એસપીબી કોલેજમાં ફાયર મોકડ્રીલ યોજાયો

એસપીબી કોલેજમાં ફાયર મોકડ્રીલ યોજાયો
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લીશ મીડીયમ કોલેજ ઓફ કોમર્સ, સુરતની પ્લાનીગ ફોરમ કમિટી દ્વારા તા. ૧૮/૦૮/૨૦૨૬, મંગળવારના રોજ એસપીબી કોલેજ કેમ્પસ ખાતે કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા બિન-શૈક્ષણિક સ્ટાફ માટે ફાયર મોકડ્રીલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આગ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં સલામતીના પગલાં, તાત્કાલિક પ્રતિભાવ તથા સુરક્ષિત સ્થળાંતર અંગે પ્રાયોગિક જાગૃતિ કેળવવાનો હતો.
આ પ્રસંગે સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસના સબ ફાયર ઓફિસર શ્રી પ્રજ્ઞેશ પટેલ તથા શ્રી અભિષેક ગઢવીની આગેવાની હેઠળ રૂંઢ અને મજુરા ફાયર સ્ટેશનના ફાયર સ્ટાફ જરૂરી સાધન-સામગ્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા. ફાયર વિભાગની ટીમ દ્વારા કોલેજ કેમ્પસમાં ફાયર મોકડ્રીલનું સફળતાપૂર્વક નિદર્શન કરવામાં આવ્યું હતું.
મોકડ્રીલ દરમિયાન વિદ્યાર્થીઓ તથા સ્ટાફને આગ લાગવાની પરિસ્થિતિમાં ગભરાયા વગર યોગ્ય રીતે પ્રતિસાદ આપવો, આગના સંભવિત કારણોથી સાવચેત રહેવું, ઇમરજન્સી સમયે સલામત અને વ્યવસ્થિત રીતે બહાર નીકળવું તથા નિર્ધારિત સલામત સ્થળે એકત્રિત થવું વગેરે અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ પ્રકારના અગ્નિશામક સાધનો (Fire Extinguishers)નો યોગ્ય અને સુરક્ષિત રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે ફાયર વિભાગના નિષ્ણાતો દ્વારા પ્રાયોગિક નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
ફાયર વિભાગની ટીમ દ્વારા આપવામાં આવેલ પ્રાથમિક, પ્રાયોગિક અને વ્યવહારુ તાલીમ વિદ્યાર્થીઓ તથા સ્ટાફ માટે અત્યંત ઉપયોગી અને જ્ઞાનવર્ધક સાબિત થઈ હતી. મોકડ્રીલના માધ્યમથી આગ જેવી કટોકટીની પરિસ્થિતિમાં ઝડપી નિર્ણયશક્તિ, સાવચેતી, સલામતીના નિયમોનું પાલન તથા ટીમવર્કનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. આ ફાયર મોકડ્રીલ કાર્યક્રમમાં અંદાજે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સ્ટાફ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ફાયર સેફ્ટી તથા ઇમરજન્સી રિસ્પોન્સ અંગે પ્રાયોગિક તાલીમ મેળવી હતી.
કોલેજ દ્વારા યોજાયેલ આ ફાયર મોકડ્રીલ વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં આગ સલામતી અંગે જાગૃતિ વધારવા તેમજ કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં સલામત અને જવાબદાર રીતે પ્રતિસાદ આપવા માટેની વ્યવહારુ સમજ વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થયો હતો. કાર્યક્રમથી કોલેજ પરિવારના સભ્યોમાં આગ સામેની સાવચેતી અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિમાં વધારો થયો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના ઇનચાર્જ આચાર્ય ડૉ. આશિષ પંડ્યાના માર્ગદર્શન હેઠળ પ્લાનીગ ફોરમ કમિટીના ચેરમેન પ્રા. હીરા પંડ્યા તથા કમિટીના સભ્ય ડૉ. પ્રતીક પસ્તાગીયા દ્વારા કરવામાં આવ્યું હતું.



