દેશ
ગુવાહાટી નજીક ટ્રેન અકસ્માત: કોલકાતા-સૈરંગ એક્સપ્રેસના અનેક ડબ્બા પાટા પરથી ઉતર્યા

- ગુવાહાટીના દિગારૂ નજીક સવારે મોટો ટ્રેન અકસ્માત સર્જાયો હતો. કોલકાતાથી સૈરંગ જઈ રહેલી કોલકાતા-સૈરંગ એક્સપ્રેસ (13125)નું એન્જિન સહિત અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત સવારે આશરે 6:54 વાગ્યે થયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. રાહતના સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી. રેલવે તરફથી મળેલી માહિતી અનુસાર, એન્જિન સાથે આશરે 6 થી 7 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને કેટલાક ડબ્બા એકબીજા સાથે અથડાઈને ક્ષતિગ્રસ્ત થયા હતા.
- નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલવે (NFR) અનુસાર, અકસ્માતની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રાહત અને બચાવ કાર્ય ઝડપથી શરૂ કરી દેવામાં આવ્યું છે. રેલવેએ ઘટનાસ્થળે રિલીફ ટ્રેન પણ મોકલી આપી છે. આ ઉપરાંત પોલીસ, રેલવે સુરક્ષા દળ (RPF) અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમ પણ ત્યાં હાજર છે. મુસાફરોને અન્ય ટ્રેન મારફતે આગળ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
- ભારતીય રેલવેએ જણાવ્યું કે, લોકો પાયલટ ટ્રેનની સ્પીડ નિયંત્રિત કરી શક્યો નહીં, જેના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. રેલવે અનુસાર, આ અકસ્માતમાં કોઈ મુસાફર કે સ્ટાફ સભ્યને ઇજા થઈ નથી. રેલવેના સત્તાવાર નિવેદન મુજબ, ટ્રેન નંબર 13125 કોલકાતા-સૈરંગ એક્સપ્રેસને આસામના દિગારૂ રેલવે સ્ટેશન પર અન્ય ટ્રેનને ક્રોસિંગ આપવા માટે રોકવામાં આવી રહી હતી ત્યારે આ ઘટના બની હતી.



