શિક્ષા

મહારાણા પ્રતાપ પ્રા. શાળા ક્ર. ૨૭૨માં ‘ભાષાસજ્જતા’ સેમિનાર યોજાયો : ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા

મહારાણા પ્રતાપ પ્રા. શાળા ક્ર. ૨૭૨માં ‘ભાષાસજ્જતા’ સેમિનાર યોજાયો : ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા
“જોડણી, અનુસ્વાર અને વિરામચિહ્નોની સમજ માટે દર અઠવાડિયે માત્ર એક તાસ ફાળવવામાં આવે તો પણ ભાષાશુદ્ધિનું અદ્ભુત પરિણામ મેળવી શકાય.” — રાજેશ ધામેલિયા
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ–સુરત સંચાલિત નાના વરાછા સ્થિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક–૨૭૨માં શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ધોરણ ૬થી ૮ના વિદ્યાર્થીઓ માટે વિશેષ ‘ભાષાસજ્જતા’ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓમાં માતૃભાષા પ્રત્યે અભિરુચિ વધે અને તેઓ લેખન-વાચનમાં વધુ સજ્જતા કેળવે તે હેતુથી ગત વર્ષે શાળામાં નિયમિત ભાષાસજ્જતા વર્ગો યોજાયા હતા. સેમિનારમાં તેના પુનરાવર્તન સ્વરૂપે વિદ્યાર્થીઓ પાસે વિવિધ વાક્યોનું શ્રુતલેખન કરાવી તેમની ભાષાકીય ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આધુનિક ટૅક્નૉલૉજીના ઉપયોગ સાથે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન (PPT) દ્વારા રસપ્રદ અને અસરકારક રીતે માહિતી રજૂ કરવામાં આવી હતી.
શ્રુતલેખન બાદ ડિજિટલ સ્ક્રીન પર ભૂલયુક્ત વાક્યો દર્શાવી વિદ્યાર્થીઓને જાતે જ ભૂલો શોધવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ અનુસ્વાર, હ્રસ્વ-દીર્ઘ તથા વિરામચિહ્નોની ઝીણામાં ઝીણી ભૂલો પણ સરળતાથી શોધી બતાવી હતી. તમામ વાક્યો સો ટકા સાચાં લખનારા વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવી બિરદાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજેશકુમાર ધામેલિયાએ જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓએ આજે જે ભાષાકીય સજ્જતા દર્શાવી છે તે પ્રશંસનીય છે. ગત વર્ષે શીખવેલા નિયમો તેમના મનમાં દૃઢપણે સ્થાપિત થયા હોવાનું તેના પરથી સ્પષ્ટ થાય છે. જો વિદ્યાર્થીઓને યોગ્ય પદ્ધતિ અને રસપ્રદ પ્રવૃત્તિઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે તો માતૃભાષાનું વ્યાકરણ ક્યારેય અઘરું લાગતું નથી. પ્રાથમિક સ્તરેથી જ જોડણી, અનુસ્વાર અને વિરામચિહ્નોની સમજ માટે અઠવાડિયામાં એક વિશેષ તાસ ફાળવવામાં આવે તો ભવિષ્યની પેઢીનું ભાષાકીય સ્તર વધુ ઉચ્ચ, સમૃદ્ધ અને પ્રભાવશાળી બની શકે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button