ગુજરાત

મોખામાળ ગામ નજીક ખાનગી જીપ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મુસાફરો પ્રત્યે ડાંગ જિલ્લા વહીવટી તંત્રનો સંવેદનશીલ અભિગમ

મોખામાળ ગામ નજીક ખાનગી જીપ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મુસાફરો પ્રત્યે ડાંગ જિલ્લા વહીવટી તંત્રનો સંવેદનશીલ અભિગમ


ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના મોખામાળ ગામ નજીક આજે બપોરે એક ખાનગી જીપને અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં જ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઇ ગામીત, સુબીર પોલીસ તેમજ અન્ય વહીવટી કર્મચારીઓએ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્ત મુસાફરોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તંત્ર તરફથી સંવેદનશીલ અભિગમ દાખવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, આજે તા. ૦૮/૦૭/૨૦૨૬ના રોજ બપોરના સમયે સુબીર હાટ બજારમાંથી જામન્યામાળ જઈ રહેલી એક ખાનગી જીપને મોખામાળ ફાટક પાસે અકસ્માત નડ્યો હતો. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને આ ઘટના અંગેની માહિતી મળતા જ તંત્ર તુરંત એક્શનમાં આવ્યું હતું. પ્રાથમિક તપાસ અનુસાર જીપમાં અંદાજે ૧૧ મુસાફરો સવાર હતા, જે તમામને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. જેમાં ત્રણ મુસાફરોની હાલત વધુ ગંભીર હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સુબીર સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા ૩ વ્યક્તિઓને વધુ સારવાર માટે ૧૦૮ ઇમર્જન્સી સેવા મારફત આહવા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.
આ અકસ્માતની જાણ થતાં જ સુબીર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઇ ગામીત અને સુબીર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઇ પવાર પણ અકસ્માતના સમાચાર મળતા જ સુબીર હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમણે ઇજાગ્રસ્તો અને તેમના પરિજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી તેમજ યોગ્ય સારવાર મળી રહે તે માટે તબીબોને જરૂરી સૂચનાઓ આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button