વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવ્યાપી ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનું આહવાન કર્યુ છે
મારી માટી મારો દેશ’ અભિયાનનો ઓલપાડ તાલુકાની સરકારી શાળાઓ સહિત ગામોમાં ભવ્ય શુભારંભ
ભારત દેશની આઝાદીનાં અમૃતકાળને યાદગાર બનાવવા ઉપરાંત દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીર શહીદોને ભાવપૂર્વક સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવ્યાપી ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનું આહવાન કર્યુ છે. જે અંતર્ગત આજનાં શુભારંભે ઓલપાડ તાલુકાનાં કુદિયાણા, રાજનગર, પારડીઝાંખરી સહિતનાં ગામોની 48 પ્રાથમિક શાળાઓમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન હેઠળ સમગ્ર દેશ અને રાજ્યને સમાંતર વિશેષ કાર્યક્રમો પૈકી વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા ઉપરાંત વારલી પેઇન્ટિંગ, પંચપ્રણ પ્રતિજ્ઞા, સૂત્રોચ્ચાર જેવાં કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
અભિયાન વિશે વધુ માહિતી આપતાં ઓલપાડનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે દેશભરમાં તા. 9 થી 30 ઓગષ્ટ દરમિયાન ચાલનારા આ અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જે અભિયાન હેઠળ મુખ્ય પાંચ થીમ આધારિત સ્થાનિક કાર્યક્રમો જેવાંકે ગામોમાં વીર શહીદોનાં નામ સાથેની શિલાફલકમનું અનાવરણ, નાગરિકો દ્વારા પંચપ્રણ પ્રતિજ્ઞા લઇ સેલ્ફી અપલોડ, વસુધા વંદન કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ, સ્થાનિક પરંપરા અને રીવાજો અનુસાર વીરોને વંદન તથા રાષ્ટ્રગાનનો આજરોજ ભવ્ય શુભારંભ થયેલ છે. સદર કાર્યક્રમમાં શાળાનાં બાળકો, શિક્ષક ભાઈ-બહેનો, શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો સહિત જે તે ગામનાં સરપંચ, ગ્રામ, તાલુકા તથા જિલ્લા પંચાયત સભ્યો ઉપરાંત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
આપણી માતૃભૂમિની માટી સાથે આપણા સૌનો અતૂટ સંબંધ રહેલો છે માટી જ આપણને એકબીજા સાથે સાંકળે છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષની ઉજવણીની થીમ પણ માટી સાથે જ સંકળાયેલી છે. ત્યારે ‘મારી માટી, મારો દેશ’ થીમ અંતર્ગત ‘માટીને વંદન, વીરોને વંદન’ ટેગલાઈન સાથે શાળા કક્ષાએ તેનાં તા.9 થી 15 સુધીનાં નિયત કાર્યક્રમની ઉજવણીનો બાળકોમાં મારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.