સુરતના વાય જંકશન ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા તથા ‘સેવા જ્યોતિ યાત્રા’ યોજાઈ

સુરતના વાય જંકશન ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા તથા ‘સેવા જ્યોતિ યાત્રા’ યોજાઈ
વડાપ્રધાનએ લોકોની અપેક્ષાઓ કરતાં પણ વધુ કામ કરીને સર્વાંગી વિકાસની વ્યાખ્યા, ગુણવત્તા અને ગતિ સાબિત કરી છે
વડાપ્રધાનનો ‘વિકસિત ભારત’નો સંકલ્પ જનઆંદોલન બની રહ્યો છે : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ
‘સેવા જ્યોતિ યાત્રા’માં મહાનુભાવો હાથમાં મશાલ સાથે ઉત્સાહપૂર્વક જોડાયા
સુરત: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સભા તથા ‘સેવા જ્યોતિ યાત્રા’ યોજાઈ હતી. સેવા, સંકલ્પ અને વિકાસની સામૂહિક ભાવનાને ઉજાગર કરતી ‘સેવા જ્યોતિ યાત્રા’માં મહાનુભાવોના હસ્તે સેવા જ્યોતિ પ્રજ્વલિત કરવામાં આવી હતી અને હાથમાં મશાલ સાથે યાત્રામાં સૌ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
પીપલોદના વાય જંકશન પાસે આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ સભા’માં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ૭મી ઓક્ટોબર ૨૦૦૧થી શરૂ કરેલી ‘હેડ ઓફ ધ ગવર્નમેન્ટ’- સરકારના વડા તરીકે વડાપ્રધાનશ્રીની સુશાસનની યાત્રાના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થયા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને ત્યારબાદ દેશના વડાપ્રધાન તરીકે કુલ ૨૫ વર્ષ સુધી દેશ અને રાજ્યની સેવા કરી છે.
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશના દરેક નાગરિકો વિકાસના સંકલ્પો લઈને એકસાથે આગળ વધી રહ્યા છે. વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતનો સંકલ્પ જનઆંદોલન બની રહ્યો છે. સેવા જ્યોતિ યાત્રા સેવાની ભાવનાને વિકાસના સંકલ્પ સાથે જોડતી અને જનભાગીદારીને વિકાસની શક્તિ બનાવતી એક પહેલ હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, ૨૦૧૪ માં જ્યારે દેશનું નેતૃત્વ નબળું અને દિશાહીન બની ગયું હતું તથા લોકો નિરાશામાં ડૂબી ગયા હતા, ત્યારે શ્રી નરેન્દ્ર મોદીના રૂપમાં દેશને એક નવી આશાનું કિરણ મળ્યું. વડાપ્રધાનશ્રીએ લોકોની અપેક્ષાઓ કરતાં પણ વધુ કામ કરીને સર્વાંગી વિકાસની વ્યાખ્યા, ગુણવત્તા અને ગતિ સાબિત કરી છે. યુવા, મહિલા, ગરીબ અને ખેડૂત સહિત દરેક વર્ગ માટે યોજનાઓ બનાવી તેમને આર્થિક મદદ અને પગભર કરવાના સફળ પ્રયાસો કર્યા છે.
વડાપ્રધાનશ્રીના શાસનકાળમાં પ્રજાએ ક્યારેય પણ પોતાની માંગણીઓ માટે સરકાર સામે કોઈ આંદોલન કરવું પડ્યું નથી, કારણ કે તેમની દરેક જરૂરિયાત માંગણી પહેલા જ પૂર્ણ કરવામાં આવી છે એમ જણાવી શ્રી પાટિલે ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રધાનમંત્રીના “We will do it” – આપણે તે કરીશું’ ના મંત્ર સાથે સૌને વિકાસની યાત્રામાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
સ્વાગત પ્રવચન કરતા શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું કે, સુરતથી પ્રજ્વલિત થયેલી વિકાસ જ્યોતિથી તાલુકા અને ગામડાંઓ સુધી ‘વિકસિત ભારત-૨૦૪૭’ના સંકલ્પને જન-જન સુધી પહોંચશે. બાળપણથી જ રાષ્ટ્રસેવાના સંસ્કારો અને યુવાવયે જાહેરજીવનમાં પદાર્પણ કરનાર વડાપ્રધાનશ્રીએ આજે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ ગુંજતું કર્યું છે. તેમના નેતૃત્વમાં ભારતને દેશ અને દુનિયામાં આગવી ઓળખ મળી છે.
ઉપસ્થિત સૌએ પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે ‘વિકસિત ભારત’ની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે સાંસદશ્રી મુકેશભાઈ દલાલ, રાજ્યસભા સાંસદશ્રી ગોવિંદભાઈ ધોળકિયા, મેયર શ્રીમતી માયાબેન માવાણી, જિ.પંચાયત પ્રમુખશ્રી સમીર મોદી, ધારાસભ્ય સર્વ શ્રી મુકેશભાઈ પટેલ, મનુભાઈ પટેલ, સંદિપભાઈ દેસાઈ, અરવિંદભાઈ રાણા, કિશોરભાઈ કાનાણી, પ્રવિણભાઈ ઘોઘારી, વિનોદભાઈ મોરડીયા, સંગીતાબેન પાટીલ, કાંતિભાઈ બલર, મુકેશભાઈ પટેલ, ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા કલેકટરશ્રી તેજસ પરમાર, મ્યુ. કમિશનર રાજકુમાર બેનિવાલ, પો.કમિશનર વાબાંગ જમીર, ડે. મેયર ડો.સુધાકર ચૌધરી, સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ, શાસક પક્ષ નેતા અલ્પાબેન મહેતા, દંડક ઉર્મિલાબેન ત્રિપાઠી, જિલ્લા સંગઠન પ્રમુખશ્રી ભરતભાઈ રાઠોડ, મનપાની વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ તથા મ્યુ.સભ્યો, પદ્મશ્રી કનુભાઈ ટેલર, પદાધિકારીઓ, કોર્પોરેટરો, ઉદ્યોગકારો, સમાજસેવીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મશાલ સાથે તૈયાર કરવામાં આવેલ ‘સેવા જ્યોતિ રથ’નું ત્રણ રૂટ પર પરિભ્રમણ
બેન્ડ-વાજાની સુરાવલિઓ અને વિવિધ સરકારી યોજનાઓના પ્લેકાર્ડ સાથે વિવિધ સામાજિક સંસ્થાઓ, મંડળો, ઉદ્યોગ એસોસિએશનો, સહકારી સંસ્થાઓ, ઉદ્યોગગૃહો, શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ તથા શહેરીજનો મોટી સંખ્યામાં આ ‘સેવા જ્યોતિ પદયાત્રામાં હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
* વાય જંક્શનથી રાહુલરાજ મોલ સુધીની યાત્રામાં સુરત ઉત્તર, કતારગામ, સુરત પશ્ચિમ, ઓલપાડ, સુરત પૂર્વ અને મજુરા વિધાનસભાના જનપ્રતિનિધિઓ જોડાયા હતા
* વાય જંક્શનથી સોમેશ્વર જંક્શન સુધીની યાત્રામાં કરંજ, વરાછા, કામરેજ, ઉધના, ચોર્યાસી અને લિંબાયત વિધાનસભાના જનપ્રતિનિધિઓ જોડાયા હતા
* વાય જંક્શનથી ONGC જંક્શન સુધીની યાત્રામાં ગ્રામ્ય વિધાનસભાના જનપ્રતિનિધિઓ જોડાયા હતા



