સરકારી મેડિકલ કોલેજ અને નવી સિવિલ હોસ્પિટલ ખાતે તા. ૧૮ થી ૨૪ નવેમ્બર દરમિયાન ‘વિશ્વ AMR જાગૃતિ સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ
એન્ટિબાયોટિક્સના બિનજરૂરી ઉપયોગ સામે જનજાગૃતિ અભિયાન

એન્ટિબાયોટિક્સ અને અન્ય સૂક્ષ્મજીવ વિરોધી દવાઓના બિનજરૂરી તથા અયોગ્ય ઉપયોગને કારણે બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવોમાં દવાઓ સામે પ્રતિકારક ક્ષમતા વધી રહી છે, જેના પરિણામે સામાન્ય ચેપ સામે પણ દવાઓની અસરકારકતા ઘટી રહી છે. આ ગંભીર સમસ્યા સામે સમાજમાં, દર્દીઓમાં અને તબીબી ક્ષેત્રે જાગૃતિ લાવવાના હેતુથી સમગ્ર વિશ્વની સાથે સરકારની સૂચના મુજબ સરકારી મેડિકલ કોલેજ અને નવી સિવિલ હોસ્પિટલ, સુરત દ્વારા તા. ૧૮ થી ૨૪ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ‘વિશ્વ AMR જાગૃતિ સપ્તાહ’ (World AMR Awareness Week)ની ઉજવણીનો પ્રારંભ થયો હતો.
આ વર્ષના અભિયાન અંતર્ગત “એક સ્વાસ્થ્ય, એક કાર્યવાહી: હમણાં જ AMR અટકાવો” (One Health, One Action: Prevent AMR Now) થીમ હેઠળ માનવ, પશુ અને પર્યાવરણના સ્વાસ્થ્યને જોડીને હોસ્પિટલ પરિસરમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તબીબી સ્ટાફ, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોમાં ડોક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિક્સ ન લેવા અને ચેપ નિયંત્રણના નિયમોનું પાલન કરવા અંગે જાગૃતિ કેળવવાનો છે.
આ સપ્તાહના પ્રારંભે આજે નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે તબીબી અધિક્ષક ડો.પારૂલ વડગામાના હસ્તે અભિયાનનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત તબીબો, નર્સિંગ સ્ટાફ અને કર્મચારીઓ દ્વારા એન્ટિબાયોટિક્સના યોગ્ય અને જવાબદારીપૂર્વક ઉપયોગ અંગે શપથ લેવામાં આવ્યા હતા.
માઇક્રોબાયોલોજી અને ફાર્માકોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે કિડની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે આવેલા OPD કોરિડોરમાં સારવાર અર્થે આવેલા દર્દીઓ અને તેમના પરિવારજનોની વચ્ચે વિશેષ નાટક અને પ્લેકાર્ડ્સ દ્વારા જનજાગૃતિનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. આ માધ્યમથી લોકોને સમજાવવામાં આવ્યું હતું કે તબીબની સલાહ વિના સીધા મેડિકલ સ્ટોર પરથી એન્ટિબાયોટિક દવાઓ ન લેવી જોઈએ તેમજ તબીબે સૂચવેલો દવાનો પૂરો ડોઝ અને કોર્સ નિયમિતપણે પૂર્ણ કરવો અત્યંત જરૂરી છે.
આ સમગ્ર આયોજન તબીબી અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ માઇક્રોબાયોલોજી વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ.સંગીતાબેન રાજદેવ, ફાર્માકોલોજી વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. ચેતનાબેન પટેલ અને પી.એસ.એમ.વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. વિપુલ ચૌધરીની વિશેષ જહેમતથી સફળ બનાવવામાં આવ્યું હતું.
તદુપરાંત, ઇન્ચાર્જ RMO ડૉ. લક્ષ્મણ ટહેલિયાણી, કિડની બિલ્ડિંગના નોડલ ઓફિસર ડૉ. ભરત ચાવડા, નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ નીરજાબેન પટેલ તેમજ નર્સિંગ એસોસિએશનના સેક્રેટરી ઇકબાલ કડીવાલા અને હોસ્પિટલ સ્ટાફના સંકલન અને સહકારથી આ કાર્યક્રમ યોજાયો હતો. આગામી તા. ૨૪
નવેમ્બર સુધી હોસ્પિટલ ખાતે વિવિધ શૈક્ષણિક અને જનજાગૃતિના કાર્યક્રમો યોજાશે.
સપ્તાહ દરમિયાન હાથની સ્વચ્છતા અને ક્વિઝ, પ્રિસ્ક્રિપ્શન ઓડિટ અને સ્પર્ધા હેઠળ દર્દીઓને અપાતી એન્ટિબાયોટિક્સના પ્રિસ્ક્રિપ્શનનું ઓડિટ થશે. ફાર્મસી કાઉન્ટર પર દર્દીઓને દવાનો કોર્સ પૂરો કરવા અંગે કાઉન્સેલિંગ આપવામાં આવશે અને ફાર્માસિસ્ટ માટે વિશેષ સત્ર યોજાશે.
આ ઉપરાંત ઓરિએન્ટેશન વર્કશોપ, જનજાગૃતિ વાર્તાલાપ, OPD અને IPD વેઇટિંગ એરિયામાં દર્દીઓ, સગા-સંબંધીઓ અને સ્ટાફને હાથ ધોવાની સાચી પદ્ધતિ અને PPEના ઉપયોગનું પ્રત્યક્ષ નિદર્શન બતાવાશે.



