આત્મહત્યા નિવારણ અને માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિના કાર્યક્રમનું આયોજન

આત્મહત્યા નિવારણ અને માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિના કાર્યક્રમનું આયોજન

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લીશ મીડીયમ કોલેજ ઓફ કોમર્સ, સુરત દ્વારા વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા અને આત્મહત્યા નિવારણ અંગે સંવેદનશીલતા વિકસાવવા માટે “Mental Health Awareness and Suicide Prevention Programme”નું આયોજન “પેરેન્ટિંગ ફોર પીસ”ના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તા. 11 ઓગસ્ટ, 2026ના રોજ કોલેજ પરિસરના B.Ed. Hall ખાતે યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ સમજાવવાનો, તણાવ તથા ભાવનાત્મક મુશ્કેલીઓ અંગે વાત કરવા પ્રોત્સાહિત કરવાનો અને જરૂરિયાતના સમયે યોગ્ય મદદ મેળવવા માટે જાગૃત કરવાનો હતો.
કાર્યક્રમમાં “પેરેન્ટિંગ ફોર પીસ” સંસ્થા સાથે જોડાયેલા માનસિક સ્વાસ્થ્ય અને તબીબી ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ડૉ. આરતીબેન મહેતા, સિનિયર સાઇકિયાટ્રિસ્ટ અને પેરેન્ટિંગ ફોર પીસના કોર મેમ્બર, ડૉ. સલીમ હિરાણી, સિનિયર ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ અને પેરેન્ટિંગ ફોર પીસના મેમ્બર, ડૉ. ભાવના રાજા, સાઇકોલોજિસ્ટ તથા સદભાવ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર સાથે કાર્યરત, ડૉ. રુતા દેસાઈ, ઓપ્થેલ્મોલોજિસ્ટ તથા પેરેન્ટિંગ ફોર પીસના સક્રિય સ્વયંસેવક અને ડૉ. શિખર મહેતા, સાઇકિયાટ્રિસ્ટ તથા પેરેન્ટિંગ ફોર પીસના સ્વયંસેવક ઉપસ્થિત રહ્યા હતા.
નિષ્ણાતોએ વિદ્યાર્થીઓ સાથે માનસિક સ્વાસ્થ્ય, તણાવ, ચિંતા, એકલતા, ભાવનાત્મક મુશ્કેલીઓ અને જીવનમાં આવતી પડકારજનક પરિસ્થિતિઓ અંગે સરળ અને વ્યવહારુ ચર્ચા કરી હતી. વિદ્યાર્થીઓને પોતાની લાગણીઓ વિશ્વાસુ વ્યક્તિ સાથે વ્યક્ત કરવા, મુશ્કેલીમાં રહેલા મિત્ર કે વ્યક્તિની વાત સહાનુભૂતિપૂર્વક સાંભળવા તથા જરૂરિયાત જણાય ત્યારે નિષ્ણાતની મદદ મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને “You Matter – You are not alone”, “It’s Okay to Talk”, “Mental Health is as important as physical health” અને “Reach Out – Help is always available” જેવા સંદેશાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ અને આશાવાદ વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન માનસિક સ્વાસ્થ્ય અંગેની ગેરસમજો દૂર કરવા તથા માનસિક સમસ્યાઓને છુપાવવાને બદલે સમયસર વાતચીત અને સહાય મેળવવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. “Be Kind to Your Mind, Your Life is Precious.” તથા “Let’s Talk. Let’s Support. Let’s Save Lives.” જેવા પ્રેરણાદાયી સંદેશ સાથે કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમનું સંકલન ડૉ. મિતાલી પટેલ દ્વારા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. આશિષ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું



