ગુજરાત

શિનોરના સીમળી ગામે યોજાયેલ ‘પીએમ કિસાન ઉત્સવ’માં વહીવટી તંત્રની મોટી બેદરકારી: આમંત્રિત સાંસદ-ધારાસભ્ય સહિતના મુખ્ય અતિથિઓ ગેરહાજર

શિનોરના સીમળી ગામે યોજાયેલ ‘પીએમ કિસાન ઉત્સવ’માં વહીવટી તંત્રની મોટી બેદરકારી: આમંત્રિત સાંસદ-ધારાસભ્ય સહિતના મુખ્ય અતિથિઓ ગેરહાજર
નિમંત્રણ પત્રિકામાં નામ હોવા છતાં વીઆઈપી મહેમાનો ન ડોકાયા, તંત્ર દ્વારા મિલેટ-કૃષિ મેળાનું આયોજન ન કરાતા ખેડૂતોમાં ભારે ચર્ચા
શિનોર : શિનોર તાલુકા વહીવટી તંત્રની ગંભીર ક્ષતિ અને અણઘડ આયોજન આજે સીમળી ગામે યોજાયેલા એક સરકારી કાર્યક્રમમાં છતી થઈ છે. તંત્ર દ્વારા આજે તારીખ ૨૦ જૂન ૨૦૨૬ના રોજ સીમળી મુકામે આવેલી પટેલ વાડીમાં ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ વહીવટી તંત્રની ક્ષતિના કારણે આ કાર્યક્રમ વિવાદમાં સપડાયો છે.
તાલુકા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમ માટે ડિજિટલ (ઈ-નિમંત્રણ) કાર્ડ પાઠવવામાં આવ્યા હતા. જેમાં ગરિમામયી ઉપસ્થિતિ તરીકે વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ જ્યોત્સનાબેન રબારી, જ્યારે અતિથિ વિશેષ તરીકે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, કરજણ-શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કમલેશભાઇ પટેલ તેમજ શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ હીનાબેન રોહિત અને ઉપપ્રમુખ પ્રિતેશ પટેલના નામો દર્શાવવામાં આવ્યા હતા. સામાન્ય રીતે સરકારી પ્રોટોકોલ મુજબ આવા વીઆઈપી મહેમાનોના નામ નક્કી કરતા પહેલાં તેમની લેખિત કે મૌખિક સંમતિ લેવામાં આવતી હોય છે. પરંતુ આજના કાર્યક્રમમાં આશ્ચર્યજનક રીતે માત્ર શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ હીનાબેન રોહિત અને ઉપપ્રમુખ પ્રિતેશ પટેલ જ હાજર રહ્યા હતા, જ્યારે બાકીના તમામ મોટા નેતાઓ અને પદાધિકારીઓ ગેરહાજર જણાતા વહીવટી તંત્રની પોલ ખુલી પડી ગઈ હતી.
પીએમ મોદીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ હતો
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને ‘પીએમ કિસાન સન્માન નિધિ યોજના’ અંતર્ગત ગુજરાત રાજ્યના ૫૧.૨૮ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂપિયા ૧,૦૨૫ કરોડથી વધુની રકમની સહાયનું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે વિતરણ કરવાના હતા. આટલા મહત્વના કાર્યક્રમમાં પણ વહીવટી તંત્ર સ્થાનિક નેતાઓ અને સાંસદ-ધારાસભ્યને લાવવામાં નિષ્ફળ રહ્યું હતું.
સ્થાનિક આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થયું
મુખ્ય મહેમાનોની ગેરહાજરી વચ્ચે આખરે કાર્યક્રમની ગરિમા જાળવવા માટે શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ હીનાબેન રોહિત, ઉપપ્રમુખ પ્રિતેશ પટેલ, કારોબારી ચેરમેન જીગ્નેશ પટેલ, તાલુકા પંચાયતના સદસ્યો અને સીમળી ગામના સરપંચ કનુભાઈના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે આજુબાજુના વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
મિલેટ મેળો/કૃષિ મેળો ગાયબ રહેતા ચર્ચા જાગી
સરકારની ગાઈડલાઈન મુજબ આ કાર્યક્રમની સાથે-સાથે ખેડૂતોના માર્ગદર્શન માટે ‘મિલેટ મેળો’ અથવા ‘કૃષિ મેળો’ પણ યોજવાનો હતો. પરંતુ શિનોર તાલુકા વહીવટી તંત્ર દ્વારા આવા કોઈ મેળાનું આયોજન કરવામાં આવ્યું નહોતું. આમ, એક તરફ મુખ્ય અતિથિઓની ગેરહાજરી અને બીજી તરફ કૃષિ મેળાનો ફિયાસ્કો થતાં, હાજર રહેલા ખેડૂતો અને જનતામાં વહીવટી તંત્રની બેદરકારી અંગે ભારે ચર્ચા જગાવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button