અંબાજી મંદિરના પૂજારીએ સતત 51 વર્ષ માતાજીની સેવા અને પૂજા કરતાં મંડળે તેઓનું બહુમાન કર્યું

અંબાજી મંદિરના પૂજારીએ સતત 51 વર્ષ માતાજીની સેવા અને પૂજા કરતાં મંડળે તેઓનું બહુમાન કર્યું
આઠમનો માતાજીનો ગરબો ઉતારવાનો લાભ રૂપિયા 53 હજાર બોલીને બિરલા પરિવારે લીધો
શિનોર તાલુકાના સાધલી મુકામે પટેલ વાડી પાસે આવેલ અંબાજી માતાના મંદિરે તારીખ 19 ઓક્ટોબર આઠમના દિવસે ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જોસનાબેન રબારી તથા પ્રમુખ પતિ વસંતભાઈ રબારીએ માતાજીની આરતી ઉતારવાનો લાભ લીધો. ભાજપ પ્રમુખ સંકેત પટેલ તેઓની સાથે જોડાયા હતા. નવરાત્રી યુવક મંડળ દ્વારા મહેમાનોનું આતશબાજીની રમઝટ અને ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું. તથા મહેમાનોને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી.
જય અંબે શક્તિ મંડળ સાધલીના કર્તાહર્તા મુકેશભાઈ બીરલા દ્વારા મંદિરનું સંચાલન થાય છે. મંદિરના પુજારી વિજયભાઈ શુક્લ છેલ્લા 51 વર્ષથી અંબાજી માતાની સેવા અને પૂજા અર્ચના પ્રમાણિકતા અને શ્રદ્ધા સાથે કરે છે, તેઓનું મંડળ તરફથી બે પીતાંબર, બે ઝબ્બા ,બે ખેસ , અને સાલ તથા સન્માન પત્ર આપીને ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. સાથોસાથ માતાજીના પરમ ભક્ત નગીનભાઈ મોતીભાઈ પટેલ જેવો વર્ષોથી પોતાના ઘરે મા ખોડીયાર નો ગરબો મૂકે છે, અને નવરાત્રિના આઠમા નોરતે આ ગરબો લઈને મંદિરે લાવી માતાજીની આરાધના કરે છે, તેઓની આ સેવાથી માતાજીના મંદિરમાં લાભ થાય છે, એનું ૠણ અદા કરવા તેઓનું પણ બહુમાન કરી સન્માન પત્ર આપવામાં આવ્યું હતું. આજરોજ માતાજીનો ગરબો ઉતારવાનો લાભ ₹53,000 બોલી બોલીને સાધલીના બિરલા પરિવારે લીધો હતો. આ પ્રસંગે ગામના તમામ માઈ ભક્તો, માતા બહેનો હાજર રહ્યા હતા.



