ગુજરાત

ગુજરાત મેરીટાઇમ બોર્ડ-સુરત અને અદાણી હજીરા પોર્ટના સંયુક્ત ઉપક્રમે હવાઈ ડ્રોન હુમલા કવાયતની ‘મોકડ્રીલ’ યોજાઈ

ગુજરાત મેરીટાઇમ બોર્ડ-સુરત અને અદાણી હજીરા પોર્ટના સંયુક્ત ઉપક્રમે હવાઈ ડ્રોન હુમલા કવાયતની ‘મોકડ્રીલ’ યોજાઈ
‘હવાઈ ડ્રોન હુમલા’ સામે સુરક્ષા સજ્જતા ચકાસવા મોકડ્રીલ
હજીરા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી વર્તમાન સમયમાં વધતા જતા ટેકનિકલ સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને ગુજરાત મેરીટાઇમ બોર્ડ-સુરત (GMB) અને અદાણી હજીરા પોર્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે અદાણી હજીરા પોર્ટ-હજીરા ઉપર ‘ડ્રોન હુમલા’ની સફળ મોકડ્રીલ યોજાઈ હતી.
અદાણી હજીરા પોર્ટ ઉપર બપોરે ૧૨.૧૦ કલાકે અજાણ્યા શંકાસ્પદ ડ્રોન દ્વારા લિક્વિડ જેટી અને લિક્વિડ ટર્મિનલ પર હવાઈ ડ્રોન હુમલો થયો હતો. કવાયતની શરૂઆત ઓન-સાઈટ ઈમરજન્સી તરીકે થઈ હતી. સતર્કતાના ભાગરૂપે કાર્ગો હેન્ડલિંગ, શિપ મૂવમેન્ટ અને ક્રેન ઓપરેશન તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાઈ હતી. પોર્ટ સિક્યુરિટી યુનિટ્સ, CISF અને મરીન પોલીસ ‘હાઈ એલર્ટ’ થઈ પોર્ટ પરના તમામ કર્મચારીઓને સુરક્ષિત સ્થાને ખસી જવા સૂચના આપી હતી. ત્યારબાદ કેમિકલ કાર્ગો જહાજ અને તેની સાથે જોડાયેલા ટેન્ક ફાર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ડ્રોન હુમલાની કવાયત થઈ હતી. આ હુમલાને કારણે ‘હેવી એરોમેટિક કેમિકલ’ સાથે સંબંધિત જોખમી સ્થિતિ સર્જાઈ હતી. ઈમરજન્સી પ્રોટોકોલ ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ મ્યુચ્યુઅલ એઇડ ટીમોને જવાબદારી સોંપાઈ હતી, જેના દ્વારા સ્થાનિક અને જિલ્લા સ્તરે વિવિધ એજન્સીઓ વચ્ચેના તાલમેલ અને પ્રતિસાદની અસરકારકતાની ચકાસણી કરાઈ હતી.
સમગ્ર મોકડ્રીલની પ્રક્રિયા અદાણી હજીરા પોર્ટ લિ.ના ચીફ ઓપરેટિંગ ઓફિસર પંકજ ઉકેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં સુરત જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપદ હેઠળના ડિસ્ટ્રિક્ટ ક્રાઈસિસ ગ્રુપ (DCG), લોકલ ક્રાઈસિસ ગ્રુપ (LCG), ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) અને મ્યુચ્યુઅલ એઇડ ગ્રુપ-હજીરાના માર્ગદર્શનમાં સુરત પોલીસ કમિશનર કચેરી, રાજ્ય સરકારના ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય નિયામક (DISH), ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને અન્ય જિલ્લા સ્તરીય આપત્તિ વ્યવસ્થાપનના અધિકારીઓ સહભાગી બન્યા હતા.
મોકડ્રીલમાં હજીરા વિસ્તારની ‘મ્યુચ્યુઅલ એઇડ’ ઇન્ડસ્ટ્રીઝ જેવી કે શેલ, AM/NS, ક્રિભકો, NTPC, રિલાયન્સ, ONGC, GAIL અને હજીરા નોટિફાઇડ ઓથોરિટીના પ્રતિનિધિઓ સહભાગી બન્યા હતા.
અદાણી હજીરા પોર્ટ લિ., સરકારી વિભાગો અને સ્થાનિક કંપનીઓએ સાથે મળીને આપત્તિ સામે લડવાની ક્ષમતા, સજ્જતા અને સામુદાયિક સુરક્ષાને મજબૂત બનાવવા અભ્યાસ કર્યો હતો. જે ઈમરજન્સી મેનેજમેન્ટ અને જવાબદાર પોર્ટ કામગીરીમાં મદદરૂપ બનશે. મોકડ્રીલમાં જી.એમ.બી (GMB) પોર્ટ ઓફિસર અમિત કુમાર, અદાણી હજીરા પોર્ટના હેલ્થ, સેફ્ટી અને પર્યાવરણ વિભાગના હેડ આદિત્ય અભિષેક પાંડે, લિક્વિડ ટર્મિનલ હેડ ગૌરાંગ ચુડાસમા, મામલદાર ચોર્યાસી નિરવ પરિતોષ, અદાણી હજીરા પોર્ટ સિક્યુરિટી ટીમ, સ્થાનિક પોલીસ, મરીન પોલીસ અને ફાયર વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે, સમગ્ર મોકડ્રીલનું વિશ્લેષણ કરી સુરક્ષા પ્રોટોકોલમાં વધુ સુધારા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button