ડિજીટલ ક્લાસરૂમ્સ ઓન વ્હીલ’: સુરત જિલ્લા પંચાયત અને ટોયોટા કિર્લોસ્કર કંપનીની પહેલ
‘ટોયોટા ઈ-કક્ષા બસ’ની મુલાકાત લેતા શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા

‘ટોયોટા ઈ-કક્ષા બસ’થી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને મળી રહ્યું છે કોમ્પ્યુટર ડિજિટલ શિક્ષણ

સુરત: શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ સુરત જિલ્લાના મહુવા મામલતદાર કચેરી ખાતે આયોજિત વિકાસકામોની સમીક્ષા બેઠક પહેલા સુરત જિલ્લા પંચાયત અને ટોયોટા કિર્લોસ્કર કંપનીની ડિજીટલ ક્લાસરૂમ્સ ઓન વ્હીલ’ પહેલ અંતર્ગત કાર્યરત ‘ટોયોટા ઈ-કક્ષા બસ’ની મુલાકાત લીધી હતી અને આ પહેલ વિષે તલસ્પર્શી જાણકારી મેળવી હતી.
સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ડિજિટલ શિક્ષણ અને કમ્પ્યુટર તાલીમ મળી રહે એ માટે ‘ટોયોટા ઈ-કક્ષા બસ’ (હરતી-ફરતી એજ્યુકેશન બસ) સુરત જિલ્લાના પાંચ બ્લોકમાં ફરે છે અને ડિજીટલ વર્ગખંડ તરીકે કાર્ય કરે છે. મોબાઇલ ક્લાસરૂમના માધ્યમથી કમ્પ્યુટર શિક્ષણ આપવાના આ પ્રકલ્પની તેમણે સરાહના કરી હતી. દર મહિને આશરે ૧૦ થી ૧૫ સરકારી શાળાના વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવતા હોવાની વિગતો સંબંધિત અધિકારીઓએ મંત્રીશ્રીને આપી હતી.
સંપૂર્ણ વાતાનુકૂલિત મોબાઇલ કમ્પ્યુટર બસમાં દરેક બેચમાં ૨૦ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે. દરેક વિદ્યાર્થી માટે અલગ કમ્પ્યુટરની સુવિધા છે. મૂળભૂત કમ્પ્યુટર કોર્સ ૧૪ ડિજિટલ પીરિયડ તેમજ બે પ્રશિક્ષિત ઇન્સ્ટ્રક્ટર, ઈન્ટરનેટ કનેક્ટિવિટી, સ્માર્ટ બોર્ડ અને ધો.૮ સાથે અભ્યાસ સામગ્રીના ઉપયોગથી વિદ્યાર્થીઓને કમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવે છે.. વિદ્યાર્થીઓની શીખવાની પ્રગતિ માપવા વ્યક્તિગત પ્રી-અસેસમેન્ટ અને પોસ્ટ-અસેસમેન્ટ કરવામાં આવે છે. કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અપાય છે.



