડિગ્રી સિમ્યુલેટર, પ્રાકૃતિક ખેતી કરતા ચૂનંદા ખેડૂતોની સિધ્ધિઓથી કૃષિ-મંત્રી જ્ઞાત કરવામાં આવ્યા
(ગણપત વિદ્યાનગર) તા. 29/02/’24
કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી મા. શ્રી કૈલાશ ચૌધરીએ આજે ગણપત યુનિવર્સિટીની એક અભ્યાસ-મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્દમશ્રી ગણપતભાઈ પટેલ (દાદા) તેમજ યુનિ.ના પ્રો ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ પ્રો.ડૉ. શ્રી મહેન્દ્ર શર્મા, પ્રો વાઈસ ચાન્સેલર પ્રો.ડૉ. સૌરભ દવે, યુનિ.ના એક્ઝિ. રજિસ્ટ્રાર ડૉ.શ્રી ગિરીશભાઈ પટેલ, જોઈન્ટ ડાયરેક્ટર જનરલ શ્રી ડેનિયલ મોન્ટપ્લેઈસર, કે.વી.કે.ના ડાયરેક્ટર શ્રી સોમભાઈ રાયકા, ફેકલ્ટી ઑફ એગ્રિકલ્ચરના ડીન પ્રો.ડૉ. શ્રી મૌરવી વસાવડા તેમજ કે.વી.કે.ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ.શ્રી રમેશભાઈ પટેલ સહીત કેટલાક ચૂનંદા યુનિવર્સિટી મહાનુભાવો સાથે મંત્રી શ્રી કૈલાશ ચૌધરીએ વિચાર વિમર્શ કર્યો હતો અને મહત્વની માહિતીની આપ લે કરી હતી.
આ અવસરે વિજાપુર અને વીસનગરના પ્રાકૃતિક ખેતી કરતા કેટલાંક ખેડૂતો ખાસ શ્રી કૈલાશ ચૌધરીને મળવા આવ્યા હતા. મંત્રી શ્રી કૈલાશ ચૌધરીએ એમની સાથેની ગોષ્ઠિમાં પ્રાકૃતિક ખેતી વિષેની એમની વિશેષતાઓ જાણી હતી અને સરકારની કેટલીક યોજનાઓ વિષે ખેડૂતોને માહિતી-માર્ગદર્શન આપી તેનો લાભ લેવા સૂચવ્યું હતું.
ગણપત યુનિવર્સિટીમાં ચાલતા કેન્દ્ર સરકાર હસ્તકના ‘કૃષિ વિજ્ઞાન કેન્દ્ર’ ઉત્પાદિત વિવિધ ચીજ-વસ્તુઓનું નિદર્શન પણ કૃષિ મંત્રીએ નિહાળ્યું હતું જેમાં મેહસાણા જિલ્લાના ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતીમાં ઉગાડાતા વિવિધ પાક અને ફળો ઉપરાંત બાયો પેસ્ટીસાઇડ્સ, આમળાની બનાવટો અને નાનાં ખેત-ઓજારોનો સમાવેશ થાય છે.
ગણપત યુનિ.ની ફેકલ્ટી ઑફ એગ્રિકલચર ઍન્ડ એપ્લાઇડ સાયન્સિસના વિદ્યાર્થીઓએ એમના દ્વારા ચાલતા રિસર્ચ અને અન્ય પ્રોજેક્ટ્સથી શ્રી કૃષિ મંત્રીને નિર્દશનો દ્વારા અવગત કર્યા હતા, જેમાં મશરૂમના વેસ્ટમાંથી તૈયાર થતા થ્રી-ડી પ્રિન્ટિંગનું મટીરિયલ, બાયોપેક પેકેજિંગ મટીરિયલ, જૈવિક નિયંત્રણ ખાતર, હાથબનાવટ દ્વારા નિર્મિત કાગળ, એગ્રી-ઍક્સપોર્ટ ડિજિટલ ડેશ-બોર્ડ, શેવાળમાંથી બનતું પશુદાણ વગેરે નિદર્શનોનો સમાવેશ થતો હતો.
ગણપત યુનિવર્સિટીના કૃષિ-વિજ્ઞાન કેન્દ્ર ઉપરાંત યુનિ. એ ખાસ વિક્સાવેલું મિયાવાકી માઈક્રો-ફૉરેસ્ટ, પંચક્રિયા, 360 ડિગ્રી સિમ્યુલેટર, (મરીન એન્જિ.ના વિદ્યાર્થીઓ માટે) તેમજ યુનિ.ના વિવિધ ગ્રીન-પ્રોજેક્ટ્સ વિષે પણ કૃષિ મંત્રીને જ્ઞાત કરાયા હતા.