શિક્ષા

એસપીબી કોલેજના વિદ્યાર્થીઓની અદાણી પોર્ટની શૈક્ષણિક મુલાકાત

એસપીબી કોલેજના વિદ્યાર્થીઓની અદાણી પોર્ટની શૈક્ષણિક મુલાકાત
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લિશ મિડિયમ કોલેજ ઓફ કોમર્સ, સુરતના એન.એસ.એસ. યુનિટ દ્વારા તા. 08 જૂન, 2026ના રોજ ગુજરાત સરકારના ઉડાન પ્રોજેક્ટ અંતર્ગત હજીરા સ્થિત અદાણી પોર્ટ લિમિટેડ અને અદાણી વિલ્માર લિમિટેડની શૈક્ષણિક-ઔદ્યોગિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં એન.એસ.એસ.ના 49 સ્વયંસેવક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને બંદર વ્યવસ્થાપન, લોજિસ્ટિક્સ, કાર્ગો હેન્ડલિંગ, શિપિંગ પ્રક્રિયાઓ, ઉત્પાદન વ્યવસ્થા તેમજ આધુનિક ઔદ્યોગિક કાર્યપદ્ધતિ અંગે પ્રાયોગિક જ્ઞાન પ્રદાન કરવાનો હતો. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ અદાણી પોર્ટ ખાતે કન્ટેનર ટર્મિનલ, શિપ-ટુ-શોર ક્રેન્સ, કાર્ગો હેન્ડલિંગ સિસ્ટમ, ડ્રેજિંગ પ્રક્રિયા, કસ્ટમ્સ ક્લિયરન્સ અને સુરક્ષા વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત આધુનિક બંદર માળખું, આંતરરાષ્ટ્રીય વેપારમાં બંદરોની ભૂમિકા તથા દેશના આર્થિક વિકાસમાં પોર્ટ ક્ષેત્રના યોગદાન અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.ત્યારબાદ અદાણી વિલ્માર લિમિટેડ ખાતે વિદ્યાર્થીઓએ ખાદ્ય તેલ રિફાઇનિંગ, પેકેજિંગ, ગુણવત્તા નિયંત્રણ, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, વેરહાઉસિંગ તેમજ પર્યાવરણલક્ષી ઉત્પાદન પ્રક્રિયાઓનું અવલોકન કર્યું હતું. કંપની દ્વારા અપનાવવામાં આવતી આધુનિક ટેક્નોલોજી, સલામતીના ધોરણો અને ગુણવત્તા વ્યવસ્થાપન પદ્ધતિઓ અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે શ્રી નરેશભાઈ ચીકુલા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે પોર્ટ, લોજિસ્ટિક્સ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ઉપલબ્ધ કારકિર્દીની તકો, ઔદ્યોગિક સલામતી અને આધુનિક ઉદ્યોગોની કાર્યપદ્ધતિ અંગે ઉપયોગી માહિતી આપી હતી.આ શૈક્ષણિક મુલાકાત વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી સાબિત થઈ હતી. મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રાપ્ત થતા સૈદ્ધાંતિક જ્ઞાનને વાસ્તવિક ઔદ્યોગિક અનુભવ સાથે સાંકળવાની અનોખી તક પ્રાપ્ત થઈ હતી, જેના પરિણામે તેઓમાં લોજિસ્ટિક્સ, મેરીટાઈમ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર પ્રત્યે વધુ સમજ અને રસ વિકસ્યો હતો. કોલેજના ઈન્ચાર્જ આચાર્ય ડૉ. આશિષ પંડ્યાના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પ્રોગ્રામ અધિકારીઓ ડૉ. મિતાલી પટેલ અને ડૉ. પ્રતિક પસ્તાગિયાના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button