લોક સમસ્યા

સાધલી મુકામે ભગવાન બીરસા મુંડા સર્કલ ઉપર ઘોડાને ઘાસ ચરતા જોઈને કુતુહલ ઉભું થયું

  • સાધલી મુકામે ભગવાન બીરસા મુંડા સર્કલ ઉપર ઘોડાને ઘાસ ચરતા જોઈને કુતુહલ ઉભું થયું
  •   સાધલીમાં વાંદરા, કુતરા ,ભૂંડો ના ત્રાસ પછી હવે ઘોડાઓ પણ રસ્તાઓ પર આવતાં ગ્રામજનોને ઉપાધિ

શિનોર તાલુકાની સાધલી ગ્રામ પંચાયત આર્થિક રીતે સધ્ધર છે અને તાજેતરમાં એક કરોડ 40 લાખના વિકાસ કામો થયાની વાતો થાય છે, પરંતુ બસ સ્ટેન્ડ પાસે, મુખ્ય બજારના ખાડાઓ, વેરાઈ માતાના પાછલા મુખ્ય માર્ગ પર ખાડાઓ અને પારાવાર ગંદકી થી ગામની આબરૂ ઓછી થાય છે. છતાં ચૂંટાયેલા સભ્યોને હવે માત્ર ત્રણ માસની મુદત બાકી હોવાથી કોઈ દરકાર નથી. સાધલી મુકામે એક વર્ષ પહેલા ભગવાન બિરસા મુંડા ની પ્રતિમાને મુખ્ય સર્કલ ઉપર સ્થાપના કરી, લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સર્કલ ઉપર આજે વહેલી સવારે બે ઘોડાઓ બિન્દાસ પણે ઘાસ ચરતા દેખાઈ આવ્યા હતા, જેના કારણે લોકોમાં અચરજ વ્યાપેલ હતું અને લોકો કહેતા હતા કે સાધલી ગામમાં હાલમાં પુષ્કળ વાંદરાઓ, અજાણ્યા કુતરાઓ, વિશાળ ભૂંડો નો ત્રાસ હતો, અને હવે આ જાહેર માર્ગ ઉપર ઘોડાઓ ઘાસ ચરતા જણાઈ આવે છે. સાધલીના તમામ જાહેર માર્ગો ઉપર ખાડાઓ પડી ગયા છે,જેમ કે બસ સ્ટેન્ડ ની આજુબાજુ, મેઇન રોડ પર, સરકારી દવાખાનાની બાજુમાં ગટર પર, રેલવે બજાર અને બેંક બજારમાં જયાં પંચાયત દ્વારા સફાઈ પણ થતી નથી, વેરાઈ માતા મંદિર ની પાછળ નો મુખ્ય માર્ગ જેમાં સળિયા પણ બહાર નીકળી ગયા છે, અને કચરો ઉઘરાવવા ઉભા રહેતા ટ્રેક્ટર ની આજુબાજુ ખુલ્લેઆમ પડી રહેલો કચરો તથા તેની સામે આવેલા પશુઓને પીવાના પાણીના હવાળા પાસે પારાવાર ગંદકી વ્યાપેલ છે, આ તરફ કોઈ પણ ચૂંટાયેલા સભ્યો કે જન પ્રતિનિધિઓ નું ધ્યાન જતું નથી. તેના કારણમાં જાણવા મળ્યું હવે નવી પંચાયતની ચૂંટણી ત્રણ માસ પછી થનાર છે, જેથી આવા ખાડા – ખાબોચીંયાઓ પૂરવામાં કોઈને રસ નથી. ઇન્ચાર્જ સરપંચ સંકેત પટેલ જેવો શિનોર તાલુકા ભાજપા ના પ્રમુખ હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિન ની ઉજવણી તારીખ 17 સપ્ટેમ્બર થી તારીખ 17 ઓક્ટોબર સુધી રાજકીય કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાના કારણે કદાચ ઇન્ચાર્જ સરપંચ તરીકે ગ્રામ પંચાયત પ્રત્યે પુરતું ધ્યાન આપી શકશે નહીં.એ હકીકત છે. પરંતુ અન્ય ચૂંટાયેલા સભ્યો અને બબ્બે તલાટી કમ મંત્રી દ્વારા પણ આવા સામાન્ય કામો કરાય, એવી ગ્રામજનો આશા રાખીને બેઠા છે. હાલ ગણપતિ ઉત્સવ ચાલુછે અને અંધારું વહેલું થાય છે, છતાં પણ બજારની સ્ટ્રીટ લાઇટો વહેલી ચાલુ કરાતી નથી, જેથી ગણેશ ભક્તોમાં પણ નારાજગી ઉભી થયેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button