દેશ
જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં ટેમ્પો ટ્રાવેલર ૬૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો
૧૮ પ્રવાસીઓ ઇજાગ્રસ્ત, ૬ની હાલત ગંભીર: ગુજરાતના પ્રવાસીઓ પણ સામેલ

- જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં પ્રવાસીઓને લઈ જઈ રહેલો એક ટેમ્પો ટ્રાવેલર અંદાજે ૬૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકતાં ૧૮ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી ૬ લોકોની હાલત અત્યંત ગંભીર છે. આ અકસ્માત મંગળવારે કંગન વિસ્તારમાં ગુંડ સુંબલ પાવર હાઉસ નજીક બન્યો હતો. વાહન સોનમર્ગથી શ્રીનગર તરફ જઈ રહ્યું હતું ત્યારે ચાલકે નિયંત્રણ ગુમાવતાં ગાડી રસ્તા પરથી ઉતરીને સીધી ખીણમાં પડી ગઈ હતી.
- દુર્ઘટના બનતાં જ સ્થાનિક રહીશો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તમામ મુસાફરોને સારવાર અર્થે પહેલા PHC ગુંડ ખાતે પ્રાથમિક સારવાર અપાઈ હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે શ્રીનગરની શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (SKIMS) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
- ગુજરાત, પશ્ચિમ બંગાળ અને પંજાબના પ્રવાસીઓ ભોગ બન્યા કંગનના એસડીપીઓ (SDPO) રાજેશ રૈનાએ અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું કે ડ્રાઇવર સહિત કુલ ૧૮ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
- ઇજાગ્રસ્તોમાં ગુજરાતના અમદાવાદ અને સુરત, પશ્ચિમ બંગાળ અને પંજાબના પ્રવાસીઓ સામેલ છે:
- ગુજરાતના પ્રવાસીઓ: અમદાવાદના શારદાબેન (૫૮), રમેશભાઈ (૫૯), શોભાબેન (૫૦), રાજેશ કુમાર તેમજ મુકેશભાઈ, કલાબેન અને રોહનભાઈ. સુરતના દયશા (૪૨).
- પશ્ચિમ બંગાળના પ્રવાસીઓ: સ્વર્ણદ્યુતિ ઘોષ (૨૪), માલા ઘોષ (૪૮) અને સુરજીત ઘોષ (૬૧).
- ડ્રાઇવર: જગદીશ (ગુરદાસપુર, પંજાબ).
- ઇજાઓની વિગતો મુજબ, શારદાબેન, રમેશભાઈ, દયશા, શોભાબેન અને રાજેશ કુમારને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. સ્વર્ણદ્યુતિ ઘોષને થાપાના ભાગે તેમજ સુરજીત ઘોષને છાતીના ડાબા ભાગે ઇજા થઈ છે.
- અકસ્માતનું કારણ અકસ્માતનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ વાહનની વધુ પડતી ઝડપ (ઓવરસ્પીડિંગ)ને કારણે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાની શક્યતા છે. પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે.



