ગુજરાત
પૂરની આપત્તિ સામે સુરતના અસરગ્રસ્ત વિસ્તારોને ફરી ધમધમતા કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની કવાયત

- પૂરની આપત્તિ સામે સુરતના અસરગ્રસ્ત વિસ્તારોને ફરી ધમધમતા કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની કવાયત
- મોડી રાત્રે સુરત જિલ્લાના તમામ સંકલન અધિકારીઓ, મહાનગરપાલિકા અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે નાયબ મુખ્યમંત્રી તાકીદની હાઈ-લેવલ સમીક્ષા બેઠક
- આપત્તિના ઓથારમાંથી સુરતને બેઠું કરવા યુદ્ધના ધોરણે રાહત અને સર્વેની કામગીરી શરૂ
- ૯,૧૦૦ થી વધુ પરિવારોનો ડોર-ટુ-ડોર સર્વે પૂર્ણ: ૮૦૦થી વધુ અસરગ્રસ્ત પરિવારોને રૂ. ૬,૮૦૦ લેખે ઘરવખરી અને કેશડોલની સહાય ચૂકવી દેવાઈ
- પાણી નિકાલ, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પર સર્વોચ્ચ ભાર: રોગચાળો ન ફેલાય તે માટે પ્રશાસન અને સુરત
- મહાનગરપાલિકાને તાત્કાલિક કાર્યવાહી કરવા નાયબ મુખ્યમંત્રીશ્રીના કડક આદેશ
ભારે વરસાદ અને પૂરની આપત્તિની પરિસ્થિતિમાં સુરત અને આસપાસના અસરગ્રસ્ત વિસ્તારો અને જનજીવનને રેકોર્ડબ્રેક સમયમાં પૂર્વવત કરવા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યુદ્ધના ધોરણે રાજ્ય સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. પૂરના પાણી ઓસર્યા પછીની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે સુરત કલેક્ટર કચેરીમાં સુરત જિલ્લાના તમામ સંકલન અધિકારીઓ, મહાનગરપાલિકા અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની હાઈ-લેવલ સમીક્ષા બેઠક યોજી રાહત કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.
આપત્તિના આ સમયમાં કોઈપણ પ્રકારની ઢીલાશ વગર નાયબ મુખ્યમંત્રીશ્રીએ મુખ્ય ત્રણ બાબતો; ભરાયેલા પાણીના યોગ્ય અને ત્વરિત નિકાલ, યુદ્ધના ધોરણે સાફસફાઈ અને નાગરિકોના સ્વાસ્થ્ય પર સર્વોચ્ચ ભાર મૂક્યો છે. પૂરના કારણે અસરગ્રસ્ત તમામ દુકાનો, વેપાર-રોજગાર અને સામાન્ય જનજીવનને આગામી ૪૮ થી ૭૨ કલાકની અંદર ધમધમતું કરવા માટે તંત્રને સ્પષ્ટ અને કડક આદેશ આપ્યા હતા.
૯૧૦૦ થી વધુ પરિવારોનો રેકોર્ડબ્રેક સર્વે અને રોકડ સહાય
બેઠક બાદ પ્રશાસનની કામગીરીની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક રાહત પહોંચાડવા માટે તંત્ર રાત-દિવસ કામગીરી કરી રહ્યું છે. અત્યાર સુધીમાં શહેરના અંદાજે ૯૧૦૦ જેટલા પરિવારોનો ડોર-ટુ-ડોર સર્વે સફળતાપૂર્વક પૂર્ણ કરી ૮૦૦ થી વધુ અસરગ્રસ્ત પરિવારોને રૂ. ૬,૮૦૦ લેખે ઘરવખરી અને કેશડોલ તેમના રૂબરૂમાં આપી દેવાઈ આવી છે. બાકી રહેલા તમામ પરિવારોને પણ આજે મોડી રાત સુધીમાં આ સહાય પહોંચાડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરી દેવાઈ છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, સુરત શહેરના ૫૮ જેટલા નાના-મોટા ગલી-મહોલ્લા અને કોમર્શિયલ વિસ્તારોમાં બજારો તથા દુકાનોને થયેલા નુકસાનનો સર્વે ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આગામી દિવસોમાં મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં આ સર્વેના આધારે સરકારી સહાય અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવશે. આવા સંજોગોમાં વેપારીઓને તાત્કાલિક આર્થિક મદદ મળી રહે તે હેતુથી સરકાર પ્રો-એક્ટિવ અભિગમ દાખવીને અગાઉથી જ ડેટા તૈયાર કરી રહ્યું છે.
જો કોઈ વિસ્તાર કે સોસાયટી ટેકનિકલ કારણોસર સર્વેમાંથી રહી ગઈ હોય, તો તેના માટે કલેક્ટર કચેરી ખાતે ખાસ ઇન્ચાર્જ અધિકારીની નિમણૂક કરીને હેલ્પલાઈન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે. નાગરિકોના ફોન આવતા જ ત્યાં સીધી ટીમ મોકલીને ત્વરિત સર્વે કરાવવામાં આવશે.
આપત્તિની આ ઘડીમાં મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં સમગ્ર સરકારી તંત્ર, પ્રશાસન અને કોર્પોરેશન રાત-દિવસ એક કરીને સુરતના નાગરિકોને સુરક્ષા અને સુવિધા આપવા કાર્યરત છે. ખૂબ જ ટૂંકા સમયમાં સુરત ફરી એકવાર અણનમ ઊભું થઈને દેશના વિકાસ એન્જિન તરીકે ધમધમતું થઈ જશે તેવો દ્રઢ વિશ્વાસ નાયબ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો છે.
0000



