ગુજરાત

મહારાણા પ્રતાપ અને ઈશ્વર પેટલીકર શાળામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસભેર ઉજવણી

મહારાણા પ્રતાપ અને ઈશ્વર પેટલીકર શાળામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસભેર ઉજવણી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રા. શા. ક્ર. ૨૭૨ અને ઈશ્વર પેટલીકર શા. ક્ર. ૧૬, નાના વરાછા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ધ્વજવંદન તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય પર્વની ઉજવણીને લઈને વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તથા ઉપસ્થિત મહેમાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ શાળાના ગણવેશમાં તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ વિવિધ દેશભક્તિપૂર્ણ પરિધાનમાં સજ્જ થઈ સમયસર ઉપસ્થિત રહ્યા હતા. શાળાના સિનિયર શિક્ષક શ્રી હસમુખભાઈ ચૌહાણના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પધારેલા મહેમાનો તથા ઉપસ્થિત સૌનું શબ્દપુષ્પોથી સ્વાગત મહારાણા પ્રતાપ પ્રા. શા. ક્ર. ૨૭૨ના આચાર્ય શ્રી મિતેશભાઈ પ્રજાપતિએ કર્યું હતું. તેમણે પ્રેરણાદાયી વીડિયો દર્શાવીને પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. ઉપસ્થિત મહેમાનોનું પુસ્તક અર્પણ કરીને અભિવાદન પણ કરવામાં આવ્યું હતું.
બંને શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ સુંદર દેશભક્તિ ગીતો તથા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. બાળકલાકારોની સુંદર રજૂઆતને બિરદાવતાં શ્રી બાબુભાઈ વિરડિયા, મહારાણા પ્રતાપ પ્રા. શાળાનાં શિક્ષિકા શ્રીમતી ચંદ્રિકાબહેન લક્કડ, ન.પ્રા. શા. ક્ર. ૨૫૨, ૧૬ અને ૩૪૩ના શાળા પરિવારો તેમજ શાળા ક્ર. ૨૭૨ના વાલી શ્રી રાજુભાઈ માથુકિયાએ રોકડ પુરસ્કાર આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. દેશભક્તિ ગીત માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર સંગીત શિક્ષક શ્રી દિલીપભાઈ વડિયાનું તેમજ આ અવસરે પધારેલા ન.પ્રા. શા.ક્ર. 252ના આચાર્યશ્રી વિપુલભાઈ કાનાણી, ન.પ્રા. શા.ક્ર. 343ના આચાર્યશ્રી હિંમતભાઈ પંચાલનું પુસ્તક અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી બાબુભાઈ વિરડિયા તથા વિદ્યાર્થિની વઘાસિયા કૃશાલીએ પ્રાસંગિક વક્તવ્યો દ્વારા સ્વાતંત્ર્ય પર્વનું મહત્ત્વ સમજાવ્યું હતું. ઈશ્વર પેટલીકર કન્યા શાળાનાં આચાર્યા શ્રીમતી વૈશાલીબહેન સુતરિયાએ સમગ્ર કાર્યક્રમના અંતે આભારવિધિ કરી હતી. કાર્યક્રમનું સુંદર સંચાલન શિક્ષક શ્રી રાજેશકુમાર ધામેલિયાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાનો માહોલ છવાયેલો રહ્યો હતો. આ પ્રસંગે માનવંતા મહેમાનો, શિક્ષકો, વાલીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને હાલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રીય પર્વની ઉજવણીને ગૌરવપૂર્ણ બનાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button