જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત ગેસ એનર્જી લિમિટેડના સંયુક્ત ઉપક્રમે ‘ઓફ-સાઈડ લેવલ-૩’ ઈમરજન્સી મોકડ્રિલ યોજાઈ

જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત ગેસ એનર્જી લિમિટેડના સંયુક્ત ઉપક્રમે ‘ઓફ-સાઈડ લેવલ-૩’ ઈમરજન્સી મોકડ્રિલ યોજાઈ
સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભે ગુજરાત ગેસ કંપનીમાં સફળ ‘બોમ્બ થ્રેટ મોકડ્રિલ’
ગુજરાત ગેસ કંપનીના સ્ટોર રૂમમાંથી શંકાસ્પદ વસ્તુ મળી આવતા બોમ્બ સ્ક્વોડ અને પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોચી
અણધારી ઔદ્યોગિક હોનારત સામે તંત્રની સજ્જતા ચકાસવા માટે જિલ્લા કલેક્ટરની આગેવાની હેઠળ વિવિધ એજન્સીઓનું સુસંકલિત આપત્તિ વ્યવસ્થાપન
આપાતકાલીન સમયમાં ઔદ્યોગિક સુરક્ષા, રાહત-બચાવ કામગીરી અને વિવિધ સરકારી તંત્રો વચ્ચેના આંતરિક સંકલનની સજ્જતા ચકાસવાના હેતુથી સુરતના અડાજણ સ્થિત ગુજરાત ગેસ એનર્જી લિ. ખાતે ઔદ્યોગિક સલામતી અને ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમની તત્પરતા ચકાસવાના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત ગેસ એનર્જી લિમિટેડના સંયુક્ત ઉપક્રમે ‘ઓફ-સાઈડ લેવલ-૩’ ઈમરજન્સી ‘બોમ્બ થ્રેટ મોકડ્રિલ’ યોજાઈ હતી.
કટોકટીની પરિસ્થિતિમાં જિલ્લાના વહીવટી તંત્ર અને વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચેનું સંકલન, ક્વિક રિસ્પોન્સ ટાઈમ તેમજ કટોકટી વ્યવસ્થાપનની ક્ષમતાઓને સુનિશ્ચિત કરવાના હેતુથી આ વ્યાપક કવાયત હાથ ધરવામાં આવી હતી.
આ મોકડ્રિલ દરમિયાન ગુજરાત ગેસ કંપનીના સ્ટોરરૂમમાં સફાઈકર્મીને સફાઈ કરતી વેળાએ શંકાસ્પદ બોમ્બ મળી આવ્યાની જાણ થતાં જ, તાત્કાલિક અસરથી કંપનીના સિક્યોરિટી એલાર્મ વગાડીને કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પરિસ્થિતિ નિયંત્રણ બહાર જણાતાં ત્વરિત ‘ઓફ-સાઈડ લેવલ-૩ ઈમરજન્સી’ જાહેર કરવામાં આવી હતી અને કંપનીના ઈન્ટરનલ સિક્યુરિટી પ્રોટોકોલ સક્રિય કરી ત્વરિત પોલીસ તેમજ જિલ્લા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. બોમ્બ કૉલ મળતાં જ સુરત શહેર પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ (BDDS), ડૉગ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ, ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમના સભ્યોને જાણ કરતા તમામ ત્વરિત ઘટના સ્થળે આવી પહોચ્યા હતા.
બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ-‘બીડીડીએસ’ની ટીમ દ્વારા સ્નિફર ડોગ્સ અને આધુનિક સાધનોની મદદથી સમગ્ર પરિસરનું સઘન ચેકિંગ હાથ ધરી શંકાસ્પદ બોમ્બને નિષ્ક્રીય કરવામાં આવ્યો હતો.
તમામ એજન્સીઓની ત્વરિત અને સુસંકલિત કામગીરીને કારણે સ્થિતિને ટૂંક સમયમાં સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ લાવવામાં આવી હતી. કવાયત પૂર્ણ થયા બાદ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને ગુજરાત ગેસ એનર્જી લિમિટેડના મેનેજમેન્ટ દ્વારા એક ડીબ્રીફિંગ બેઠક યોજવામાં આવી હતી. જેમાં તમામ વિભાગોના રિસ્પોન્સ ટાઈમ, કોમ્યુનિકેશન પ્રોટોકોલ અને ઈમરજન્સી મેનેજમેન્ટ પ્લાનની સમીક્ષા કરવામાં આવી હતી. આવી ઉચ્ચ સ્તરીય મોકડ્રિલથી આપત્તિના સમયે જનધનનું નુકસાન અટકાવવાની ક્ષમતામાં વધારો થાય છે.
આ મોકડ્રિલ વેળાએ ACP એમ.કે. રાણા, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના નાયબ મામલતદાર સાજિદ મેરુજય, નાયબ મામલતદાર વિરેન્દ્ર વરીયા, ડિસ્ટ્રિકટ પ્રોજેક્ટ ઓફિસર નિતલ દોશી, અડાજણ પોલીસ ઈન્સ્પેક્ટર એન. એ. ચાવડા, પી.એસ.આઈ ડી.એલ. યાદવ અને એન.ડી.પટેલ, બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડના PSI એચ.બી.મોરી, ગુજરાત એનર્જી લિ.ના HSE હેડ નવીન શર્મા (ગાંધીનગર), ઝોનલ હેડ ઝોન-૨ના હર્ષલ દેસાઈ, સુરત સર્કલ ઓફિસર ધર્મેશ સેલર સહિત પોલીસ વિભાગના અધિકારીઓ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ સહિતની વિવિધ એજન્સીઓ પહોંચી હતી.



