નવી સિવિલ હોસ્પિટલ ખાતે યુરોલોજી અને નેફ્રોલોજી વિભાગની ઓ.પી.ડી.નું કિડની બિલ્ડિંગના પ્રથમ માળે સ્થળાંતર

નવી સિવિલ હોસ્પિટલ ખાતે યુરોલોજી અને નેફ્રોલોજી વિભાગની ઓ.પી.ડી.નું કિડની બિલ્ડિંગના પ્રથમ માળે સ્થળાંતર
કિડનીના દર્દીઓને એક જ બિલ્ડિંગમાં તપાસ, નિદાન અને સારવારની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ થશે
નવી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને વધુ સુવિધાજનક અને આધુનિક આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી યુરોલોજી અને નેફ્રોલોજી વિભાગની ઓ.પી.ડી.નું જૂના ટ્રોમા સેન્ટરના બિલ્ડિંગમાંથી કિડની બિલ્ડિંગના પ્રથમ માળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. હવે આ બંને વિભાગની ઓ.પી.ડી. કિડની બિલ્ડિંગના પ્રથમ માળે ડાયાલિસિસ વિભાગની બાજુમાં કાર્યરત કરવામાં આવી છે.
નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.પારૂલ વડગામાના જણાવ્યુસાર નવી વ્યવસ્થાના કારણે કિડની સંબંધિત બીમારીઓથી પીડાતા દર્દીઓને વિવિધ વિભાગો અને બિલ્ડિંગોમાં અવરજવર કરવાની જરૂરિયાત ઘટશે તેમજ એક જ સ્થળે તપાસ, નિદાન અને સારવારની સુવિધાઓ ઉપલબ્ધ બનશે.
આ ઉપરાંત, યુરોલોજી વિભાગમાં ઓપરેશન વિના શોકવેવ્સની મદદથી પથરી તોડવાની આધુનિક શોકવેવ લિથોટ્રિપ્સી સારવારની સુવિધા પણ ઉપલબ્ધ છે. સાથે જ યુરોલોજી સંબંધિત રોગોના નિદાન માટે યુરોફ્લોમેટ્રી અને યુરોડાયનેમિક સ્ટડી જેવી આધુનિક તપાસની સુવિધાઓ પણ કાર્યરત છે.
યુરોલોજી વિભાગમાં યુરોલોજીસ્ટ ડૉ. ગૌરવ બવડિયા, ડૉ. ઓજસ અને ડૉ. સાજિદ જ્યારે નેફ્રોલોજી વિભાગમાં નેફ્રોલોજી ડૉ. દીપક તમાકુવાળા અને ડૉ. ધર્મેશ નામા દ્વારા દર્દીઓને તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
આ સમગ્ર વ્યવસ્થાનું માર્ગદર્શન અને સંકલન મેડિસિન વિભાગના એચ.ઓ.ડી. ડૉ. અશ્વિન વસાવા, સર્જરી વિભાગના એચ.ઓ.ડી. ડૉ. નિમેશ વર્મા, આર.એમ.ઓ. ડૉ. લક્ષ્મણ તાહિલિયાની, કિડની નોડલ ઓફિસર ડૉ. ભરત ચાવડા તથા નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ નિર્જાબેનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે.
નવી સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓની સુવિધા અને સારવારની પ્રક્રિયા વધુ સરળ, સુલભ અને ઝડપી બને તે દિશામાં આ વ્યવસ્થા અમલી બનાવવામાં આવી છે. આ સ્થળાંતરથી ખાસ કરીને કિડની અને મૂત્રમાર્ગના રોગોથી પીડાતા દર્દીઓને એક જ બિલ્ડિંગમાં જરૂરી આરોગ્ય સેવાઓનો લાભ મળી રહેશે.



