ઉધનામાં રિક્ષાની ચોરી કરનાર ‘મામા’ અને ‘લાલા’ની જોડીને પોલીસે દબોચી લીધી

ઉધનામાં રિક્ષાની ચોરી કરનાર ‘મામા’ અને ‘લાલા’ની જોડીને પોલીસે દબોચી લીધી
મસ્તાનનગર પાસેથી ચોરાયેલી ₹૩૫,૦૦૦ની રિક્ષા સાથે બે રીઢા તસ્કરો ઝડપાયા; સીસીટીવી ફૂટેજથી ભેદ ઉકેલાયો
સુરત : શહેરના ઉધના વિસ્તારમાં જાહેર રોડ પર પાર્ક કરેલી ઓટો રિક્ષાની ચોરી કરનાર બે શખ્સોને ઉધના પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલી ₹૩૫,૦૦૦ની મત્તાની રિક્ષા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉધના મસ્તાનનગરની સામે આવેલા જાહેર રોડ પર ગત તા. ૨૫/૦૩/૨૦૨૬ થી ૨૬/૦૩/૨૦૨૬ દરમિયાન એક ફરિયાદીએ પોતાની કાળા અને પીળા રંગની બજાજ કંપનીની ઓટો રિક્ષા (નંબર: GJ-05-ZZ-3285) પાર્ક કરી હતી. કોઈ અજાણ્યા તસ્કરો ડુપ્લીકેટ ચાવીથી અથવા લોક તોડીને આ રિક્ષા ચોરી ગયા હતા. આ અંગે ઉધના પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌત અને ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ઉધના પી.આઈ. એસ.એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ અને બાતમીદારો (હ્યુમન સોર્સિસ) ના આધારે બે શંકાસ્પદ શખ્સોને ચોરીની રિક્ષા સાથે પકડી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓ:
૧. સાહિલ ઉર્ફે મામા રફીક શેખ (ઉ.વ. ૨૯): રહે. મસ્તાનનગર, ઉધના (મૂળ રહે. જલગાંવ, મહારાષ્ટ્ર)
૨. શાહરૂખ ઉર્ફે લાલા રઝાક પટેલ (ઉ.વ. ૩૪): રહે. મસ્તાનનગર, ઉધના
પોલીસે આરોપીઓ પાસેથી ₹૩૫,૦૦૦ની કિંમતની ચોરાયેલી રિક્ષા કબજે કરી છે. આ સફળ કામગીરીમાં પી.એસ.આઈ. એમ.કે. ઈશરાણી, એચ.ઝેડ. પટેલ અને ઉધના સર્વેલન્સ ટીમનો મહત્વનો ફાળો રહ્યો છે.



