ગુજરાત

દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગ એસ.ટી.નિગમ ૧૬૦૦થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે: નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગ એસ.ટી.નિગમ ૧૬૦૦થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે: નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી
નિયત અને આયોજનબદ્ધ મુસાફરીનો લાભ લેવા નાગરિકોને એડવાન્સ બુકિંગ કરવા અનુરોધ કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી
આખી બસનુ ગ્રુપ બુકિંગ કરાવનારને ‘એસ.ટી. આપના દ્વારે’ યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધીની બસ સુવિધાનો લાભ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને આયોજન હેઠળ રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે વધુ સુદ્રઢ અને મુસાફરલક્ષી બનાવી છે. આ વર્ષે એસ.ટી.નિગમ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ વતનમાં જવા તા.૦૪ થી ૦૭ નવેમ્બર દરમિયાન સુરતથી ૧૬૦૦ એકસ્ટ્રા બસો દોડાવશે એમ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.
પ્રથમ નોરતે સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં આ વિષે વધુ વિગતો આપતાં નાયબ મુખ્યામંત્રીશ્રીએ દિવાળીના દિવસોમાં સુરત શહેરમાંથી પોતાના વતન તરફ હજારોની સંખ્યામાં લોકો જતા હોય છે. જેને ધ્યાને લઈને સુરત એસ.ટી વિભાગ દ્વારા તા.૦૪ થી ૦૭ નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ સહિત અન્ય જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ ૧૬૦૦ જેટલી વધુ બસો દોડાવવામાં આવશે. વધુ માંગ હશે તો વધુ બસો ફાળવવાની પણ નિગમની તૈયારી છે. સાથે જ આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને ‘એસ.ટી. આપના દ્વારે’ યોજનાને આધારે મુસાફરોને સીધું તેમની સોસાયટીથી વતન સુધી પહોંચાડવાની સુવિધા પણ અપાશે.
એક્સ્ટ્રા બસો સાંજે ૦૪.૦૦ થી રાત્રે ૧૦.૦૦ કલાક સુધી દોડાવવામાં આવશે. જે માટે ઓછા ભાડામાં નિયત અને આયોજનબદ્ધ મુસાફરીનો લાભ લેવા નાયબ મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોને એડવાન્સ બુકિંગ કરવા અનુરોધ કર્યો હતો. સાથે જ સુરતમાં રોજગાર માટે અન્ય નજીકના રાજ્યોમાંથી આવેલા પરપ્રાંતીય મુસાફરો માટે પણ ચોક્કસ એડવાન્સ બુકિંગને આધારે બસની વ્યવસ્થા કરવાની તૈયારી નાયબ મુખ્યમંત્રીશ્રીએ બતાવી હતી.
એક્સ્ટ્રા બસોનું ગ્રુપ બુકિંગ એસ.ટી. સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત તેમજ અડાજણ બસ પોર્ટ ખાતે આવેલ સુરત સિટી ડેપો ખાતેથી કરી શકાશે.
પ્રેસ કોન્ફરન્સમાં એસટીના વિભાગના અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ સહિત મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરતના આ સ્થળોએથી ઉપડશે એક્સ્ટ્રા બસો:
તા.૦૪/૧૧/૨૦૨૬ થી તા.૦૭/૧૧/૨૦૨૬ દરમિયાન સાંજે ૦૪.૦૦ થી રાત્રે ૧૦.૦૦ વાગ્યા સુધી સૌરાષ્ટ્ર તરફનું એકસ્ટ્રા બસોનું સંચાલન ધારુકા કોલેજ, વરાછા રોડ ખાતેના મેદાનમાંથી તથા દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલ તરફનું સંચાલન એસ.ટી. સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે આવેલ સીટી સ્ટેન્ડમાંથી અને રામનગર ખાતેથી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, ટ્રાફિકના ધસારાને ધ્યાને લઈ તા.૦૮/૧૧/૨૦૨૬ થી તા.૧૫/૧૧/૨૦૨૬ (લાભ પાંચમ) સુધી વડોદરા અને અમદાવાદનું એક્સ્ટ્રા સંચાલન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી કરવામાં આવશે.
સુરતથી ઉપડતી દિવાળી એક્સ્ટ્રા બસોનું ભાડું:
એસ.ટી. નિગમ દ્વારા જાહેર કરાયેલા દરો મુજબ સુરતથી ઉપડતી એક્સ્ટ્રા બસોમાં અમરેલી માટે રૂ.૪૫૫, સાવરકુંડલા રૂ.૪૮૦, ભાવનગર રૂ.૩૯૫, મહુવા રૂ.૪૬૦, ગારીયાધાર રૂ.૪૪૦, રાજકોટ રૂ.૪૩૫, જુનાગઢ રૂ.૫૦૦, જામનગર રૂ.૫૦૫, ઉના રૂ.૫૪૦, અમદાવાદ રૂ.૩૨૦, પાલનપુર રૂ.૪૧૦, દાહોદ રૂ.૩૫૦, ઓલપાડથી દાહોદ રૂ.૩૬૦, ઓલપાડથી ઝાલોદ રૂ.૩૭૦, ઝાલોદ રૂ.૩૬૦, કવાંટ રૂ.૩૦૦, છોટાઉદેપુર રૂ.૩૧૦, લુણાવાડા રૂ.૩૨૫ અને ગોધરાનું ભાડું રૂ.૩૦૫ નક્કી કરવામાં આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button