નવરાત્રિના અંતિમ દિવસે માતાજીની ક્ષમાયાચનામાં ભક્તો ભાવવિભોર

નવરાત્રિના અંતિમ દિવસે માતાજીની ક્ષમાયાચનામાં ભક્તો ભાવવિભોર
સુરત, ઉધના: સુરતના ઉધના વિસ્તારમાં આવેલી કાશીનગર સોસાયટી ખાતે શ્રી માધવ ગૌશાળા અને ટ્રિપલ કે ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવના અંતિમ દિવસે માતાજીની ક્ષમાયાચનાનો ભાવુક પ્રસંગ યોજાયો હતો.
નવ દિવસ સુધી માતાજીની પૂજા-અર્ચના, દર્શન અને ગરબામાં જોડાયેલા ભક્તો તથા ખેલૈયાઓએ નવમા દિવસે માતાજીની પ્રતિમા સમક્ષ બંને કાન પકડીને જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલો બદલ ક્ષમા માગી હતી. આ દરમિયાન અનેક ભક્તોની આંખો અશ્રુભીની બની હતી અને માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા તથા સમર્પણનું હૃદયસ્પર્શી દૃશ્ય જોવા મળ્યું હતું.
આયોજક કૃણાલ સુર્યવંશી એ વધુમાં જણાવ્યું હતું કે, શ્રી માધવ ગૌશાળા અને ટ્રિપલ કે ગ્રુપ દ્વારા છેલ્લા 34 વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો માતાજીનાં દર્શન કરવા કાશીનગર સોસાયટી ખાતે પધારે છે. ક્ષમાયાચનાના આ ભાવુક પ્રસંગે નવરાત્રિ મહોત્સવની ભક્તિમય પૂર્ણાહુતિ થઈ હતી.



