ગુજરાત

સહકારી ક્ષેત્રે નવો ઇતિહાસ રચતા શ્રી ઘનશ્યામભાઈ અમીન

સહકારી ક્ષેત્રે નવો ઇતિહાસ રચતા શ્રી ઘનશ્યામભાઈ અમીન

રાષ્ટ્રની ટોચની એપેક્સ સહકારી સંસ્થા NCUIમાં સતત નવમી ટર્મ માટે બિનહરીફ ચૂંટાઈ આવતાં શ્રી ઘનશ્યામભાઈ અમીન

અમદાવાદ: ગુજરાત રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષશ્રી ઘનશ્યામભાઈ અમીને રાષ્ટ્રની સહકારી ચળવળમાં એક મહત્વનું શિખર પ્રાપ્ત કરી રાષ્ટ્રિય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. રાષ્ટ્રિય કક્ષાની એપેક્ષ સહકારી સંસ્થા નેશનલ કો-ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા (NCUI), ન્યૂ દિલ્હીની ગવર્નિંગ કાઉન્સિલની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા રાજ્ય વિભાગમાંથી સતત નવમી ટર્મ માટે આગામી 5 વર્ષ માટે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. રાષ્ટ્રિય કક્ષાની એપેક્ષ સંસ્થામાં ઘણાં લાંબા સમયથી પ્રતિનિધિત્વ કરવાનો અનોખો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. તે બદલ રાષ્ટ્રિય સહકારી આગેવાન શ્રી ઘનશ્યામભાઈ અમીનને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.      શ્રી ઘનશ્યામભાઈ અમીન 1994થી એટલે કે, 33 વર્ષથી 8 લાખ સહકારી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રની એપેક્ષ સહકારી સંસ્થા NCUI, ન્યૂ દિલ્હી સાથે જોડાઈને દૃઢ નિષ્ઠા, પારદર્શિતા અને દૂરંદેશી નેતૃત્વ દ્વારા દેશના સહકારી પ્રવૃત્તિને નવી દિશા અને નવી ઊર્જા પ્રદાન કરી રહ્યા છે. શ્રી અમીન અગાઉ NCUIમાં 1999 અને 2007માં પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યાં હતા. આ દરમિયાન દેશના ખેડૂતોના હિત માટે જાપાન ટોકીયો ખાતે એશિયના ખેડૂતોનું સંગઠન એશિયન ફાર્મર્સ ગ્રૂપ (AFG)ની રચના કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. ઉપરાંત સહકારી ક્ષેત્રે અને એગ્રીકલ્ચર ક્ષેત્રે અદ્યતન કૃષિ અને ટેક્નોલોજીના આદાન પ્રદાન માટે તેમ જ દેશના ખેડૂતોને આધુનિક ખેતીનું પૂરતું જ્ઞાન, અભ્યાસ અને અદ્યતન ટેક્નોલોજીની જાણકારી મળી રહે તે માટે શ્રી અમીને ઇઝરાઈલ દેશ સાથે MOU કર્યા હતા. તે જ રીતે 1994 અને 2015માં વાઇસ પ્રેસિડેન્ટ પદે ચૂંટાઈ આવી સફળતાપૂર્વક કામગીરી સંભાળી હતી. શ્રી ઘનશ્યામભાઈ અમીનના અનુભવી અને દુરંદેશી નેતૃત્વ હેઠળ દેશના સહકારી આંદોલનને નવી દિશા આપી રાષ્ટ્રિય સહકારી ક્ષેત્રના સર્વાંગી વિકાસ, સહકારી શિક્ષણ, તાલીમ, નીતિ ઘડતર અને સંસ્થાકીય સશક્તિકરણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.  આ ઉપરાંત 2008માં શ્રી અમીને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વના 108 દેશોના સહકારી સંગઠન ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ – એશિયાપેસિફિક (ICA-AP)ના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવી સમગ્ર વિશ્વ સમક્ષ ભારત અને ગુજરાતની સહકારી પ્રવૃત્તિને સફળતાપૂર્વક રજૂ કરી દેશ અને રાજ્યના સહકારી ક્ષેત્રનું ગૌરવ વધાર્યું હતું. તેમના સફળ નેતૃત્વને કારણે ભારતીય સહકારી ચળવળને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અને પ્રતિષ્ઠા અપાવી હતી.  તેમનું સતત નવમી ટર્મ માટે બિનહરીફ ચૂંટાવું માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ દેશભરના સહકારી ક્ષેત્રનો તેમના પ્રત્યેનો અખૂટ વિશ્વાસ, અજાતશત્રુ તરીકેની લોકપ્રિયતા, નિષ્કલંક જાહેર જીવન અને દાયકાઓથી આપેલી સમર્પિત સેવાની સર્વસંમતિથી થયેલી કદરનું જીવંત પ્રતિબિંબ છે. આમ, રાજ્ય અને રાષ્ટ્રિય કક્ષાએ છેલ્લા 33 વર્ષથી સતત સહકારી ક્ષેત્રે સેવાઓ આપવાનો ઐતિહાસિક રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. તેઓ પ્રોફેશનલી હાઈકોર્ટના સિનિયર એડવોકેટ છે. 1997માં ગુજરાત સ્ટેટ બાર કાઉન્સિલના ચેરમેન તરીકે ચૂંટાઈને ગુજરાતના વકીલ મંડળ માટે ઉમદા સેવાઓ પૂરી પાડી હતી. આ ઉપરાંત તેમણે 2013 અને 2018માં રાષ્ટ્રિય કક્ષાની બેન્કિંગ ક્ષેત્રની એપેક્ષ સહકારી સંસ્થા કો-ઓપરેટિવ બેન્ક ઓફ ઇન્ડિયાના બે ટર્મ સુધી ચેરમેન તરીકે રહી બેન્કો અદ્યતન ટેક્નોલોજી અપનાવી ક્રેડિટ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરે તે માટે મહત્વની ભૂમિકા નિભાવી હતી. હાલમાં આ સંસ્થાના વાઈસ ચેરમેન તરીકે સેવાઓ આપી રહ્યાં છે. તદ્દ ઉપરાંત તેઓ કોસમોસ કો-ઓપરેટિવ બેન્ક લિ.માં ગુજરાત અને મધ્યપ્રદેશના વિભાગમાંથી ડાયરેક્ટર તરીકે ચૂંટાઈ આવી સેવાઓ આપી રહ્યાં છે.   શ્રી ઘનશ્યામભાઈ અમીનને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ પુનઃ હૃદયપૂર્વક અભિનંદન તથા ઉજ્જવળ કાર્યકાળ માટે અનેક શુભેચ્છાઓ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button