ગુજરાત

દિવાળીમાં આગની દુર્ઘટના સામે તંત્ર સજ્જ: આહવા મેઇન બજારમાં ડાંગ પોલીસની મોકડ્રિલ

  • દિવાળીમાં આગની દુર્ઘટના સામે તંત્ર સજ્જ: આહવા મેઇન બજારમાં ડાંગ પોલીસની મોકડ્રિલ
  • કેશવ કોમ્પ્લેક્સની ફટાકડાની દુકાનમાં આગ લાગ્યાનું નિદર્શન કરી પોલીસ, ફાયર રેસ્ક્યુ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમે હાથ ધરી બચાવ કામગીરી
  • આહવા : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાના કારણે આગની સંભવિત દુર્ઘટનાઓમાં જાનમાલનું નુકસાન અટકાવવા તથા કટોકટીના સમયે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી સુનિશ્ચિત કરવાના હેતુથી ડાંગ જિલ્લા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આહવા મેઇન બજારમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ (IPS)ની સૂચના અનુસાર તથા ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ આહવા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરીની રાહબરીમાં આ મોકડ્રિલ યોજાઈ હતી.
  • મોકડ્રિલ દરમિયાન સાંજના સમયે આહવા મેઇન બજારમાં લોકોની ભારે અવરજવર વચ્ચે કેશવ કોમ્પ્લેક્સમાં આવેલી ફટાકડાની દુકાનમાં આગ લાગી હોવાની પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આગની જાણ કંટ્રોલ રૂમને થતાં જ સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવી હતી. ગણતરીની મિનિટોમાં આહવા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. કે.બી. શાંખલા, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના પો.સબ.ઇન્સ. એમ.જી. શેખ, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પો.સબ.ઇન્સ. જે.જી. અનડકટ સહિતની ટીમો, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
  • ટીમો દ્વારા તાત્કાલિક ભીડને નિયંત્રિત કરી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે જ આગની દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની કામગીરીનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
  • મોકડ્રિલના અંતે લોકોને આવી આકસ્મિક પરિસ્થિતિમાં ગભરાયા વગર શાંતિ અને સંયમ જાળવવા તેમજ સલામતીનાં પગલાં અનુસરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
  • તંત્ર દ્વારા નાગરિકોને દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાનું વેચાણ, સંગ્રહ અને ઉપયોગ કરતી વખતે ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવા અપીલ કરવામાં આવી છે. કોઈપણ કટોકટીમાં પોલીસ હેલ્પલાઇન 112, ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 02631-220347 અથવા મેડિકલ ઇમરજન્સી હેલ્પલાઇન 108 પર સંપર્ક કરવા પણ જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button