અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૫ મું અંગદાન, ૫૪ વર્ષના જયંતિભાઇ પ્રજાપતિ બ્રેઇનડેડ થતાં સ્વજનોએ અંગદાન કરી ત્રણ લોકોને નવજીવન બક્ષ્યું
ખેડા જિલ્લાના માતર તાલુકાના નાંદોલી ગામમાં અંગદાનની મ્હેક પ્રસરી
બે કિડની અને એક લીવરનું દાન મળ્યું.
હોસ્પિટલની ટીમ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલિપ દેશમુખ (દાદા) એ સ્વજનોને અંગદાન માટે પ્રેરણા આપી
અંગદાન માટે સમજાવટ, સંમતિ, કાઉન્સેલિંગ પ્રથમ પગથિયું -ડૉ. રાકેશ જોષી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૫ મું અંગદાન થયું.ખેડા જિલ્લાના માતર તાલુકાના નાંદોલી ગામના વતની શ્રી જયંતિભાઈ પ્રજાપતિને ૫ મી ઓગષ્ટે માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી.
જયંતિભાઇની તબીયત વધું ગંભીર બનતાં તેમને સઘન સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા.
સિવિલ હોસ્પિટલના તબીબોની ચાર દિવસની મહેનતના અંતે પ્રભુને ગમ્યું એ જ થયું.
તબીબો દ્વારા જયંતિભાઇને બ્રેઇનડેડ જાહેર કરાયા.
બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ હોસ્પિટલના કાઉન્સેલર્સ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલિપ દેશમુખ (દાદા)એ પ્રજાપતિ પરિવારને અંગદાન માટે પ્રેરણા આપી.
તેઓએ સમગ્ર પરિજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું.સાથે સાથે આ ઉમદા કાર્યથી પીડિતને નવજીવન મળે છે તે ભાવ સમજાવ્યો.
જેનું પરિણામ એ મળ્યું કે, પરિવારજનો અંગદાન માટે સંમત થયા. તેમણે એકજૂટ થઈને અંગદાનનો નિર્ણય કર્યો.
બ્રેઇનડેડ જયંતિભાઇને સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા. છ થી સાત કલાકની ભારે જહેમતના અંતે ૨ કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. જેને અન્ય દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા.
સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોશીએ કહ્યું કે, સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર્સની ટીમ સાથે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલિપ દેશમુખ (દાદા)ની પણ બ્રેઇનડેડ વ્યક્તિઓના સ્વજનોને અંગદાન માટે પ્રેરિત કરવામાં અહમ્ ભૂમિકા રહી છે. ઘણા કિસ્સામાં દાદા એ સ્વજનોના નિવાસ સ્થાને તેમજ લાંબા અંતર ખેડીને તેમના ગામડામાં કે અન્ય શહેરમાં જઈને પણ અંગદાન માટે પ્રેરિત કર્યા છે. જેના પરિણામે ઘણાં પરિજનોએ અંગદાન માટે પ્રેરાઇને સ્વજનના અંગદાન કરવાની સંમતિ પણ આપી છે.અંગદાન માટે સમજાવટ, સંમતિ એ પ્રથમ પગથિયું છે તેમ ડૉ જોષી ઉમેરે છે.