સ્પોર્ટ્સ

‘નમન ડાભી’ ગુજરાત ક્રિકેટનો ઉગતો સિતારો, ગુર્જર સમાજનું વધાર્યું ગૌરવ 

‘નમન ડાભી’ ગુજરાત ક્રિકેટનો ઉગતો સિતારો, ગુર્જર સમાજનું વધાર્યું ગૌરવ 
– સમાજ અગ્રણી હરિશભાઈ ગુર્જરે વ્યક્ત કર્યો ગર્વ, ઉજ્જ્વળ ભવિષ્ય માટે પાઠવી શુભેચ્છાઓ
સુરત : અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પીપળવા ગામના વતની અને બાબરામાં જન્મેલા પ્રતિભાશાળી યુવા ક્રિકેટર નમન ડાભી પોતાના અદભૂત રમતગમતના પ્રદર્શન, અથાગ મહેનત અને અનુશાસિત જીવનશૈલીના બળ પર ક્રિકેટ જગતમાં સતત નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે. તેમની સફળતાઓથી સમગ્ર ગુર્જર સમાજ સહિત અમરેલી જિલ્લાનું ગૌરવ વધ્યું છે.
સુરતના જાણીતા સમાજસેવક તથા ગુર્જર સમાજના અગ્રણી હરિશભાઈ ગુર્જરે જણાવ્યું હતું કે નમન ડાભી જેવી પ્રતિભાઓ સમાજ માટે ગૌરવ સમાન છે. યુવાનોને રમતગમતમાં આગળ વધવા માટે પ્રેરણા આપતા આવા ખેલાડીઓનું સન્માન અને પ્રોત્સાહન જરૂરી છે. નમનની સતત મહેનત અને સિદ્ધિઓ અન્ય યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે.
તાજેતરમાં રાજસ્થાનના ઉદયપુર ખાતે યોજાયેલા અંડર-19 વનડે ક્રિકેટ ટૂર્નામેન્ટ-2026માં નમન ડાભીએ શાનદાર બેટિંગ સાથે સફળ કેપ્ટનશિપનું પણ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. સમગ્ર ટૂર્નામેન્ટમાં તેમના ઉત્કૃષ્ટ દેખાવ બદલ તેમને ‘બેસ્ટ બેટ્સમેન’ અને ‘બેસ્ટ કેપ્ટન’ જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ અગાઉ યોજાયેલા ગોવા અંડર-19 ક્રિકેટ ટૂર્નામેન્ટ તેમજ પંજાબ અંડર-19 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પણ તેમની શાનદાર બેટિંગ બદલ *’બેસ્ટ બેટ્સમેન’*નો એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
વર્ષ 2025-26 દરમિયાન લિસ્ટ-એ ક્રિકેટમાં નમન ડાભીએ માત્ર આઠ ઇનિંગ્સમાં 729 રન બનાવી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. આ દરમિયાન તેમનો સરેરાશ 104.14 રહ્યો હતો. તેમની યાદગાર ઇનિંગ્સમાં 136 (105), 119 (73), 116 (56), 99 (33), 94 (64), 82 (55), 60 (29) તથા 23 (12) રનનો સમાવેશ થાય છે. સતત મોટી ઇનિંગ્સ રમવાની તેમની ક્ષમતા તેમના ઉજ્જ્વળ ક્રિકેટ ભવિષ્યનો સ્પષ્ટ સંકેત આપે છે.
બાળપણથી જ ક્રિકેટ પ્રત્યે વિશેષ લગાવ ધરાવતા નમન ડાભી નિયમિત પ્રેક્ટિસ, કઠોર પરિશ્રમ અને સમર્પણના બળ પર સફળતાના નવા શિખરો સર કરી રહ્યા છે. તેમની સિદ્ધિઓથી તેમના પરિવાર, પીપળવા ગામ, બાબરા વિસ્તાર તથા સમગ્ર અમરેલી જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે.
હરિશભાઈ ગુર્જરે નમન ડાભીને હાર્દિક અભિનંદન પાઠવતાં જણાવ્યું કે આવનારા સમયમાં તેઓ ગુજરાત રાજ્ય તેમજ ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરીને દેશનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ગૌરવપૂર્ણ બનાવશે તેવી સમાજને પૂર્ણ આશા છે. તેમણે નમનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
0000

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button