દેશ

કુદરતનો કહેર! પૂરમાં વહી ગયા 1200 ગેસ સિલિન્ડર

કુદરતનો કહેર! પૂરમાં વહી ગયા 1200 ગેસ સિલિન્ડર
મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂરે કેવો કોહરામ મચાવ્યો છે, તેની એક ભયાનક અને આશ્ચર્યજનક તસવીર રાયગઢથી સામે આવી છે. અહીં ભારે વરસાદ વચ્ચે અચાનક આવેલા પૂરમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) ના આશરે 1200 ગેસ સિલિન્ડર રમકડાની જેમ પાણીમાં તણાઈ ગયા હતા. સદનસીબે આ તમામ સિલિન્ડર ખાલી હતા, નહીં તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં લાલ રંગના સિલિન્ડર પાણીના જોરદાર પ્રવાહમાં તરતા જોવા મળી રહ્યા છે.
આ ઘટના રાયગઢ જિલ્લાના ખાલાપુર તાલુકામાં આવેલા ચાવણે વિસ્તારની છે. અહીં સતત મૂસળધાર વરસાદ પડી રહ્યો છે. આ વરસાદના કારણે પહાડી વિસ્તારોમાંથી નીકળતા નાળાઓનું જળસ્તર અચાનક જોખમી રીતે વધી ગયું હતું. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે તે સીધો જ ચાવણે સ્થિત HPCL ના ગેસ રિફિલિંગ પ્લાન્ટમાં ઘૂસી ગયો હતો.
પ્લાન્ટની અંદર ગેસ રિફિલિંગ માટે આશરે 1200 ખાલી સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. પૂરના પાણી એટલી ઝડપે અંદર આવ્યા કે કર્મચારીઓને કંઈપણ વિચારવાનો કે સંભાળવાનો મોકો જ ન મળ્યો. જોતજોતામાં પાણીના તેજ પ્રવાહમાં આ ભારેખમ સિલિન્ડરો કાગળની હોડીની જેમ વહેવા લાગ્યા. કર્મચારીઓએ તેમને રોકવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ કુદરતના આ પ્રકોપ સામે તેઓ તદ્દન લાચાર દેખાયા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button