ગુજરાત

પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ: સુરતની દીકરીઓએ ૭૦ વૃક્ષોને રાખડી બાંધી લીધો જતનનો સંકલ્પ

પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ: સુરતની દીકરીઓએ ૭૦ વૃક્ષોને રાખડી બાંધી લીધો જતનનો સંકલ્પ
રક્ષાબંધનની ઉજવણી સાથે ‘માત્ર સંબંધો નહીં, પ્રકૃતિ સાથે સ્નેહ’ની ભાવના: કતારગામની વી.એન. ગોધાણી સ્કૂલની દીકરીઓએ વૃક્ષોને ‘ભાઈ’ બનાવી કરી રક્ષાની પ્રતિજ્ઞા
રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની પ્રેરણા: કતારગામમાં વૃક્ષો બન્યા ‘ભાઈ’ અને દીકરીઓ બની રક્ષક
રક્ષાબંધનના પવિત્ર તહેવારને માત્ર ભાઈ-બહેનના સ્નેહના સંબંધ પૂરતો સીમિત ન રાખતા, પ્રકૃતિ સાથે ભાવનાત્મક સેતુ બાંધવાનો એક પ્રેરણાદાયી અભિગમ સુરતના કતારગામની વી.એન. ગોધાણી ઇંગ્લિશ સ્કૂલ દ્વારા અપનાવવામાં આવ્યો છે. શાળાની ૭૦ દીકરીઓએ રક્ષાબંધનના પાવન અવસર પૂર્વે આજે કતારગામના ધોળકિયા ગાર્ડન ખાતે ૭૦ વૃક્ષોને રાખડી બાંધીને પર્યાવરણ સંરક્ષણ અને તેના જતનની પ્રેરણાદાયી પ્રતિજ્ઞા લીધી હતી.
સવારે આ બાગમાં દીકરીઓએ પોતપોતાના ફાળવાયેલા વૃક્ષને ચાંદલો કરી, આરતી ઉતારીને રાખડી બાંધી હતી. આ સાથે જ દીકરીઓએ આજીવન આ વૃક્ષોની જાળવણી કરવાની જવાબદારી પણ સ્વીકારી છે. નોંધનીય છે કે, દીકરીઓ માટે વૃક્ષો અગાઉથી જ નિર્ધારિત કરવામાં આવ્યા હતા અને વૃક્ષોના કદને અનુરૂપ ખાસ રાખડીઓ તૈયાર કરાઈ હતી.
શાળાના ચેરમેન અને રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, વૃક્ષ વાવવું એ શરૂઆત છે, પરંતુ તેને ઉછેરવું અને જાળવવું એ સાચી જવાબદારી છે. ધરતીને હરિયાળી અને સમૃદ્ધ બનાવવાની વિચારધારાને આગળ વધારતા વૃક્ષારોપણ સાથે તેના સંરક્ષણને જનઆંદોલનનું સ્વરૂપ આપવાનો આ નમ્ર પ્રયાસ છે. આ અભિયાનને અમે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાન સાથે જોડયું છે. રક્ષાબંધનની એક દિવસીય ઉજવણીને બદલે દીકરીઓ અને વૃક્ષો વચ્ચે વર્ષો સુધી જીવંત રહે એવું ભાવનાત્મક જોડાણ સ્થપાયું છે. આગામી પેઢીમાં પર્યાવરણ પ્રત્યે પ્રેમ, જવાબદારી અને સંરક્ષણની સંસ્કૃતિ વિકસાવવાની પ્રેરણા મળશે.
આ તકે સંસ્થાના શ્રી ભાવેશભાઈ લાઠીયાએ જણાવ્યું હતું કે, જેમ રક્ષાબંધનના દિવસે ભાઈ બહેનની રક્ષાનો સંકલ્પ લે છે, તેવી જ ભાવના સાથે આ વર્ષે દીકરીઓએ વૃક્ષોની રક્ષા અને સંભાળનો સંકલ્પ લીધો છે. આ પહેલનો મુખ્ય હેતુ વૃક્ષો સાથે માત્ર પર્યાવરણીય જ નહીં, પરંતુ ગાઢ લાગણી અને આત્મીયતાનો સંબંધ વિકસાવવાનો છે. કતારગામ વિસ્તારમાં આવેલી ‘ગ્રીન લાઇન્સ’ અને ગોધાણી સ્કૂલ તરફ જતી ગલીની હરિયાળી પણ ગોવિંદકાકા ધોળકિયાની પ્રકૃતિપ્રેમી દ્રષ્ટિનું પ્રતીક છે.
શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી દિવ્યાબેન ગજ્જરે જણાવ્યું કે, માત્ર વૃક્ષો વાવવા પૂરતું નથી, પરંતુ તેનું જતન કરવું તેટલું જ અનિવાર્ય છે. જ્યારે લોકો વૃક્ષો સાથે ભાવનાત્મક રીતે જોડાય છે, ત્યારે તેના સંરક્ષણની ભાવના વધુ દૃઢ બને છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button