સુરતની PM SHRI મહારાણા પ્રતાપ શાળામાં ભવ્ય વાલી સંમેલન યોજાયું: ૮૦૦થી વધુ વાલીઓની ઉત્સાહપૂર્ણ ઉપસ્થિતિ

સુરતની PM SHRI મહારાણા પ્રતાપ શાળામાં ભવ્ય વાલી સંમેલન યોજાયું: ૮૦૦થી વધુ વાલીઓની ઉત્સાહપૂર્ણ ઉપસ્થિતિ
“વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળા અને વાલીઓનો સહિયારો પ્રયાસ જરૂરી” – આચાર્ય શ્રી મિતેશભાઈ પ્રજાપતિ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત PM SHRI મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક -૨૭૨, નાના વરાછા ખાતે ધોરણ ૬થી ૮ના વાલીઓ માટે એક ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલીઓની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને તા. ૨૦-૦૬-૨૦૨૬, શનિવારના રોજ રાત્રે ૮:૩૦થી ૧૦:૩૦ દરમિયાન યોજાયેલા આ સંમેલનમાં ૮૦૦થી પણ વધુ વાલીઓએ ભારે ઉત્સાહ સાથે હાજરી આપી હતી.
શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈ પ્રજાપતિએ શાળાની વહીવટી બાબતો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે સુંદર માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે વાલીઓનો સાથ-સહકાર અનિવાર્ય છે. આપ સૌના વિશ્વાસ અને શિક્ષકોની નિષ્ઠાપૂર્વકની મહેનતને કારણે જ આપણી શાળાએ શિક્ષણ જગતમાં ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાળામાં પ્રવેશ મેળવવા માટે વહેલી સવારે ત્રણ વાગ્યાથી વાલીઓની લાઇન લાગે છે, તે જ આ શાળાની લોકપ્રિયતા અને ગુણવત્તાની સાબિતી છે.”
આ પ્રસંગે શાળાના શિક્ષક શ્રી રાજેશકુમાર ધામેલિયાએ આધુનિક શિક્ષણ પદ્ધતિ પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે, “વર્તમાન સમયમાં શિક્ષણનું સ્વરૂપ બદલાયું છે. અગાઉ માત્ર યાદશક્તિનું મહત્ત્વ હતું, જ્યારે હવે વિદ્યાર્થીઓની વિચારશક્તિ, તર્કશક્તિ, સમજણ અને નિર્ણયશક્તિ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. આજના વિદ્યાર્થીઓએ વૈશ્વિક સ્તરની સ્પર્ધાનો સામનો કરવાનો છે. આ સ્થિતિમાં વાલીઓ નિયમિત સમય ફાળવીને બાળકોનું ગૃહકાર્ય તપાસે અને તેમની સાથે સંવાદ કરે તે ખૂબ જરૂરી છે.”
કાર્યક્રમ દરમિયાન આચાર્યશ્રીએ ધોરણ ૬થી ૮ના સમર્પિત અને કર્મનિષ્ઠ શિક્ષકોનો પરિચય કરાવ્યો હતો, જેમાં રેખાબહેન વસોયા, નયનાબહેન લાઠિયા, ગિરીશભાઈ ગોધાણી, મુકેશભાઈ પ્રજાપતિ, રાજેશકુમાર ધામેલિયા, વિજયભાઈ માણિયા, હર્ષાબહેન પોપટ, જયેશભાઈ ગોરસિયા, સંગીતાબહેન પટેલ, અલ્પેશભાઈ સાવલિયા, હર્ષાબહેન ભીમાણી, હરસુખભાઈ રામોલિયા, નિલેશભાઈ સંઘાણી, ચમનભાઈ ચોપડા અને જયશ્રીબહેન કાથરોટિયાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, શાળાના મહામંત્રી ટાંક દેવાંશુએ ‘વિદ્યાર્થીના ઘડતરમાં વાલીનું મહત્ત્વ’ વિષય પર પોતાની આગવી અને પ્રભાવશાળી શૈલીમાં અસરકારક રજૂઆત કરી હતી. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.



