ધર્મ દર્શન

ભક્તિ સાથે પર્યાવરણ જાળવણીની ઉમદા પહેલ

ભક્તિ સાથે પર્યાવરણ જાળવણીની ઉમદા પહેલ
કામરેજના ગૌ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગાયના ગોબરમાંથી ‘સુપર ઈકો-ફ્રેન્ડલી’ ગણેશજીની પ્રતિમાઓનું નિર્માણ
વિસર્જન બાદ પણ પર્યાવરણ અને જીવસૃષ્ટિ માટે વરદાનરૂપ સાબિત થશે ‘સુપર ઇકો-ફ્રેન્ડલી’ ગણેશ પ્રતિમા
૩ ઇંચથી ૨.૫ ફૂટ સુધીના ‘સુપર ઇકો-ફ્રેન્ડલી’ ગણેશજી સાથે ઉજવાશે ગણેશોત્સવ
ગણેશોત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે પર્યાવરણની જાળવણી અને પ્રકૃતિ સાથે સુમેળ સાધીને ઉત્સવ ઉજવવાની જાગૃતિ દિન-પ્રતિદિન વધી રહી છે. સામાન્ય રીતે પ્લાસ્ટર ઓફ પેરિસ કે માટીની મૂર્તિઓના ઉપયોગ સામે હવે સંપૂર્ણ કુદરતી અને પ્રકૃતિને નુકસાન ન પહોંચાડે તેવા વિકલ્પો ઉભરી રહ્યા છે. કામરેજના વાવ-જોખા રોડ પર આવેલા ‘સુંદરમ ગૌ વિજ્ઞાન કેન્દ્ર’ દ્વારા પર્યાવરણ જતનના એક અત્યંત સરાહનીય અભિગમ સાથે ગૌમાતાના ગોબર અને ગૌમૂત્રમાંથી ‘સુપર ઇકો-ફ્રેન્ડલી’ ગણેશજીની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે, જે ઉત્સવની ઉજવણી સાથે પ્રકૃતિના જતનનો સંદેશ આપી રહી છે.
સુંદરમ ગૌ વિજ્ઞાન કેન્દ્રના અશ્વિન બલદાણિયા અને તેમની ટીમ છેલ્લાં પાંચેક વર્ષથી આશરે ૫૦ જેટલી ગાયોનું જતન કરીને ગૌમૂત્ર અને ગોબરમાંથી વિવિધ ઉપયોગી વસ્તુઓનું નિર્માણ કરે છે. આ વર્ષે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે તેમણે વિશેષ રૂપે સુપર ઈકોફ્રેન્ડલી ગોમય ગણેશ મૂર્તિઓ બનાવી છે. મૂર્તિ નિર્માણ માટે ગાયના ગોબરનો ઝીણો પાઉડર બનાવી તેને નેચરલ ગમ (કુદરતી ગુંદર) મિક્સ કરી મોલ્ડમાં ઢાળીને આકર્ષક મૂર્તિઓ તૈયાર કરાય છે. મૂર્તિઓને સુશોભિત કરવા માટે માત્ર વોટર-બેઝ્ડ અને ઇકો-ફ્રેન્ડલી રંગોનો જ ઉપયોગ થાય છે, જેથી કોઈ પણ પ્રકારનું હાનિકારક કેમિકલ પર્યાવરણમાં ન ભળે એમ તેમણે જણાવ્યું હતું.
આ મૂર્તિઓને સામાન્ય ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓથી વધુ ‘સુપર ઇકો-ફ્રેન્ડલી’ ગણાવવામાં આવે છે. આ પાછળનું કારણ એ છે કે સામાન્ય માટીનું ખનન પણ એક પ્રકારે પૃથ્વીના સ્તરને અસર કરે છે, જ્યારે ગોબર એ સંપૂર્ણપણે કચરામાંથી સમૃદ્ધિ તરફ લઈ જતું કુદરતી ઘટક છે. આ મૂર્તિઓ જમીન કે પાણીને નુકસાન પહોંચાડવાને બદલે પ્રકૃતિ અને જીવસૃષ્ટિ માટે મદદરૂપ સાબિત થાય છે.
આ ગોમય ગણેશજીનું વિસર્જન અત્યંત સરળ અને પર્યાવરણપૂરક છે. જો ભક્તો ઘરે જ કુંડામાં કે વૃક્ષના મૂળમાં આ મૂર્તિનું વિસર્જન કરે, તો તે સંપૂર્ણપણે ઓગળીને છોડ માટે ઉત્તમ જૈવિક ખાતર (ઓર્ગેનિક ફર્ટિલાઇઝર) બની જાય છે. બીજી તરફ, જો નદી કે તળાવમાં વિસર્જન કરવામાં આવે તો પાણીમાં ઓગળ્યા બાદ ગોબર વિઘટિત થઈને માછલીઓ તથા અન્ય જળચર જીવો માટે પૌષ્ટિક ખોરાક પૂરો પાડે છે. આમ, વિસર્જન પછી પણ આ મૂર્તિ પ્રકૃતિ અને વૃક્ષોને પુનઃજીવન આપવાનું કાર્ય કરે છે.
આ મૂર્તિઓ ૩ ઇંચથી લઈને અઢી ફૂટ સુધીની વિવિધ સાઈઝમાં તૈયાર કરાઈ છે. સામાન્ય નાગરિકો પણ આ પર્યાવરણપૂરક અભિયાનમાં જોડાઈ શકે તે માટે તેની કિંમત પણ રૂ. ૫૦ થી શરૂ કરીને ૧૮૦૦ રૂપિયા સુધીની વાજબી રાખવામાં આવી છે.
ગણેશોત્સવના પવિત્ર પર્વે પૂજા-અર્ચના સાથે પ્રકૃતિનું જતન થાય અને પૃથ્વી પરના જીવોને કોઈ હાનિ ન પહોંચે તે માટે સુંદરમ ગૌ વિજ્ઞાન કેન્દ્રનો આ પ્રયોગ સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button