અદાણી એનર્જી સોલ્યુશન્સને બિહારમાં ટ્રાન્સમિશન પ્રકલ્પ મળ્યો

અમદાવાદ, ૧૯ નવેમ્બર ૨૦૨૬: ભારતની અગ્રણી ખાનગી ક્ષેત્રની વીજ ટ્રાન્સમિશન અને વીજ વિતરણ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ને બિહારના પીરપેંતી ખાતે નિર્માણાધીન ૨૪૦૦ મેગાવોટ ક્ષમતાના વીજ પ્રકલ્પમાંથી વીજળીના નિષ્ક્રમણ માટે એક પ્રકલ્પ મળ્યો હોવાની માહિતી આપતા કંપનીએ આજે જણાવ્યું હતું કે ‘શુલ્ક આધારિત સ્પર્ધાત્મક લિલામની પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થયેલ આ પ્રકલ્પ કાર્યરત થયા બાદ વાર્ષિક આશરે રુ.૫૦૦ કરોડની શુલ્કની આવક પેદા કરશે.
પીરપેંતીમાં આવેલા દરેકની ૮૦૦ મેગાવોટની ક્ષમતાના એવા કુલ ત્રણ એકમમાંથી વીજળીનું નિષ્ક્રમણ” (Evacuation of Power from 3X800 MW STPP Pirpainti) શીર્ષક હેઠળનો આ પ્રકલ્પ ‘વિક્રમશિલા પાવર ટ્રાન્સમિશન લિ. નામક ‘ ‘સ્પેશિયલ પર્પઝ વ્હીકલ’ થકી અમલી બનાવીને ૨૦૨૮ના છેલ્લા ત્રિમાસિક ગાળા સુધીમાં પૂર્ણ કરાશે. પીરપેંતી પાવર પ્લાન્ટમાંથી વીજળીના ઇવેક્યુએશન ઉપરાંત આ પ્રકલ્પ રાજ્યના ટ્રાન્સમિશન માળખાને મજબૂત બનાવી વીજ પુરવઠાની વિશ્વસનીયતામાં વધારો કરશે.
અદાણી એનર્જી સોલ્યુશન્સના સી.ઈ.ઓ શ્રી કંદર્પ પટેલે જણાવ્યું હતું કે ” ૨,૪૦૦ મેગાવોટની વીજ ઉત્પાદન ક્ષમતા માટે પીરપેંતી ટ્રાન્સમિશન યોજના એક મજબૂત ઇવેક્યુએશનની વ્યવસ્થાનું નિર્માણ કરી બિહારના ટ્રાન્સમિશન માળખાને વધુ સુદ્રઢ બનાવશે. તેમણે જણાવ્યું હતું કે આના પરિણામે ગ્રીડની વિશ્વસનીયતા અને સ્થિતિસ્થાપકતા વધવા સાથે બિહાર રાજ્યને તેની વધતી જતી વીજળીની માંગ પૂરી કરવામાં મદદ મળશે. તેમણે આ તકે દેશની લાંબા ગાળાની ઊર્જા સુરક્ષાને આધાર આપે તેવું વિશ્વસનીય અને કાર્યક્ષમ ટ્રાન્સમિશન માળખું વિકસાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રકલ્પ સંપ્પ્ન થતાં અદાણી એનર્જી સોલ્યુશન્સના વીજ વિતરણ પોર્ટફોલિયોમાં ૮૮૧ સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઈન્સ અને ૩,૧૬૦ MVA ટ્રાન્સફોર્મેશન ક્ષમતા ઉમેરાવાથી કુલ ક્ષમતા વધીને ૩૦,૬૮૩ સર્કિટ કિલોમીટર અને ૧૪૬,૫૮૫ MVA થશે. આ સાથે કંપનીનું ટ્રાન્સમિશન ક્ષેત્રમાં મૂડી રોકાણ હવે અંદાજે રુ.૯૧,૫૦૦ કરોડ પહોંચ્યું છે.
આ પ્રકલ્પમાં ઝાંઝરપુર, બેથૌલી અને બેગુસરાય ખાતે ચાર ‘ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન્સ’ નું નિર્માણ અને તેને સંલગ્ન ટ્રાન્સફોર્મેશન ક્ષમતા સામેલ છે. ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૪૦૦ kV DCDS પીરપેંતી -ઝાંઝરપુર, પીરપેંતી-બેગુસરાઈ અને બેગુસરાઈ-બખ્તિયારપુર લાઈન્સ તેમજ ૨૨૦ kV DCDS ઝાંઝરપુર-બેથૌલી અને બેગુસરાઈ-બેગુસરાઈ ટાઉન લાઈન્સનો સમાવેશ થશે. તેમાં ઝાંઝરપુર ખાતે હાલની ૨૨૦ kV અને ૧૩૨ kV ટ્રાન્સમિશન લાઇનની LILO અને બખ્તિયારપુર GSS ખાતે 400 kV લાઇન બેઝનું બાંધકામ પણ સામેલ હશે.



