ધર્મ દર્શન

સાધલીમાં કોમી એકતાના દર્શન: મોહરમના પર્વે મુસ્લિમ બિરાદરો દ્વારા તમામ લોકોને બદામ શેક અને ફ્રુટ સલાડ પીવડાવાયું

સાધલીમાં કોમી એકતાના દર્શન: મોહરમના પર્વે મુસ્લિમ બિરાદરો દ્વારા તમામ લોકોને બદામ શેક અને ફ્રુટ સલાડ પીવડાવાયું
શિનોર : વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી મુકામે આજે મોહરમ (તાજીયા) ના પવિત્ર દિવસે નાત-જાતના ભેદભાવ વિના, અદભુત કોમી એખલાસ સાથે તમામ લોકોને બદામ શેક તથા ફ્રુટ સલાડ પીવડાવીને ઇમામ હુસેનની કુરબાનીને યાદ કરવામાં આવી હતી.
શહીદે કરબલાનું વિશેષ બયાન અને નમાજ
સાધલી મદીના મસ્જિદમાં છેલ્લા દસ દિવસથી અલગ-અલગ મૌલાનાઓ દ્વારા ઇમામ હુસેનની કુરબાની અને શહીદે કરબલા વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. કતલની રાત્રે મૌલાના ઐયુબ કાદરી તથા મૌલાના મુબારક હાફેજી દ્વારા શહીદે કરબલાનું વિશેષ બયાન કરવામાં આવ્યું હતું. આ વર્ષે મોહરમનો પર્વ અને શુક્રવાર (જુમ્મા) નો સમન્વય થતાં મુસ્લિમ સમાજ દ્વારા વિશેષ નમાજ પણ અદા કરવામાં આવી હતી.
સેવાકાર્ય: ધોખધખતા તાપમાં ૨૫૦ લીટર બદામ શેકનું વિતરણ
મુસ્લિમ કમિટી દ્વારા છેલ્લા ૩૦ દિવસથી બસ સ્ટેન્ડ તથા ભગવાન બિરસા મુંડા સર્કલ ખાતે પીવાના પાણીની પરબો શરૂ કરવામાં આવી હતી. આજે પર્વના દિવસે ધોખધખતા તાપ વચ્ચે સરદાર નગરના મુસ્લિમ યુવાનો દ્વારા ભગવાન બિરસા મુંડા સર્કલ પાસેથી પસાર થતા તમામ વાહનચાલકો, એસ.ટી. બસના મુસાફરો અને રાહદારીઓને અંદાજે ૨૫૦ લીટરથી વધુ બદામ શેકનું રસપાન કરાવવામાં આવ્યું હતું. તેવી જ રીતે, બસ સ્ટેન્ડ ખાતે પણ યુવાનો દ્વારા અવિરત ફ્રુટ સલાડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભવ્ય ચાંદીના તાજીયા અને શાંતિપૂર્ણ માહોલ
“આજરોજ ઇમામ હુસેનની કુરબાનીને યાદ કરતા મુસ્લિમ સમાજે ઈમાનદારી અને એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પર્વ સત્ય, ન્યાય અને બલિદાનનો સંદેશ આપે છે.”
બસ સ્ટેન્ડ ઉપર મુકાયેલા વિશેષ ચાંદીના નયનરમ્ય તાજીયાના દર્શન કરવા વહેલી સવારથી જ લોકો ઉમટી પડ્યા હતા. લોકોએ ફૂલહાર, શ્રીફળ ચઢાવી અને પોતાની બાધા-આખડી પૂરી કરીને પૂજા અર્ચના કરી હતી.
સમગ્ર સાધલી પંથકમાં મોહરમનો આ તહેવાર અત્યંત શાંતિપૂર્ણ અને કોમી એખલાસના વાતાવરણમાં સંપન્ન થયો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે શિનોર પોલીસ દ્વારા ચુસ્ત અને પ્રશંસનીય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button