ધર્મ દર્શન

કુકસમાં ભાદરબીજનો ભવ્ય મેળો યોજાશે

કુકસમાં ભાદરબીજનો ભવ્ય મેળો યોજાશે

શ્રી નાયાજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે 13-14 સપ્ટેમ્બરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

શિનોર તાલુકાના કુકસ ગામે આવેલ શ્રી નાયાજી મહારાજના મંદિર ખાતે ભાદરવા સુદ બીજ-ત્રીજના પાવન પર્વે ગુજરાતભરમાં પ્રખ્યાત ભાદરબીજનો વિશાળ મેળો યોજાનાર છે. સંત શ્રી નાયાજી મહારાજના જન્મદિવસ તથા મંદિરના જીર્ણોદ્ધારના પ્રથમ વાર્ષિક મહોત્સવ નિમિત્તે બે દિવસ સુધી વિવિધ ધાર્મિક અને ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગાદીપતિ સ્વામી શ્રી શિવરામદાસજી મહારાજ તથા મંદિર ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગે સૌ હરિભક્તોને ઉપસ્થિત રહી દર્શન તથા ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નવીન મંદિરનું ભવ્ય બાંધકામ કરવામાં આવ્યું છે. મંદિર ખાતે શ્રી નાયાજી મહારાજની મૂર્તિ, દિવ્ય જ્યોતિ તથા મંદિરના દર્શન કરી ભક્તો જીવનને ધન્ય બનાવશે. તા. 13 અને 14 સપ્ટેમ્બરના રોજ શ્રી નાયાજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જન્મદિવસ પ્રસંગે 56 ભોગનો ભવ્ય થાળ ધરાવવામાં આવશે તેમજ શ્રી નાયાજી મહારાજને પારણામાં ઝુલાવવાનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત એકમ, બીજ અને ત્રીજ એમ ત્રણ દિવસ માટે વિશાળ અન્નક્ષેત્ર-ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો મેળામાં ઉમટી પડશે અને આશરે એક લાખથી વધુ હરિભક્તો દર્શનાર્થે પધારશે તેવી શક્યતા છે.ત્રણ દિવસની મહાપૂજાનો તેમજ શ્રી નાયાજી મહારાજને પારણામાં ઝુલાવવાનો લાભ વિનાયક ટાઇલ્સ (દહેગામ), ઉષાબેન સહદેવભાઈ પટેલ (યુએસએ, કુકસ) અને નરેશભાઈ મણીભાઈ (યુએસએ, હરિપુરા કંપ) દ્વારા લેવામાં આવ્યો છે. આ ત્રણ પરિવારના સહયોગથી 56 ભોગનો થાળ પણ ધરાવવામાં આવશે. ધાર્મિક આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બનેલા આ ભવ્ય મેળામાં સૌ ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રી નાયાજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરે તેવું સ્વામી શ્રી શિવરામદાસજી મહારાજે જણાવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button