નવી સિવિલ હોસ્પિટલ ખાતે દિવંગત ડો. ફિરોઝ ખાનના જન્મદિવસે વોલીબોલ મિત્રોએ રક્તદાન કેમ્પ અને બાળકોને ગિફ્ટ વિતરણ કરી શ્રદ્ધાંજલિ અર્પી
દિવંગત ડૉ. ફિરોઝ ખાનના જન્મદિવસ નિમિત્તે વોલીબોલ મિત્રમંડળ દ્વારા રક્તદાન શિબિર અને બાળસેવા સાથે સ્મૃતિમય ઉજવણી

૧૫ વર્ષના વોલીબોલ સંસ્મરણો સાથે ખેલાડીઓએ રક્તદાન કરી જન્મદિવસ સેવાકાર્યરૂપે ઉજવાયો
સુરત, : નવી સિવિલ હોસ્પિટલ ખાતે દિવંગત ડો. ફિરોઝ ખાનના જન્મદિવસે વોલીબોલ મિત્રોએ રક્તદાન કેમ્પ અને બાળકોને ગિફ્ટ વિતરણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. છેલ્લા પંદર વર્ષથી જે મેદાન પર તેઓ નિયમિત વોલીબોલ રમતા હતા, ત્યાં જ યોજાયેલા આ સ્મૃતિ કાર્યક્રમે મિત્રતા અને સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત ખેલાડીઓ અને મિત્રોએ ડો. ખાનની સ્મૃતિમાં વોલીબોલ મેચ રમી તથા કેક કાપીને તેમના સંસ્મરણો વાગોળ્યા હતા.
દિવંગત મિત્રની સ્મૃતિને ચિરંજીવ રાખવાના મિત્રમંડળે જરૂરિયાતમંદ દર્દીઓના જીવન બચાવવાના સંકલ્પ સાથે રક્તદાન કેમ્પ યોજ્યો હતો. આ સાથે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ બાળ દર્દીઓ તેમજ અશક્ત અને દિવ્યાંગ બાળકોને રમકડાં અને ભેટસોગાદનું વિતરણ કરીને સેવાકીય જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે તબીબી અધિક્ષકે જણાવ્યું હતું કે, મિત્રની યાદ જીવંત રાખવા માટે રક્તદાન કેમ્પ યોજવો, ફિટનેસ માટે વોલીબોલ રમવું અને સિવિલ હોસ્પિટલમાં દાખલ બાળકોને ગિફ્ટ અર્પણ કરવી એ જ સાચી મિત્રતા છે. તેમણે ઉમેર્યું હતું કે, રક્તદાન કરીને સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે ઉપયોગી થવું એ માનવતાનું કાર્ય છે. આજે ડો.ફિરોઝ ખાન આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પરંતુ તેમના નામે રમાયેલ દરેક રક્તબિંદુ અને બાળકના ચહેરા પર આવેલું દરેક સ્મિત તેમના જીવનને ફરી એકવાર જીવંત કરે છે.
આ પ્રસંગે તબીબ અધિક્ષક, નર્સિંગ કાઉન્સિલના ઉપાધ્યક્ષ, ભૂતપૂર્વ તબીબો, ડૉ.ખાનના પરિવારજનો, મિત્રવર્તુળ તથા વોલીબોલ ટીમના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.



