પુણામાં પુજા સામગ્રી સાથે કેનાલમાં ફેંકાઈ ગયા ₹2 લાખ, ફાયર ટીમે કાઢ્યા

પુણામાં પુજા સામગ્રી સાથે કેનાલમાં ફેંકાઈ ગયા ₹2 લાખ, ફાયર ટીમે કાઢ્યા
પુણા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પુજા સામગ્રી સાથે પરીવારજનો ભૂલથી ₹2 લાખની રોકડ રકમ કેનાલના પાણીમાં વહાવી બેઠા હતા. ઘરે પહોંચ્યા બાદ તિજોરી તપાસતા આ બાબતનો ખ્યાલ આવતા પરિવારજનોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. ત્યારબાદ તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ પુણાગામ રોડ પર આવેલી નિજાનંદ સોસાયટીમાં રહેતા લિંબા પરિવારના ઘરે પુજાવિધિ યોજાઈ હતી. પુજા પૂર્ણ થયા બાદ સામગ્રીને પ્લાસ્ટિકની થેલીમાં ભરી શુક્રવારે સાંજે પુણા રોડ પર અમેઝિયા ટાવર નજીક આવેલી કેનાલમાં પધરાવી દેવામાં આવી હતી. ત્યારબાદ પરિવારજનો ઘરે પરત ફર્યા હતા. ઘરે પહોંચ્યા બાદ તિજોરી તપાસતા પરિવારજનોને ખ્યાલ આવ્યો કે ફૂલ અને પુજા સામગ્રી સાથે ભૂલથી ₹2 લાખની રોકડ રકમ પણ થેલીમાં જતી રહી હતી. આ જાણ થતા પરિવારજનો તાત્કાલિક કેનાલ પાસે દોડી આવ્યા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જાણ મળતા જ ડુંભાલ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. ડુંભાલ ફાયર સ્ટેશનના ફાયર સબ ઓફિસર સુનિલ ચૌઘરીના માર્ગદર્શન હેઠળ જવાનોની ટીમ કેનાલમાં ઉતરીને શોધખોળ શરૂ કરી હતી. ભારે મહેનત બાદ પાણીમાંથી ₹500ની નોટના ચાર બંડલ મળી આવ્યા હતા. ફાયર બ્રિગેડની આ કામગીરીથી પરિવારજનોને મોટી રાહત મળી હતી.



