સુરતમાં દિવાળી વેકેશનને પગલે આંગડિયા પેઢીઓ ૧૦ દિવસ માટે બંધ
૧૭ નવેમ્બર બાદ ફરી શરૂ થશે આંગડિયા પેઢીઓ

અનેક વેપારીઓ અને શ્રમિકો પોતાના વતન તરફ રવાના થયા હોવાથી બજારોમાં વેપારી પ્રવૃત્તિઓ ધીમી પડી છે
સુરત : દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને પગલે સુરતના વેપાર-ઉદ્યોગમાં વેકેશનનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરની આંગડિયા પેઢીઓ દ્વારા પણ ૧૦ દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે સુરતથી અન્ય શહેરોમાં થતી રોકડ નાણાંની હેરફેર તેમજ કિંમતી પાર્સલોની આપ-લેનો વ્યવહાર હંગામી ધોરણે બંધ રહેશે. આંગડિયા પેઢીઓ બંધ રહેતાં હીરા, કાપડ અને જ્વેલરી સહિતના વેપાર સાથે સંકળાયેલા વ્યવહારો પર પણ અસર જોવા મળશે.
મળતી માહિતી મુજબ, દિવાળી પર્વ અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને સુરતની આંગડિયા પેઢીઓએ ૧૦ દિવસનું વેકેશન રાખવાનો નિર્ણય કર્યો છે. આ સમયગાળા દરમિયાન રોકડ નાણાંની હેરફેર, એક શહેરથી બીજા શહેરમાં નાણાં મોકલવાની કામગીરી તેમજ કિંમતી પાર્સલોની હેરફેર બંધ રહેશે.
સુરત શહેરના હીરા અને કાપડ ઉદ્યોગમાં આંગડિયા પેઢીઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. વેપારીઓ મોટા પ્રમાણમાં નાણાકીય વ્યવહારો અને કિંમતી માલસામાનની હેરફેર માટે આંગડિયા સેવાઓનો ઉપયોગ કરે છે. તેથી આ વેકેશનને પગલે વેપારી વર્ગે પણ પોતાના વ્યવહારોનું અગાઉથી આયોજન કર્યું છે.આંગડિયા પેઢીઓ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, વેકેશન પૂર્ણ થયા બાદ ૧૭ નવેમ્બર પછી ફરીથી કામકાજ શરૂ કરવામાં આવશે. ગુજરાતની પરંપરા મુજબ લાભ પાંચમના શુભ મુહૂર્ત બાદ વેપારીઓ નવા વર્ષના વ્યવસાયની શરૂઆત કરે છે.
આથી હીરા, કાપડ, લાકડા અને જ્વેલરી સહિતના વિવિધ ક્ષેત્રોના વેપારીઓએ પણ પોતાના નાણાકીય વ્યવહારો વેકેશનને ધ્યાનમાં રાખીને ગોઠવી લીધા છે.
દિવાળીના તહેવારોને કારણે સુરતના બજારોમાં રજાનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક વેપારીઓ અને શ્રમિકો પોતાના વતન તરફ રવાના થયા હોવાથી બજારોમાં વેપારી પ્રવૃત્તિઓ ધીમી પડી છે.
આંગડિયા પેઢીઓ બંધ રહેતાં હીરા અને કાપડ ઉદ્યોગના નાણાકીય વ્યવહારોમાં પણ હંગામી વિરામ આવશે. જોકે, ૧૭ નવેમ્બર બાદ આંગડિયા પેઢીઓ ફરી શરૂ થતાં સુરતના વેપાર-ઉદ્યોગમાં રાબેતા મુજબની ચહલપહલ જોવા મળવાની શક્યતા છે.



