મહાકુંભમાં ભાગદોડથી 20નાં મોત

મહાકુંભમાં ભાગદોડથી 20નાં મોત
મૌની અમાવસ્યાના અમૃત સ્નાન માટે 8 – 10 કરોડ શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે દુર્ઘટના
પ્રયાગરાજ: વિશ્વના સૌથી મોટા એક જ સ્થળના માનવ મહેરામણ તરીકે સ્થાન મેળવનાર મહાકુંભ 2025માં આજે મૌની અમાવસ્યાના પવિત્ર અમૃત સ્નાન પુર્વે જ ગઈકાલથી દેશભરમાં ઉમટેલા લાખો શ્રદ્ધાળુઓએ મધરાત બાદ જ ગંગાના વિવિધ ઘાટો પર સ્નાન માટે પહોંચવા કરેલી ઉતાવળમાં મંગળવારની રાત્રી જ અમંગળ બની ગઈ.
મહાકુંભમાં પવિત્ર મનાતા બીજા અમૃત સ્નાનમાં પવિત્ર ત્રિવેણી સંગમના 12 કિલોમીટરના લાંબા ક્ષેત્રમાં મધરાતે 1.30 કલાકે અફવાના કારણે સર્જાયેલી ભાગદોડમાં 20 લોકોના મૃત્યુ થયા છે અને સેકડો ઘવાયા છે.
ગઈકાલથી જ આજના પવિત્ર અમૃત સ્નાનમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા અને એક જ દિવસે એક કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ગંગાના કિનારે ઉમટયા હતા. રાજય સરકારે અગાઉથી જ શ્રદ્ધાળુઓની મોટી સંખ્યા ઉમટશે તે નિશ્ચિત હતુ તેથી ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.
પણ મધરાત બાદ કોઈ અફવાના કારણે અચાનક જ શ્રદ્ધાળુઓની મોટી સંખ્યા બેકાબૂ બનીને બેરીકેડ તોડતા, પોલીસ બંદોબસ્તની તમામ વ્યવસ્થા છતા પણ કિનારાથી દુર જવાના પ્રયાસ કરતા મહિલા વ્યાપ સહિત સેકડો લોકો નાસભાગમાં પડી જતા તેના પરથી અન્ય શ્રદ્ધાળુઓ પસાર થતા 20થી વધુના મૃત્યુ થયા છે પણ જે રીતે આ નાસભાગ થઈ હતી તેમાં સેકડો ઈજાગ્રસ્ત થયા છે.
મધરાત બાદ પરીસ્થિતિ એવી ગંભીર હતી કે, રાહત બચાવ માટે અહી જે એમ્બ્યુલન્સનો કાફલો ઉભો રખાયો હતો તે પણ તેના ખાસ કોરીડોર મારફત મહાકુંભમાં જઈ શકયો ન હતો અને વહેલી સવાર સુધીમાં તો મહાકુંભમાં અનેક કરૂણ દ્રશ્યો જોવા મળ્યા હતા.
મોટાભાગના લોકો જમીન પર બેસી ગયા હતા. પોલીસ જવાનોએ પણ ભીડને નિયંત્રીત કરવા પ્રયાસ કર્યા હતા પણ તે સફળ નિવડયો ન હતો. વ્યવસ્થા સંભાળવા માઈક પર વારંવાર લોકોને સૂચનાઓ અપાતી હતી પણ તે સાંભળવાની કોઈ તૈયારી ન હતી.
ખાસ કરીને પ્લાટુન પુલ નં.12 પાસે આ ઘટના બની હતી. આ દુર્ઘટનાના પગલે વહેલી સવારે જે તમામ અખાડાઓનું અમૃત સ્નાન હતું તે વિલંબમાં મુકવામાં આવ્યુ હતું અને અખાડામાં પણ જેઓ ઈજાગ્રસ્ત હતા તેમની મદદે દોડી ગયા હતા અને બાદમાં અમૃત સ્નાન આગળ વધારવા નિર્ણય લેવાયો હતો અને પહેલા શ્રદ્ધાળુઓ સ્નાન કરશે અને બાદમાં અખાડાના સાધુ-સંતો કરશે.